News of Thursday, 13th March 2025
કચ્છમાં એલપીજી ગેસ ભરેલ માલગાડીના ટેન્કરમાંથી ગેસ લીક થતાં તંત્ર ઊંધા માથે
કંડલાથી કાનપુર જતી ગેસ ટેન્કરની માલગાડીમાં આડેસર પાસે બનેલ ઘટનામાં તંત્ર હાઇ એલર્ટ ઉપર, મોટી દુર્ઘટના ટળી પણ આવી મોટી ગફલત માટે જવાબદાર કોણ?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૩ : કચ્છના કંડલાથી કાનપુર જતી એલપીજી ભરેલ ટેન્કર માલગાડીમાં ગેસ લીકેજને પગલે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. હાઇ એલર્ટ સાથે તમામ તંત્ર સતત ચાર કલાક સુધી ખડે પગે રહ્યું હતું અને અંતે ભય ટળ્યો હતો. આડેસરના લખપત સ્ટેશન પાસે ગેસ લીકેજની ઘટના ધ્યાને આવી હતી. સ્ટેશન સહિત આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવાયો હતો. પોલીસ સ્ટાફે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. કંડલાથી આઇઓસીનો સ્ટાફ, સુરક્ષા જવાનો અને રેલવે તેમજ વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કોઈ દુર્ઘટના સર્જાય કે આગ લાગે તો તેને પહોચી વળવા ફાયર પ્રૂફ ડ્રેસ સાથે સુરક્ષા જવાનો તૈયાર રખાયા હતા. ટેન્કર માલગાડીમાં એલપીજી ભરેલા ૨૦ ટેન્કર હોઈ સૌને ખૂબ જ ભય અને ચિંતા હતી પણ સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ટ્રેક ઉપર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવાયો હતો તેમ જ આસપાસના ગામો માં પણ સતર્કતા સાથે તંત્ર જાગૃત રહ્યું હતું. એલપીજી ગેસ લોડિંગ કરતા સમયે બરાબર લોડ ન થતાં આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાને આવ્યું છે. જોકે. આ ગફલત માટે યોગ્ય તપાસ થવી જોઈએ. જો રસ્તામાં ક્યાંય પણ નાની મોટી દુર્ઘટના સર્જાત તો શું પરિસ્થિતિ ઊભી થાત?
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
