News of Monday, 24th March 2025
માધવપુરના મેળા સાથે દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે : કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
દ્વારકામાં તા.૧૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત દ્વારકા શહેરમાં શોભાયાત્રા,ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે

દેવભૂમિ દ્વારકા તા.૨૪ :
ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા.૦૬ એપ્રિલથી તા.૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને જાન લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમના અનુસંધાને જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ કહ્યું હતું કે, તા.૦૬ એપ્રિલથી તા.૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી માધવપુર ઘેડ ખાતે મેળો યોજાનાર છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી સાથે વિવાહ કરીને જાન લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃઉજાગર કરવા દ્વારકામાં તા.૧૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત દ્વારકા શહેરમાં શોભાયાત્રા,ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
કલેકટરશ્રીએ આ કાર્યક્રમ માટે પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, સ્વચ્છતા, આરોગ્ય સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ.જોશી, પ્રાંત અધિકારી એ.એસ.આવતે, પ્રાંત અધિકારી કે.કે.કરમટા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
