<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની પસંદગીથી ‘આપ'ના જિલ્લા યુવા પ્રમુખ નારાજ : પક્ષ છોડી કેસરિયો ધારણ કર્યો

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૪: વિસાવદર વિધાનસભા બેઠક પર મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્‍યો છે. આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના યુવા પ્રમુખ રાજેન્‍દ્ર ચિત્રોડાએ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ બેઠક છેલ્લા બે વર્ષથી પૂર્વ ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયાની પિટિશનને કારણે ખાલી હતી. હવે તેમણે હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચી લેતા ચૂંટણીની સંભાવના વ્‍યક્‍ત કરાઈ રહી છે.

આમ આદમી પાર્ટીએ આ બેઠક પર પાટીદાર સમાજના ગોપાલ ઇટાલીયાને ટિકિટ આપી છે. રાજેન્‍દ્ર ચિત્રોડાએ જણાવ્‍યું કે તેઓ લાંબા સમયથી પાર્ટી માટે કામ કરી રહ્યા હતા. તેમના મતે ડો. હિતેશ વઘાસિયા અને હરેશ સાવલિયા જેવા સ્‍થાનિક અને સક્ષમ નેતાઓને ટિકિટ આપવી જોઈતી હતી. તેમણે ગોપાલ ઇટાલીયાને આયાતી ઉમેદવાર ગણાવ્‍યા છે. ચિત્રોડાએ વધુમાં કહ્યું કે સ્‍થાનિક નેતાઓ જ ગ્રામ્‍ય વિસ્‍તારના ખેડૂતોના પ્રશ્‍નોને સમજી શકે છે. તેમણે ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલની કામગીરીની પ્રશંસા કરી હતી. બે વર્ષ પહેલા ભૂપતભાઈ ભાયાણીને ‘આપ'માંથી જીત અપાવી હતી, પરંતુ આ વખતે પાર્ટીના નિર્ણયથી નારાજ થઈને તેમણે ભાજપનો સાથ પસંદ કર્યો છે.

(1:41 PM IST)