News of Monday, 24th March 2025
ગોંડલના જાટ યુવાનના મોત પ્રકરણમાં 19 દિવસ બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલોમાં હાજર અજાણ્યા શખ્સો સામે પોલીસે નોંધ્યો ગુનો
મૃતક રાજકુમારને બંગલામાં હાજર એક અજાણ્યા શખ્સે તમાચો ઝીકી દીધો હતો ત્યારે તમાચો ઝીંકનાર શખ્સને પોતે ઓળખતા નહી હોવાનું કહ્યું હતું જેથી અજાણ્યા શખ્સ સાથે એનસી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો

ગોંડલ તા.૨૪
જાટ યુવાનને મારમારવાની ઘટનાના વિવાદમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ અંતે પોલીસે બનાવના 19 દિવસ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલોમાં હાજર અજાણ્યા શખ્સો સામે ગુપચુપ રીતે એનસી ગુનો નોંધ્યો છે. તેમજ આ બનાવમાં સામા પક્ષે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ જાટ પિતા-પુત્ર સામે ગેરકાયદેસર રીતે બળજબરીથી બંગલોમાં ઘુસી ગયાની અરજી લઇ તપાસ શરૂ કરી છે.આ બનાવમાં પોલીસે એનસી ગઈ તા. 15ના રોજ અને તે પહેલા ગણેશ જાડેજાએ અરજી આપ્યાનું જણવા મળ્યું છે.
ગોંડલમાં રહેતો અને યુપીએસસીની તૈયારી કરતો મૂળ રાજસ્થાનનો રાજકુમાર જાટ ઘરેથી રહસ્યમય રીતે લાપત્તા બની ગયા બાદ તેનો મૃતદેહ રાજકોટ નજીકથી મળી આવ્યો હતો. રાજકોટ પોલીસે તેનું મોત ખાનગી ટ્રાવેલ્સની બસે હડફેટે લેતાં થયાનું જાહેર કરી દીધું છે. આમ છતાં આ મામલો શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો.
મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ સામે આક્ષેપો કર્યા છે. રાજસ્થાનના જાટ સમાજમાં પણ આ કેસને લઈ તિવ્ર આક્રોશ છે. લોકસભામાં પણ આ મુદ્દો ઉછળી ચુકયો છે. રાજસ્થાનના અનેક ધારાસભ્યો અને સાંસદો આ કેસની સીબીઆઈ તપાસ કરે તેવી માંગણી કરી ચૂકયા છે.
મૃતકના પિતા રતનલાલ જાટે સ્થાનિક એટલે કે ગોંડલ પોલીસ સામે પણ અનેક આક્ષેપો કર્યા હતા. જે-તે વખતે તેણે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે અને તેનો પુત્ર બાઈક ઉપર જયરાજસિંહ જાડેજાના બંગલો પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બંગલોની બહાર તહેનાત શખ્સો તેને અને તેના પુત્રને બંગલોની અંદર લઈ ગયા હતા અને તેના પુત્રને મારકૂટ કરી હતી.
ભારે વિવાદ સર્જનાર આ કેસમાં ગોંડલ પોલીસે હવે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે ગુપચુપ રીતે જયરાજસિંહ જાડેજાના બંગલોમાં હાજર અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજિસ્ટર કર્યો છે. જે જે મુજબ મૃતક રાજકુમારને બંગલામાં હાજર એક અજાણ્યા શખ્સે તમાચો ઝીકી દીધો હતો. ગોંડલ પોલીસના સુત્રોએ જણાવ્યું કે રતનલાલે તમાચો ઝીંકનાર શખ્સને પોતે ઓળખતા નહી હોવાનું કહ્યું હતું. જેથી અજાણ્યા શખ્સ સાથે એનસી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.
બીજી તરફ ગણેશ જાહેજાએ મૃતક રાજકુમાર તેના પિતા સાથે બંગલોમાં ગેરકાયદે પ્રવેશની પોલીસને અરજી આપી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અરજીમાં જણાવ્યું જણાવ્યું છે કે બંને પિતા-પુત્ર બંગલોમાં કામ છે તેમ કહી બંગલોમાં ઘુસી બંગાલમાં હાજર માણસોએ તેમને ખુરશી આપી હતી. ત્યાર પછી બંને પિતા-પુત્ર મોબાઈલને લઈને મારવાડી ભાષામાં ઝઘડતા હતા. જેથી બંનેને બંગલોમાંથી બહાર જવાનું કહેવાતાં રતનલાલ તો તૈયાર થઈ ગયા પુત્ર મૃતક રાજકુમાર હતા.
તેનો પુત્ર બંગલોમાંથી બહાર જવા તૈયાર ન હતો. એટલું જ નહીં ખુરશી પકડીને ઊભો રહી ગયો હતો. મહામહેનતે તેને બહાર મોકલવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસ સામે આક્ષેપ થયા હોવાથી રતનલાલ જાટની એનસી અને ગણેશ જાડેજાએ આપેલી અરજીની તપાસ જેતપુરના પીઆઈને સોપવામાં આવી છે. એનસી ગઈ તા. 15ના રોજ નોંધાવાનું અને તે પહેલા ગણેશ જાડેજાએ અરજી આપ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
ગણેશ જાડેજાએ જાટ પિતા-પુત્રએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ માટે અરજી દાખલ કરવામાં આવી છે. ગોંડલ પોલીસ દ્વારા નવા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવી રહ્યા નથી. રાજકુમાર જાટનો પીએમ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં શરીર ઉપર ઈજાના નિશાન છે, ત્યારે મોત કુદરતી કે ઈજા ના કારણે થયું છે? તે અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
મૃતક રાજકુમાર જાટના પિતાએ આરોપ મૂક્યો છે કે યુવકના ઘરેથી નીકળવાના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર ન થયા, ગણેશ જાડેજાએ યુવકને પોતાના ઘરે કેમ બોલાવ્યો અને જયરાજસિંહ ના ઘરની બહાર ઝઘડો કેમ થયો જેના કારણે તેને માર મારવામાં આવ્યો આ તમામ બાબતો ઉપર હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઇ નથી.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
