News of Monday, 24th March 2025
આજે વિશ્વ ટી.બી.દિવસ: ઉધરસ અને તાવ ઉપરાંત જાણો ટી.બી.ને ઓળખવાના અન્ય લક્ષણો શું છે?
વિશ્વમાં દર વર્ષે એક કરોડ લોકોને થાય છે ટીબી, ફેફસાં ઉપરાંત મગજ અને હાડકાનો ટીબી પણ થઈ શકે છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : એક સમયે કહેવાતું કે,"ક્ષય થયો તો તમારો ક્ષય નક્કી",પરંતુ મેડિકલ સાયન્સે આ માન્યતા દૂર કરી છે ,છતાં હજુ ટી.બી.નું જોખમ યથાવત છે અને દુનિયામાં દર વર્ષે એક કરોડ લોકો ટી.બી.થી સંક્રમિત થાય છે, એટલે જ ટી.બીનું ચોક્કસ નિદાન જરૂરી છે.
ટી.બી.ના રોકથામ માટે દેશ દુનિયામાં અનેક પ્રયત્નો થાય છે અને હજુ નિરંતર પ્રયાસ જારી છે.વિશ્વ ટી.બી.દિવસની થીમ પણ એવી જ છે."હા, આપણે ટી.બી.નો ખાતમો બોલાવી શકીએ છીએ, એના માટે પ્રતિબધ્ધ છીએ,રોકાણ કરો અને પરિણામ આપો."
દર વર્ષે ૨૪ માર્ચના રોજ વિશ્વ ટી.બી.દિવસ મનાવવામાં આવે છે એ નિમિતે અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ્સના જણાવ્યા મુજબ ટી.બી.ની સમયસર ઓળખ અને સારવાર ન થાય તો જાનલેવા પણ થઈ શકે.ટી.બી.નું સંક્રમણ શરીરના કોઈપણ ભાગને પ્રભાવિત કરી શકે છે. ફેફસાંના ટી.બી.ને પલ્મોનરી અને અન્ય ભાગના ટી.બી.ને એક્સ્ટ્રા પલ્મોનરી ટી.બી.કહે છે.કચ્છમાં મોટા ભાગે ફેફસાનો ટી.બી.જોવા મળે છે.
જી.કે.ના પલ્મોનરી મેડિસિન ડો.કલ્પેશ પટેલે સમયવર્તે ટી.બી.ના નિદાન અંગે કહ્યું કે,સતત બે અઠવાડિયા ઉધરસ જણાય અને બીજા લક્ષણો જેમકે,શ્વાસ લેવામા તકલીફ, લાંબો સમય તાવ, ભૂખ અને વજન ઓછું થવું, થાક તથા ઉધરસ અને ગળફામાં લોહી આવવું જણાય તો છાતીનો એક્સ રે અને ટેસ્ટ કરાવી લેવા હિતાવહ છે.આ બધું સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે થાય છે.
ટી.બી.નું નિદાન થાય પછી જો સમયસર સારવાર લેવાથી ઠીક થઇ થઈ શકે છે. પણ ૬ થી ૯ મહિનાની પુરી સારવાર લેવી.અન્યથા બેક્ટેરિયામાં પ્રતિરોધક શક્તિ આવી જાય છે અને સારવાર મુશ્કેલ બને છે.બીજી તરફ ફેફસા સિવાયનો મગજનો ટી.બી.હોય તો સતત ૧૨ મહિના અને હાડકાંનો ટી.બી.હોય તો ૧૮ મહિના અટક્યા વિના સારવાર લેવી જરૂરી છે.એમ ડો.પાર્થ પટેલ અને ડો.સ્મિત યાદવે જણાવ્યું હતું.
ટી.બી. કોને થઈ શકે અને સાવચેતી અંગે તબીબોએ જણાવ્યુકે, કુપોષણ, એચ.આઈ.વી., ધૂમ્રપાન, સ્ટીરોઈડ દવાનો વધુ ઉપયોગ, નશીલા પદાર્થોનું સેવન કરનારને તેમજ ડાયાબિટીસ હોય તેવાને પણ ટી.બી.થઈ શકે. સાવચેતી અંગે તેમણે કહ્યું કે, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, વ્યક્તિગત સ્વચ્છતા તેમજ બી.સી.જી.ની રસી બાળકોને અવશ્ય મુકાવવી જોઈએ.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
