<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

શ્રી સોમનાથ મહાદેવ તિર્થમાં હોળી-ધુળેટી પર્વ ઉજવવા થનગનાટ

અંબર હૈ લાલ... આજ ધરતી ભી લાલ... આયા હોલી કા ત્‍યોહાર... ઉડે રંગ કી બોછાર... : વસંત ઋતુના નજરાણા સમા રંગ રાગ અને રાસના વૈવિધ્‍યસમા ઉત્‍સવને ભવ્‍યતાથી ઉજવાશે

(મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય દ્યારા) પ્રભાસ-પાટણ, તા.૧૨:  વસંતના આગમને વધાવતો અને ગેઇટ-વે-ઓફ સમર ભકિત અને આનંદના નઝરાણાસમા હોળી-ધૂળેટીના તહેવારને આવકારવા હોળી-ધૂળેટીના તહેવારને આવકારવા સોમનાથ તીર્થ અધીરતા સાથે સજ્જ થયું છે.

કરીયાણા બજારો ધાણી, દાળીયા, ટોપરાં, સાકરના હારડા,શ્રીફળ,ખજૂર, અબીલ, ગલાલ, રંગભરી પીચકારીઓ ભાત-ભાતના ઊડાવવાના કલરો, નાની નાની ધજાઓથી બજારો છવાઇ છે.

આદી-અનાદી યુગથી સોમનાથમાં હોળી-ધુળેટીનું મહત્‍વ રહેલું છે. ફેસેલીટી સેન્‍ટરમાં આવેલ સોમનાથના પ્રાચીન શિલ્‍પ સ્‍થાપ્‍તય જૂના સંગ્રહાયેલ શિલ્‍ય કોતરણીના જીર્ણ-અવશેષોમાં આજેય જોવા મળે છે.

આ શિલ્‍પ હોલિકા દહનનું છે અને જે અંગે તે શિલ્‍પ નીચે અંગ્રેજી-હિન્‍દી અને બ્રેઇન લીપીમાં હોલિકા દહનનો ઇતિહાસ જણાવેલ છે. કે ‘‘ હિરણ્‍યકશ્‍યપ નામના રાજાની બહેન હોલિકા હતી જેને બળી ન જાય તેવું વરદાન મળેલ તેથી હિરણ્‍યકશ્‍યપે પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિ પ્રવેશ કરાવ્‍યો પરંતુ વરદાનના ખોટા ઉપયોગને કારણે હોલીકાનું દહન થયું અને પ્રહલાદ ઉગરી બચી ગયેલ''

સોમનાથનું હાલનું મંદિર સાતમું મંદિર છે અને આ શિલ્‍પ આ પૂર્વેના છઠ્ઠા મંદિરના એટલે કે ઇ.સ.૧૩૦૮ ના સમયના છે.

સોમનાથના દિવ્‍ય દૈત્‍યસુદન ભગવાનનું મંદિરે તો વસંતપંચમીથી જ હોળી અનુરૂપ દેવ શણગાર-પૂજા કરાઇ રહી છે. અબીલ-ગલાલ-કેસુડાનો રંગ-કેસર-સુંગધિત પવિત્ર યમુના જળથી હોળી ઉત્‍સવની પરંપરા ખેલાય છે. અને ધાણી, ફગવા, ખજૂરની પ્રસાદી ભોગ ધરાવાય છે. અને ફૂલ ડોળના દિવસે સાત દર્શન થાય છે જેમાં કૃષ્‍ણ, શંકર, બલરામ,રામ, વામન, સગળાશા અને રાધાજીના દર્શન સાથે કેસુડાના રંગથી ફૂલડોળ કરાય છે. ભગવાનને વસંત પંચમીથી હોળીના દિવસો સુધી શ્વેત વસ્‍ત્રનો દિવ્‍ય શણગાર અને તેની ઉપર અબીલ-ગલાલ છાંટણા હોય છે જે અલોૈકિક દિવ્‍ય દર્શનમય હોય છે.

સોમનાથના વેરાવળમાં એક અને પ્રભાસના રામરાખ ચોક અને પાટયકલામાં કાળભૈરવની માટીની મૂર્તિ બનાવવામાં આવે છે. તેનું શ્રધ્‍ધા-ભકિતથી પૂજન-દર્શન કરાય છે.

તેની સાનિધ્‍યમાં હોળી પ્રગટવાના સમયે હોળી પ્રગટાવાય છે અને સોૈ કોઇ હોળીની પ્રદક્ષિણા, જળધારા, શ્રીફળ હોમવું સહિતના ભકિતભાવ કરે છે.

સોમનાથ મંદિર પણ પોતાની રીતે વૈદિક હોળી પ્રગટાવે છે.  અને હોળી-ધૂળેટીના દિવસે પર્વને અનુરૂપ સંધ્‍યા શણગાર કરાય છે.

હોળી પ્રગટયા બાદ ઢોલ-શરણાઇ અને મંગળ ગીતો સાથે જે તે જ્ઞાતિજનો-પરિવારો હોળીની વાડ લઇ હોળીના સ્‍થળે આવે છે. અને આ વરસમાં નવા જન્‍મેલા બાળકો અને પ્રભુતામાં પગલા પાડનાર ભૈરવનાથ દાદાના આર્શિવાદ મેળવે છે. અને હોળીની સોૈ સમુહમાં પ્રદક્ષિણા કરે છે.

સાગરખેડૂ હોળી-ધૂળેટીના તહેવારોમાં મોટાભાગના તે દિવસે રજા રાખી હોળી ઉત્‍સવ કુટુંબ સાથે ઉજવે છે. ધૂળેટીની સંધ્‍યાએ પર્વ સમાપન પછી મંદિરોમાં દર્શન થાય છે. ધૂળેટી બપોર પછી સંપૂર્ણ બજાર બંધ રહે છે. અને ધૂળેટી પત્‍યા પછી લોકો નાહી-ધોઇ સ્‍વચ્‍છ કપડા પહેરી સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવે છે.  (૩.૫)

(10:24 AM IST)