<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ગોંડલથી ગૂમ થયેલા રાજકુમાર જાટનું મોત ખાનગી ટ્રાવેલ્‍સ બસની ઠોકરે થયું હતું: ડ્રાઇવરની ધરપકડ

જેની હત્‍યા થયાની પિતા સહિતના સ્‍વજનો સતત શંકા કરતાં હતાં તે ઘટનામાં શહેર એસઓજીની ટીમે રાત દિવસ એક કરી સત્‍ય શોધી કાઢયું: રોડની વચ્‍ચે ચાલીને જતો યુવાન ડ્રાઇવર જોઇ ન શકતાં ઠોકરે ચડી ગયો હતોઃ અમદાવાદ પહોંચી શેઠને ફોન કરી રોઝડુ બસની ઠોકરે આવી ગયાનું ખોટુ કહ્યું હતું : મુસાફરોને પણ બમ્‍પ આવી જતાં બસ ઉછળી હોવાનું જણાવી દીધુ હતું: અકસ્‍માત સર્જી ભાગી ગયેલા જુનાગઢ રહેતાં બસ ચાલક ૬૧ વર્ષના રમેશ મેરની ધરપકડઃ એસઓજીએ ૧૫૦થી વધુ કેમેરા ઘટના સ્‍થળ આસપાસ ચેક કર્યાઃ એક ડમ્‍પર ચાલકે મહત્‍વની વિગતો જણાવી અને પોલીસ આરોપી સુધી પહોંચી

ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમારે વિગતો જણાવીઃ બંનેની રાહબરીમાં એસીપી ભરત બસીયા, આર.એસ. બારીયાના માર્ગદર્શનમાં એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજા, એન. વી. હરિયાણી, કુવાડવા પીઆઇ બી. પી. રજયા, એલસીબી પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમોની કામગીરી

રાજકોટ તા. ૧૫: ગોંડલના ગાયત્રીનગરમાં રહેતાં પાઉભાજીના ધંધાર્થી રતનલાલ ચોૈધરી-જાટનો પુત્ર રાજકુમાર જાટ (ઉ.વ.૨૪) તા. ૨/૩ના રાતે ગૂમ થયા બાદ શોધખોળ પછી તા. ૬/૩ના રોજ તેના પિતા રતનલાલે ગોંડલ પોલીસમાં ગૂમ થયાની નોંધ કરાવી હતી. એ દરમિયાન કુવાડવાના તરઘડીયા પાસે તા. ૪ના વહેલી સવારે એક યુવાન ઘાયલ મળ્‍યા બાદ સિવિલ હોસ્‍પિટલમાં મૃત જાહેર કરાયો હતો. હિટ એન્‍ડ રનમાં તેનુ મૃત્‍યુ થયાની શંકાએ ઓળખ મેળવવા તપાસ શરૂ થઇ હતી. એ દરમિયાન આ લાશ ગોંડલથી ગૂમ થયેલા રાજકુમાર જાટની હોવાનું તા. ૯/૩ના રોજ સ્‍પષ્‍ટ થયુ હતું. જે તે વખતે મૃતકના પિતા રતનલાલે આ બનાવ અકસ્‍માતનો નહિ હત્‍યાનો હોવાના આક્ષેપો કરી સતત રજૂઆતો કરી હતી. ગોંડલમાં પુર્વ ધારાસભ્‍યના ઘર પાસે તેની સાથે મારકુટ થયાના આક્ષેપો પણ થયા હતાં. પડકારરૂપ બની ગયેલી આ ઘટનાનો રાજકોટ શહેર એસઓજીએ રાત દિવસ એક કરી ભેદ ઉકેલ્‍યો છે. આ ઘટના હિટ એન્‍ડ રનની જ હોવાનું ખુલતાં તેને ઠોકરે લઇ મોત નિપજાવી ભાગી ગયેલા જુનાગઢના ખાનગી બસના ડ્રાઇવર રાજેશ બીજલભાઇ મેર (ઉ.૬૧-રહે. ખોડિયાર મંદિર પાસે હેમવન સોસાયટી જુનાગઢ)ની ધરપકડ કરી લેવામાં આવી છે.

ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે વિગતો આપતાં જણાવ્‍યું હતું કે આ બનાવની ગંભીરતાને ધ્‍યાને લઇ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. એસઓજી, કુવાડવા રોડ પોલીસ, એલસીબી ઝોન-૧ની ટીમો કામે લાગી હતી. ઘટના સ્‍થળથી લઇ બંને તરફ આસપાસના સ્‍થળોએ કુલ ૧૫૦ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરાયા હતાં. હોટેલ, ધાબા, રેસ્‍ટોરન્‍ટ, ધાર્મિક જગ્‍યાએ તપાસ કરાઇ હતી. તપાસ દરમિયાન ઘટના એક ડમ્‍પર ચાલક મળી આવ્‍યો હતો જેણે રાતે ૨:૩૩ કલાકે ડેડબોડી જોયાનું કહેતાં તેના આધારે આ સમય પહેલા અને પછી કેટલા વાહનો નીકળ્‍યા તેની તપાસ થતાં કાર, ડમ્‍પર, બસ સહિત ૧૨થી વધુ મોટા મળી કુલ ૪૬ વાહનો આ સ્‍થળેથી પસાર થયાની માહિતી મળી હતી.

એ દરમિયાન મહાસાગર ટ્રાવેલ્‍સની બસ નં. જીજે૧૪ઝેડ-૩૧૩૧ શંકાની રડારમાં આવતાં એ બસ અંગે તપાસ કરતાં આગળના ગાર્ડ પર અકસ્‍માત સર્જાયો હોય તેવા ચિホો મળી આવતાં આ બસના ચાલક રમેશ બીજલભાઇ મેર (ઉ.વ.૬૧-રહે. જુનાગઢ) હોવાનું ખુલતાં તેને અને સાથે ક્‍લીનરને ઉઠાવી લઇ પુછતાછ કરાતાં પહેલા તો ડ્રાઇવરે રોજડુ અથડાયાની વાત કરી હતી. પણ બાદમાં સાચી વાત કબુલી હતી કે મૃતક યુવાન રોડની વચ્‍ચોવચ્‍ચ ચાલીને જતો હોઇ તે પોતાને ન દેખાતાં ભુલથી અકસ્‍માત સર્જાઇ ગયો હતો. આ વખત બસમાં ઉલાળો આવતાં મુસાફરો પણ જાગી જતાં બમ્‍પ હોવાનું જણાવી દેવાયુ હતું. આસપાસ બીજા વાહનો ન દેખાતાં અને પોતે ગભરાઇ ગયો હોઇ બસ ભગાવી મુકી આગળ જઇ ક્‍લીનરને અકસ્‍માતની વાત કરી હતી.

એ પછી બંનેએ અમદાવાદ પહોંચી શેઠને ફોન કરી બસમાં રોઝડુ આવી ગયાની વાત કરી હતી. પોતે ગભરાઇ ગયો હોવાથી શેઠથી પણ સાચી વાત છુપાવી રાખી હતી. આ ઘટના મામલે કુવાડવા પોલીસમાં અગાઉથી જ હિટ એન્‍ડ રનનો ગુનો દાખલ કરાયો હતો. આ ગુનામાં મહાસાગર ટ્રાવેલ્‍સની બસના ચાલક રાજેશ મેરની ધરપકડ કરવામાં આવી છે. આમ આ ઘટના માત્ર અને માત્ર વાહન અકસ્‍માત-હિટ એન્‍ડ રનની જ હોવાનું સ્‍પષ્‍ટ થઇ ગયું હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીઆઇ એન. વી. હરિયાણી, કુવાડવા પીઆઇ બી. પી. રજયા, એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી. ચુડાસમા, કુવાડવા પીએસઆઇ એમ. જે. વરૂ, જુનાગઢ એલસીબી પીએસઆઇ ડી. કે. ઝાલા, રાજકોટ એસઓજી એએસઆઇ ફિરોઝભાઇ શેખ, રાજેશભાઇ બાળા, કુવાડવા એએસઆઇ ખોડુભા જાડેજા, પ્રવિણભાઇ મકવાણા, હેડકોન્‍સ. વિક્રમભાઇ ગરચર, ધર્મેન્‍દ્રસિંહ દિલાવરસિંહ, સત્‍યજીતસિંહ ઝાલા, કોન્‍સ. કિશોભાઇ ઘૂઘલ, યોગરાજસિંહ ગોહિલ, મુકેશભાઇ ડાંગર, ગોપાલભાઇ, અર્જુનભાઇ, અનોપસિંહ, રવિરાજસિંહ, ભાવેશભાઇ મકવાણા, જયદિપભાઇ, કિશોરભાઇ, જયપાલભાઇ, વિશાલભાઇ, ભરતભા, જુનાગઢ એલસીબી ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૫)

(11:57 AM IST)