<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

મોરબી આવી રહેલ મુખ્‍યમંત્રીને વાવડી રોડની ચોક્કસ મુલાકાત લેવા કોંગ્રેસનું આમંત્રણ

છ મહિનાની બદલે ચાર ગણાથી વધારે સમય રોડનું કામ ચાલ્‍યું, તેમાં પણ નબળી વસ્‍તુઓ વાપરવામાં આવી હોવાથી રોડ તૂટી ગયો હોવાના આક્ષેપ

 (પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૮ : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ આગામી ૨૬મીએ મોરબી આવી રહ્યા છે ત્‍યારે તેઓને મોરબીના વાવડી રોડની મુલાકાત લેવા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આમંત્રણ આપવામાં આવ્‍યું છે. ઉપરાંત આ રોડ બનાવવામાં નબળી વસ્‍તુઓ વાપરવામાં આવી હોય જેથી તે તૂટી ગયો હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્‍યા છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્‍પરાજસિંહ જાડેજાએ જણાવ્‍યું કે મુખ્‍યમંત્રી  રોડ-રસ્‍તાની ગુણવતા અને ઝીરો ટોલરન્‍સથી ભષ્ટાચાર નાબુદીની વાત કરી રહ્યા છે અને  મોરબી પધારી રહ્યા છે. ત્‍યારે મુખ્‍યમંત્રીને મોરબી શહેરના વાવડી રોડ અને રેલ્‍વે સ્‍ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવા અમે આમંત્રણ પાઠવીએ છીએ.

આશરે બાવીસ વર્ષ પહેલા બનેલ રેલ્‍વે સ્‍ટેશનથી વી.સી. ફાટક સુધીનો જે રોડ બન્‍યો છે તે આજે પણ કયાંય તુટયો નથી. જે ગુણવતા લાયક છે ત્‍યારે શહેરનો વાવડી રોડ આશરે આઠ કરોડના ખર્ચે કોરોના સમયે વર્ષ-૨૦૨૦ માં શરૂ થયો અને છ માસની મુદત હતી. જે રોડ બે વર્ષ થયા અધુરો પડયો હતો અને માલ-સામાન ગુણવતાહીન નાખવામાં આવ્‍યા હતા. જેના પરીણામરૂપ આ વાવડી રોડ સદંતર તુટી ગયેલ છે. તેમજ તાજેતરમાં નિર્માણ પામેલા રવાપર રોડ અને પંચાસર રોડની હાલત પણ કંઈક આવી જ છે. ત્‍યારે ગુણવતાના ચાહક મુખ્‍યમંત્રીને આ તમામ રોડની મુલાકાત લેવા આમંત્રણ પાઠવીએ છીએ.

(2:16 PM IST)