તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
હવેથી દીવના કિલ્લાને જોવાના પણ રૂપિયા લાગશે! પ્રવાસીઓના ખર્ચ વધશે :એપ્રિલથી નવો નિયમ લાગુ
400 વર્ષ જૂના ઐતિહાસિક કિલ્લામાં ફરવા માટે બાળકો માટે ₹75, વયસ્કો માટે ₹100 અને વિદેશીઓ માટે ₹200 ચાર્જ લાગશે.

સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવનો કિલ્લો, જે અત્યાર સુધી પ્રવાસીઓ માટે નિઃશુલ્ક હતો, હવેથી ફરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. દીવ પ્રશાસને આ અંગે નિર્ણય લીધો છે અને આ નિયમ એપ્રિલ મહિનાના પહેલા સોમવારથી લાગુ કરવામાં આવશે. આ સમાચારથી પ્રવાસીઓમાં થોડી નિરાશા જોવા મળી રહી છે, પરંતુ કિલ્લાની જાળવણી માટે આ પગલું જરૂરી માનવામાં આવી રહ્યું છે.
દીવ ખાતે પૌરાણિક પર્યટન સ્થળ કિલ્લો આવેલો છે. આ કિલ્લામાં ફરવા તથા પોર્ટુગલ શાસન દરમિયાનની અનેક સ્મૃતિઓ લોકો અત્યાર સુધી નિ:શુલ્ક નિહાળી રહ્યા હતા. ત્યારે હાલ હવે સોમવારથી દીવ પર્યટન વિભાગ દ્વારા કિલ્લો ફરવા માટે હવે ચાર્જ ચૂકવવો પડશે. દીવ કિલ્લો ફરવા હવે 15 વર્ષથી નીચેના બાળકોને 75 રૂપિયા, 15 વર્ષથી ઉપરના તમામ લોકોએ 100 રૂપિયા તથા વિદેશી પર્યટક 200 રૂપિયા ચૂકવીને કિલ્લો ફરવા જઈ શકશે.
દીવનો ઐતિહાસિક કિલ્લો લગભગ 400 વર્ષ પહેલાં પોર્ટુગીઝ શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો અને તે પુરાતત્વ વિભાગ હેઠળ આવે છે. આ કિલ્લો પોતાની ભવ્યતા અને દરિયા કિનારાના સુંદર દ્રશ્યોના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અત્યાર સુધી પ્રવાસીઓ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વિના આ કિલ્લાની મુલાકાત લઈ શકતા હતા, પરંતુ હવેથી તેમણે પ્રવેશ માટે નિયત કરેલો ચાર્જ ચૂકવવો પડશે.
જો કે, કેટલાક પ્રવાસીઓનું માનવું છે કે આ ફી લાગુ કરવાથી પ્રવાસન પર થોડી અસર પડી શકે છે, ખાસ કરીને જેઓ ઓછા બજેટમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તેમ છતાં, મોટાભાગના લોકો કિલ્લાની જાળવણી માટે આ નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે એપ્રિલ પછી પ્રવાસીઓની સંખ્યા પર આ ફેરફારની કેટલી અસર પડે છે. દીવનો કિલ્લો આજે પણ તેની ઐતિહાસિક મહત્વતા અને કુદરતી સૌંદર્યના કારણે પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય સ્થળ છે અને રહેશે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
