<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ગોંડલમાં સીઝ કરાયેલા રૂા. ર૧.૭પ લાખના બાયોડીઝલના જથ્‍થાની ચોરી

ગત એપ્રિલ મહિનામાં ગાંધીનગરની ટીમે દરોડો પાડી બાયોડીઝલનો જથ્‍થો સીઝ કર્યો હતોઃ મામલતદારે ગોંડલ સીટી પોલીસમાં પેઢીના માલીક અને સંચાલક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૯: ગોંડલ હાઇવે પર ઉમવાડા ચોકડી પાસે ગાંધીનગરની ટીમે દરોડો પાડી બાયોડીઝલનું કારસ્‍તાન ઝડપી લીધું હતું. અને અહીં રૂપિયા ૨૧.૭૫ લાખનો જવલનશીલ પ્રવાહીનો જથ્‍થો સીઝ કર્યો હતો. દરમિયાન અહીં અધિકારીની પરવાનગી વગર સીલ તોડી ચાર ટાંકીઓ સહિત આ જથ્‍થો ચોરી કરી ગયા હતા. આ બનાવ મામલે હાલ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં મામલતદાર દ્વારા પેઢીના માલિક અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ મામલતદાર દિપકભાઇ દીનકરાય ભટ્ટ દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પેઢીના માલિક અને સંચાલકના નામ આપવામાં આવ્‍યા છે. મામલતદારએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, ગત તા. ૨૭/૪/૨૦૨૪ ના ગાંધીનગરથી નાયબ નિયામક તથા મદદનીશ નિયામક અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરની ટીમ દ્વારા ગોંડલના ઉમવાડા ચોકડી પાસે શિવ ગાંઠિયા રથની પાછળ નેશનલ હાઇવે નંબર ૨૭ ખાતે સિમેન્‍ટના બ્‍લોકની ફોલ્‍ડિંગ દિવાલથી ઘેરાયેલા બંધ દરવાજાવાળા કમ્‍પાઉન્‍ડમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.

અહીં બાયોડીઝલના નામે ભળતા પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્‍થો મળી આવ્‍યો હતો અહીં કમ્‍પાઉન્‍ડમાં કાળા રંગની મોટી લોખંડની બે ટાંકી કે જેમાં અંદાજિત ૧૦ હજાર લિટર પ્રવાહી મળ્‍યું હતું. બાજુમાં તેના જેટલી જ લંબાઈ પહોળાઈ વાળી કાળા રંગની અન્‍ય બે ટાંકી જેમાં ૨૦,૦૦૦ લીટર પ્રવાહી હતું.

ગણતરી કરતા કુલ જુલનશીલ પ્રવાહી ૨૯ હજાર લિટર જોવામાં આવ્‍યું હતું અહીં સ્‍થળે કોઈ હાજર ન હોય અને રાજ ખોડલ ટ્રેડ નામનું બોર્ડ લગાવેલ હોય તેમાં જણાવેલા નંબર પર ફોન કરતા કોઈ સંપર્ક થયો ન હતો. બાદમાં અહીં કુલ રૂપિયા ૨૧.૭૫ લાખની કિંમતનો આ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્‍યો હતો. દરમિયાન તાજેતરમાં તપાસ કરતા સીલ કરેલ જવેલનશીલ પ્રવાહીનો જથ્‍થો તથા ચાર ટાંકી સક્ષમ અધિકારીની મંજૂરી વગર સીલ તોડી ચોરી કરી જતા આ અંગે મામલતદારએ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(2:48 PM IST)