News of Monday, 24th March 2025
ગોંડલને બદનામ કરવા બહારના તત્વો પાછુ વાળીને નથી જોતાઃ જયરાજસિંહ જાડેજા
ગોંડલમાં સગીરને માર મારવાની ઘટનામાં અંતે ઘીના ઠામમાં ઘી પડયું: ગોંડલની શાંતી જળવાઇ રહે તે માટે પાટીદાર અને ક્ષત્રીય સમાજની સમાધાનની પહેલઃ બન્ને પિડીતોનાં પરીવારે સમાધાન સ્વીકાર્યું

સમાધાન બાદ જયરાજસિંહ જાડેજા અને આગેવાનોએ પત્રકાર પરિષદ સંબોધી હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી- ગોંડલ)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૪: પાટીદાર સગીરને માર મારવાની અને ક્ષત્રીય પરીવારનાં બાળકની સતામણીની ઘટનાએ છેલ્લા એક અઠવાડિયાથી ગોંડલનો માહોલ ગરમાયો હતો. જેમા ભડકાઉ ભાષણોને કારણે ગોંડલની શાંતિ ડહોળાતા જયરાજસિહ જાડેજાએ બન્ને પીડિતોના પરીવાર તથા પાટીદાર તથા ક્ષત્રીય સમાજનાં જવાબદાર આગેવોનોની હાજરીમાં રિવર સાઈડ પેલેસ ખાતે બેઠક કરી સમાધાનની ભુમીકા ઉભી કરી હતી. પિડીત સગીરનાં પિતા સમીરભાઈ લક્ષ્મણભાઈ સાટોડીયાએ સ્પષ્ટતા કરી કે મારે કોઇ જ્ઞાતિ સાથે કયારેય કોઈ જગડો નથી. સમાધાનથી અમને રાજીપો છે. આ વાત હવે અહી પુરી થાય છે. જ્યારે અન્ય પિડીત બાળકનાં મામા પ્રતિપાલસિંહ ગોહિલે પણ સમાધાન સ્વિકારી રાજીપા સાથે વાતને પુરી કરી હતી.
જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે ઘટના દુઃખદ હતી. પણ કેટલાક પરીબળો દ્વારા મોટો હાઉ ઉભો કરી દેવાયો હતો. ગોંડલને બદનામ કરવામાં કોઇએ પાછુ વાળીને જોયુ નથી. ગોંડલની પ્રગતિ ધંધા ઉદ્યોગ આ લોકોથી જોવાતા નથી. બન્ને પક્ષે સમજદારી દાખવી સાચી વાતને સ્વિકારી છે. તે બદલ બન્ને પરીવાર તથા સમાજનો આભાર વ્યક્ત કરી આપણી શાંતિ સંગઠન કાયમી જળવાઇ રહે તે માટે ઉપસ્થિત તમામ સમાજને અપીલ કરી હતી.
બેઠકમાં ઉપસ્થિત યુવા અગ્રણી ગણેશભાઈએ કહ્યુ ગોંડલમાં આકસ્મિક કંઈ પણ ઘટના બને તો ગોંડલને બદનામ કરવાનો સિલસિલો શરુ થયોછે. ત્યાં સુધી કે ગોંડલને મિર્ઝાપુર ગણાવી દિધુ છે. આવા ટપોરીઓને કહેવાનું કે અહી અઢારે આલમનાં લોકો વચ્ચે ભાઇચારો છે. એ લોકોનાં વૈમનસ્યનાં સપના કયારેય પુરા નહી થાય.
મનસુખભાઈ સખીયાએ કહ્યુ કે મુઠ્ઠીભર તત્વો વાતાવરણ ડહોળવા પ્રયત્ન કરે છે. તો કેટલાક ટીઆરપી વધારવાં જુઠ્ઠી હકીકતો રજુ કરી રહ્યા છે. પણ આજે બધુ સ્પષ્ટ થઇ ગયુ છે.
માર્કેટ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યુ કે ગોંડલમાં ગુંડારાજ ચાલે છે. જો એવુ હોય તો હમણાં જ એક વિઘા જમીનનો રૂ. છ કરોડ પીસતાલીશ લાખમાં સોદો થયો. કારણ કે ગોંડલ વિકસિત છે. ગોંડલની છબી ખરડવાનાં કેટલાક લોકો ઇશ્યુ ઉભા કરેછે. રાજાશાહી સમયથી અહી પટેલો અને દરબારો વચ્ચે ગાંઢ સબંધો ચાલ્યા આવે છે. મિડિયાને ગુમરાહ કરી આ લોકો જયરાજસિહ તથા તેના પરીવારને બદનામ કરવાનુ મિશન ચલાવી રહ્યા છે.
ક્ષત્રીય સમાજનાં પીઢ આગેવાન કનકસિંહ જાડેજાએ કહ્યુ કે બન્ને પક્ષે કોઇ વેરઝેર નથી. કે નથી પુર્વયોજીત કાવત્રુ. બનાવ માત્ર આવેશમાં બન્યો છે. બધાયથી મોટુ મન સમાધાન છે. જયરાજસિહને મતની પેટીમાં પંહોચી શકતા ના હોય તેવા લોકો સમજણ વગરનું અર્થઘટન કરી વાતાવરણ બગાડી રહ્યા છે.
રાજપુત ક્ષત્રીય યુવક મંડળનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા હરદિપસિંહ જાડેજાએ કહ્યુ કે ગોંડલમાં ભાઇચારો છે. મહારાજા ભગવતસિહ સમયથી પટેલ અને દરબારોનાં સબંધ સુમેળભર્યા છે. બનાવ અંગે ખોટુ ચિત્ર રજુ કરનારા બહારનાં લોકોએ વાસ્તવમાં ગોંડલ આવીને સત્ય જાણવુ જોઈએ.
બેઠકમાં પાટીદાર આગેવાન કુરજીભાઈ ભાલાળા, અશોકભાઈ પરવડીયા, પિન્ટુભાઈ સાટોડીયા, જીગરભાઈ સાટોડીયા, સામતભાઇ બાંભવા, અમળતભાઇ મકવાણા, આશીફભાઈ જકરીયા સહીતે જણાવ્યુ કે બન્ને પક્ષોએ સમજુતી દાખવી સમાધાનનો રાહ અપનાવી બનાવને ઇશ્યુ બનનાર લેભાગુ તત્વોને કરારો જવાબ આપ્યો છે.
બેઠકમાં ગોપાલભાઈ શિંગાળા, અગ્રણી ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ પટેલ, અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, શહેર તાલુકા રાજપૂત ક્ષત્રીય સમાજના પ્રમુખ હેમભા ઝાલા, પિન્ટુભાઈ ચુડાસમા, બટુકભાઈ ઠુંમર, યોગેશભાઈ કીયાડા, કચરાભાઇ વૈશ્નવ વિવિધ જ્ઞાતિઓનાં આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
