News of Monday, 24th March 2025
બાળકો સાથે આત્મીયતા કેળવો અને નાની બાબતો પણ બાળકોથી છુપાવો નહીં
મોબાઇલ પાણીમાં પડી જવાથી હતાશ ૧ર વર્ષની બાળકીના આપઘાતનો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન : પોરબંદર હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૪ : તાજેતરમાં સુરત ખાતે એક ૧૨ વર્ષની બાળકીનો મોબાઇલ પાણીમાં પડી જતા માં-બાપ તરફથી ઠપકો મળશે તેવા ડરને કારણે સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાનો ચકચારી બનાવ બન્યો છે આવા બનાવો સમાજ માટે લાલબત્તી સમાન છે તેમ જણાવીને પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયાએ મહત્વના સુચનો કર્યા છે.
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,આજના યુગમાં બાળકો સાથે આત્મીયતા અને વિશ્વાસનો સંબંધ વિકસાવવો અત્યંત જરૂરી છે.બાળકોને એવો માહોલ આપવો જોઈએ કે તેઓ કોઈપણ નાની-મોટી બાબત છુપાવ્યા વિના તેમના માતા-પિતા અથવા વડીલો સાથે શેર કરી શકે.આવુ ઓપન કમ્યુનિકેશન બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ મહત્વપુર્ણ છે.
સુરતમાં બનેલો આપઘાતનો દુઃખદ બનાવ આપણા સમાજ માટે એક લાલબત્તી સમાન છે.૧૨ વર્ષની બાળકીએ મોબાઇલ પાણીમાં પડી જવાની નાનકડી ઘટના પર માતા-પિતાના ઠપકાના ડરથી આપઘાત કરી લીધો, જે ખરેખર ચિંતાજનક છે. આવા બનાવો દર્શાવે છે કે બાળકોના મનોવિજ્ઞાન અને ભાવનાઓને સમજવાની અને તેમની સાથે સંવાદિતા કેળવવાની આપણે તાત્કાલિક જરૂર છે.
પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે આ બાબતે કેટલાક મહત્વપુર્ણ સુચનો કર્યા છે કે બાળકો સાથે વાતચીત કરો. બાળકો સાથે નિયમિત રીતે વાતચીત કરો.તેમની રોજિંદી જીવનની બાબતો, તેમની ચિંતાઓ અને સમસ્યાઓ વિશે ચર્ચા કરો.તેમને એવું લાગે કે તેઓ કોઈપણ બાબત તમારી સાથે શેર કરી શકે છે. ઠપકો આપવાને બદલે સમજાવો.
બાળકો કોઈ ભુલ કરે તો તેમને ઠપકો આપવાને બદલે સમજાવવાનો પ્રયાસ કરો.ભુલોમાંથી શીખવાની તક આપો અને તેમને સહાનુભુતિપુર્વક સમજાવો.
બાળકોને એવું લાગે કે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં તમારો ભાવનાત્મક સહારો મેળવી શકે છે.તેમની લાગણીઓને ગંભીરતાથી લો અને તેમને સમજો. મોબાઇલ અને ટેકનોલોજીનો સંયમિત ઉપયોગમાં બાળકોને ટેકનોલોજીના સંયમિત ઉપયોગ વિશે જાગળત કરો. મોબાઇલ અને ઇન્ટરનેટના દુરુપયોગથી બચાવવા માટે તેમને સમજાવો અને સમયસર માર્ગદર્શન આપો.
બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. જો બાળકમાં કોઈ ચિંતાજનક લક્ષણો જણાય, તો તાત્કાલિક મનોવૈજ્ઞાનિક સલાહ લેવી છે. આપણે બાળકોને એવો માહોલ આપવો જોઈએ કે,તેઓ કોઈપણ સમસ્યા અથવા ચિંતા વગર ડરે તેમના માતા-પિતા સાથે શેર કરી શકે.આવી આત્મીયતા અને વિશ્વાસનો સંબંધ બાળકોના સ્વાસ્થ્યપુર્ણ વિકાસ માટે અત્યંત જરૂરી છે.તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
