News of Saturday, 15th March 2025
લોઠડાના દિનેશ મેટાળીયાને ગામના જ અશોક અને અજયએ ધમકાવતાં પેટમાં છરીના ઘા મારી મરી જવા મજબૂર થયો'તો
દિનેશ અગાઉ અશોક મકવાણાને ત્યાં કામે જતો'તો એ અજય મેણીયાને ન ગમતાં તેણે ધમકવાતાં કામ મુકી દીધું: આથી અશોકે પણ કેમ કામે નથી આવતો કહી ડખ્ખો કરી ધમકાવ્યો હતો : ૨૪ ફેબ્રુઆરીએ પોતાને જ ઘાયલ કરનારા ત્રીસ વર્ષના યુવાનનું પહેલી માર્ચના મોત થયું હતું: આજીડેમ પોલીસે મૃતકના પિતા ભનુભાઇની ફરિયાદ પરથી આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૫: સરધારના લોઠડા ગામે રહેતાં દિનેશ નામના યુવાને વીસેક દિવસ પહેલા પોતાના ઘરે જાતે પેટમાં છરીના ઘા મારી લેતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ યુવાન ગામના જ બે શખ્સોના ત્રાસને કારણે મરી જવા મજબૂર થયાનું ખુલતાં બંને સામે ગુનો નોંધાયો છે. દિનેશ ગામના અશોકને ત્યાં કામે જતો હોઇ અજય નામના શખ્સે તું ત્યાં કામે જઇશ તો મારી નાંખીશ એવી ધમકી દેતાં અશોકનું કામ મુકી દીધુ હતું. આથી અશોકે ઘરે આવી ધમકી દીધી હતી. આ બંનેથી કંટાળીને તે મરવા મજબૂર થયાનું ખુલ્યું હતું.
આ બનાવમાં આજીડેમ પોલીસે આપઘાત કરનારા દિનેશ ભનુભાઇ મેટાળીયા (ઉ.વ.૩૦)ના પિતા લોઠડા ગામે વડાલીયા કંપની પાછળ રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં ભનુભાઇ ભીખાભાઇ મેટાળીયા (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી લોઠડા ગામના અશોક કાનાભાઇ મકવાણા અને અજય જેરામભાઇ મેણીયા વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૦૮, ૩૫૧ (૩), ૫૪ મુજબ ત્રાસ આપી, ધમકી આપી મરી જવાની દુષ્પ્રેરણા આપતાં દિનેશભાઇ પોતાની જાતે પોતાના પેટમાં છરીના ઘા મારી આપઘાત કરી લીધાનો ગુનો નોંધી બંનેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
ભનુભાઇ મેટાળીયાએ જણાવ્યું છે કે મારે સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં દિનેશ મોટો હતો. તેના લગ્ન વાદીપરા ગામે અમારી જ્ઞાતિમાં થયા હતાં. સંતાનાં એક દિકરો અને એક દિકરી છે. જો કે એક વર્ષ પહેલા દિનેશના છુટાછેડા થઇ ગયા હતાં. મારા દિકરા દિનેશે ગત તા. ૨૪/૨/૨૫ના રોજ ઘરે પોતાીન જાતે પેટમાં છરી મારી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન તેનું તા. ૧/૩ના રોજ મૃત્યુ થયું હતું. ૨૩/૨ના રોજ હું અને મારા પત્નિ લાભુ, દિકરો દિનેશ ઘરે હતાં. બપોરે બે વાગ્યે અમારે શેરીમાં રહેતો અશોક મકવાણા અમારા ઘરે આવ્યો હતો અને મારા દિકરા દિનેશને કહેલુ કે તું કેમ મારે ત્યાં કામે આવતો નથી. જેથી દિનેશે કહેલુ કે મારી તબિયત સારી નથી એટલે નથી આવતો. આ પછી અશોકે મારા દિકરાને તું બહાર આવ તારુ કામ છે તેમ કહેતાં મારો દિકરો સાથે ગયો હતો.
બે કલાક પછી તે ઘરે આવ્યો ત્યારે ખુબ ગભરાયેલો હતો અને રૂમમાં જઇ સુઇ ગયો હતો. મોડી રાતે તે રાડારાડી કરતો હતો અને બોલતો હતો કે મને અશોકભાઇ અને અજય મેણીયા જીવવા નહિ દે, મને મારી નાખશે. આ પછી મેં તેને આશ્વાસન આપી શાંત પાડી સુવડાવી દીધો હતો. બીજા દિવસે ૨૪મીએ સવારે સાડા નવેક વાગ્યે ફરી તે રૂમમાં રાડારાડી કરવા માડતા હું અને મારી પત્નિ રૂમમાં જતાં મારા દિકરાએ માતાજીના મંદિરમાં રાખેલી છરી ઉપાડી પોતાના પેટમાં ચાર-પાંચ ઘા મારી દીધા હતાં. તેને લોહી નીકળતું હતું ત્યારે પણ બોલતો હતો કે અશોક અને અજય મને મારી નાખશે, એટલે મેં જાતે જ છરી મારી લીધી છે. આ દરમિયાન આસપાસથી માણસો ભેગા થઇ ગયા હતાં અને કોઇએ ૧૦૮ બોલાવતાં અમે દિનેશને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં.
મારો દિકરો દાખલ હતો ત્યારે મને કહેલુ કે અશોકને ત્યાં હું અને પ્રવિણ પરમાર મજુરી કરતાં હતાં. ત્યારે અજય મેણીયા ધમકી દેતો હતો કે તમે બંને મારે ત્યાં મજુરી કામે આવતા જાવ, નહિતર જીવતા નહિ રહેવા દઉ. આથી એ પછી અજયએ ૧૫/૨ના રોજ પ્રવિણને છરી બતાવી મારકુટ પણ કરી હતી. અજય મને પણ મારશે તેવી બીક લાગતાં મેં અશોકને ત્યાં મજુરી કામે જવાનું બંધ કરી દીધુ હતું. આથી અશોક પણ ધમકી આપતો હતો કે તું અજય મેણીયાને ત્યાં મજુરી કામે જઇશ તો હું તને મારી નાખશી. આ બંનેના ત્રાસથી કંટાળીને મેં મારી જાતે છરીના ઘા માર્યા છે. તેમ દિનેશે સારવારમાં દાખલ હતો ત્યારે મને કહ્યું હતું. ડોક્ટરે ઓપરેશન કર્યુ હતું. પરંતુ તા.૧/૩ના રોજ મારા દિકરા દિનેશનું મોત થયું હતું. તેણે અશોક અને અજયના ત્રાસને કંટાળી આપઘાત કર્યો હોઇ અંતિમવિધી બાદ મેં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં ભનુભાઇ મેટાળીયાએ જણાવતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. સાખરાએ ગુનો નોંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. (૧૪.૬)
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
