News of Monday, 24th March 2025
રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડો.આશા લકડાએ જામનગર જિલ્લાના પદાધિકારી સાથે બેઠક યોજી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્યશ્રી ડૉ.આશા લકડાએ જામનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીશ્રીઓ અને લગત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓએ જામનગર જિલ્લામાં અનુસૂચિત જનજાતિના લોકો માટે વિવિધ વિભાગો જેમાં શિક્ષણ, આરોગ્ય તથા જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરાઈ રહેલ કામગીરી અને આ સમુદાયના લોકોને સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભો મળી રહે અને તેઓ પણ સમાજમાં પોતાનું યોગદાન આપી શકે તે પ્રકારે કામગીરી કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. ત્યારબાદ તેઓએ સમરસ હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. શ્રી આશા લકડાએ વિદ્યાર્થિનીઓને જીવનમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી સમાજમાં પોતાનું યોગદાન આપી નારી શક્તિને ઉજાગર કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી.
સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠક અને હોસ્ટેલની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એન. ખેર, આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનરશ્રી એ.એસ.ખવડ, પ્રાંત અધિકારીશ્રી પ્રશાંત પરમાર, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકશ્રી આનંદ ખાચર વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
