News of Saturday, 15th March 2025
જૂનાગઢમાં કાર, બાઈકમાં આવેલા શખ્સોનો યુવાન પર છરી, લાકડાના ધોકા વડે હુમલો
સાવન મુન્ના, હિતેશ, અનિલ અને ૭ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ, હુમલા પહેલા ૩ શખ્સે યુવાનના ફઈનાં ઘરે માથાકૂટ કરી હતી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૫: જૂનાગઢમાં કાર, બાઈકમાં આવેલા શખ્સોએ યુવાન પર છરી, લાકડાના ધોકા વડે હુમલો કરતા ગંભીર પ્રકારની ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જૂનાગઢમાં ખામધ્રોળ રોડ રઘુવીર સોસાયટી ડો.સુભાષ ગર્લ્સ હોસ્ટેલની બાજુમા રહેતા ખતીજાબેન હબીબભાઇ સાંધનાં ઘર સામે ગઈકાલે બપોરના અગાઉના મનદુઃખથી મુન્નાભાઇ કોર્પોરેટરનો ડ્રાઇવર અનિલભાઇ, મુન્નાભાઇનો માણસ નંદો તથા બીજો માણસ જયેશ ઉર્ફે ભુરો વરૂ છરી, લાકડી સાથે ધસી ગયા હતા.
આ શખ્સોએ ગાળો બોલી ખતીજાબેન તથા તેની વહુને પચાડી દીધા હતા. અને તેમને બચાવવા આવેલ આરીફભાઈને લાકડી વડે માર મારી ઘર બહાર રહેલા એક્ટિવાને નુકશાન પહોંચાડ્યું હતું.
આ બનાવને લઇ ફરિયાદ કરવા માટે સલીમભાઇ મહમદભાઇ સાંધ નામનો યુવાન તેના ફઈ ખતીજાબેન વગેરે સાથે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગયો હતો અને બાદમાં બાઈક પર ઘરે જતો હતો અને રસ્તામાં ખામધ્રોળ રોડ ખોડીયાર મંદીરની બાજુમા બાબા પાનની દુકાનની બાજુમા આવેલ દુકાને સોડા લેવા ઉભો હતો.
ત્યારે સાવન મુન્ના અને હિતેશ નામના શખ્સે કારમાં આવી છરી વડે હુમલો કર્યો હતો. દરમિયાન અનિલ નામના શખ્સ તેમજ સાત થી આઠ અજાણ્યા શખ્સોએ બે થી ત્રણ મોટરસાયકલ ઉપર આવી લાકડાના ધોકા તથા પાઇપ વડે આડેધડ માર મારતા સલીમ મહમદને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બંને બનાવને લઈને તાલુકા પોલીસે ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
