તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Tuesday, 18th March 2025
પોરબંદર બારમાસી બંદર જેટીને મુખ્ય રસ્તા સાથે જોડી ફોર લેન બનાવવા માટે ૧૪૫.૧૫ કરોડ મંજુર
વિધાનસભામાં અર્જુનભાઇ મોઢવાડિયાએ પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં બંદર ખાતાના મંત્રી રાઘવજીભાઇ પટેલને માહિતી આપી

પોરબંદર,તા.૧૮: બારમાસી બંદરની જેટીને મુખ્ય રસ્તાથી જોડવા માટે રૂપિયા ૧૪૫.૧૫ કરોડના ખર્ચે કુલ ૩.૮ કિ.મી. લાંબો ફોર લેન રોડ બનાવવામાં આવશે.
આ અંગે વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબ આપતા માનનીય મત્સ્યઉદ્યોગ અને બંદર વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ માહિતી આપી હતી. આ અંગે માહિતી આપતા માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પોર્ટલેડ સિટી ડેવલપ કરવા માટે જે ચાર બંદર પસંદ કર્યા છે તેમાં પોરબંદરનો પણ સમાવેશ કર્યો છે. પોરબંદર બંદર દ્વારા અંદાજે ૯૪ લાખ ૫૦ હજાર મેટ્રીક ટન કાર્ગો છેલા પાંચ વર્ષમાં હેન્ડલ કરવામાં આવેલ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત આ બંદરથી રૂપિયા ૧૦૦ કરોડથી વધુનું રેવન્ય મળેલ છે. વર્ષ ૧૯૬૧ માં બંદરની જેટીને મુખ્ય રસ્તા સાથે જોડતો રોડ ટૂ લેન બનાવવામાં આવેલ. ત્યારથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ રસ્તાની જાણવણી કરવામાં આવે છે.
પોરબંદર બંદરની જેટીને મુખ્ય રસ્તાથી જોડવા માટે રૂપિયા ૧.૪૫.૧૫ કરોડના ખર્ચે કુલ ૩.૮ કિ.મી. લાંબો ફોર લેન રોડ બનાવવાની દરખાસ્ત મંજુર થયેલ છે. જેમાંથી રૂપિયા ૩૮ કરોડ ૮૯ લાખ રોડ કામ માટે, ૧ કરોડ ૪૦ લાખ રૂપિયા ભાગ બી મરીન પોલીસ બ્રીજ ટુ લેન માટે, બાપા સીતારામ બીજ માટે ૭૫ લાખ રૂપિયા, કલ્વટ ૧,૨,૩,૪ અને ખોડિયાર મંદિરના બ્રીજ ફોર લેન કરવા માટે રૂપિયા ૭ કરોડ ૩૩ લાખ, ૧૫ ટકા વિદ્યુતીકરણ માટે રૂપિયા ૭ કરોડ ૨૫ લાખ રૂપિયા, જમીન સંપાદન માટે રૂપિયા ૮૮ કરોડ ૨૫ લાખ, ગ્રીન બેલ્ટ વિકાસ અને ચેર પ્લાન્ટેશન માટે રૂપિયા ૯૫ લાખ, તેમજ અન્ય ખર્ચ અને જી.એસ.ટી. સહિત કુલ ૧૪૫.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સાથે જ લગભગ ૧૨૫ વર્ષ જુના ડેક બ્રીજની જગ્યાએ સમાંતર નવો બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સુચન કર્યુ હતું કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ સ્વાયત બોર્ડ છે, જેથી તેને રોડ બનાવવા મહેસુલ વિભાગ પાસેથી ધારા-ધોરણ મુજબ નાણાં ચુકવી જમીન મેળવવી પડે. જેમાં સમય લાગી શકે છે, આ રસ્તો મેરીટાઈમ બોર્ડના બંદરના જોડાણની સાથે સુભાષનગરને પણ જોડે છે, જેથી માર્ગ અન મકાન વિભાગ ડીપોઝિટ વર્ક તરીકે કામ કરે તો ઝડપથી કામ થઈ શકે તેમ છે. આ મામલે મત્સ્યઉદ્યોગ અને બંદર વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ સુચન અંગે વિચાર કરવાની ખાતરી આપી છે
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
