<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

કચ્છમાં ઉનાળાની શરૃઆતમાં પાણીનો કકળાટ જોવા મળ્યો

સ્થાનિકોને ટેન્કરના સહારે મળી રહ્યું છે પાણીઃભુજ શહેરમાં આજે પણ ટેન્કર રાજ જોવા મળે છે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે

કચ્છ,તા.૨૪: ગુજરાત સરકાર ટેક્નર મુક્ત ગુજરાતની વાતો કરે છે પરંતુ કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં આજે પણ ટેક્નર રાજ જોવા મળે છે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે ઉનાળાની શરૃઆત સાથેજ ભુજમાં પાણીની સમસ્યા સર્જાય છે શહેરના અનેક વિસ્તારમાં લોકોને ત્રણ-ચાર દિવસે પાણી મળી રહયું છે,શહેરમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવામાં આવી રહ્યા છે,પાલિકા હસ્તકના પાંચ ટેન્કર મારફતે દરરોજ ૬૦ જેટલા પાણીના ટેન્કરના ફેરા કરવામાં આવી રહ્યા છે.ઉનાળા લઈને પાલિકા દ્વારા આગોતરું આયોજન કરીને પાણીની સમસ્યા પહોચી વળવા માટે પાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ઉનાળાના પ્રારંભ સાથેજ ભુજમાં પાણીની સમસ્યા વિકટ બની છે, હાલમાં પાલિકા દ્વારા પાંચ પાણીના ટેક્નર દોડાવવામાં આવી રહ્યા છે,જે વિસ્તારમાં પાણી સમસ્યા હોય તેવા વિસ્તારમાં ૨૦૦ રૃપિયા વસૂલી પાલિકા ટેક્નર મારફતે પાણી પહોંચાડી રહી છે ભુજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા આધારિત છે.જેના કારણે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા યથાવત રહી છે,હાલ ઉનાળાના પ્રારંભે જ શહેરમાં ટેક્નર રાજ જોવા મળી રહ્યું છે,આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

 

(9:25 PM IST)