News of Tuesday, 25th March 2025
“જ્યાં નિમણૂંક ત્યાં નિવૃત્તિ” કચ્છમાં જિલ્લા ફેર બદલીથી શિક્ષકોની ઘટને ઘટાડવા સરકારનો નિર્ણય
સાંસદ, ધારાસભ્યો, ભાજપ સંગઠને માન્યો ભૂપેન્દ્ર દાદાનો આભાર, શિક્ષણ મંત્રીશ્રીઓ કુબેરભાઈ ડિંડોર તેમજ પ્રફુલ્લભાઇ પાનસેરિયાને પણ કહ્યું થેંક્યુ, હવે માધ્યમિક શિક્ષકો માટે પણ આ જ પ્રકારે નિર્ણય કરી ભરતી કરવા રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : સરહદી, અંતરિયાળ જીલ્લા કચ્છને દાયકાઓથી સતાવતી પ્રાથમિક શિક્ષકોની ઘટની સમસ્યાનો કાયમી ઉકેલ લઈ આવવા માટે તાજેતરમાં જ કચ્છી જીલ્લા ભાજપ પરિવાર દ્વારા સંગઠિત થઈને આ અંગે સુયોગ્ય નિરાકરણ લઈ આવવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સામૂહિક રજુઆત કરતાં મુખ્યમંત્રીશ્રીએ આ વિષય પરત્વે અત્યંત ગંભીરતા દાખવીને કચ્છના શિક્ષણ ક્ષેત્રના આ સરદર્દને હવે કાયમી ધોરણે જાકારો આપવા માટે ત્વરિત સમાધાનના ભાગરૂપે રૂટિન ભરતી ઉપરાંત 4100 શિક્ષકોની યુદ્ધના ધોરણે "જ્યાં નિમણુંક ત્યાં નિવૃતિ" ની શરતે નવી ભરતી કરીને સ્થાનિકોને અગ્રતા આપવા આદેશ કર્યો હતો જેને કચ્છના ઇતિહાસમાં શૈક્ષણીક જગતનું એક અભૂતપૂર્વ, ઐતિહાસિક કદમ ઘણી શકાય.
કચ્છ જીલ્લા ભાજપ પરિવારની મુખ્યમંત્રીશ્રી સમક્ષ સામુહિક રજુઆતના પ્રતિસાદરૂપે તેમના આવા અત્યંત ત્વરિત, તત્કાલ અને તત્ક્ષણ તેમજ કચ્છ જનહિતકારી ફેંસલા બદલ આજરોજ પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ જીલ્લા ભાજપના સર્વે શીર્ષસ્થ આગેવાનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પ્રત્યક્ષ મળીને તેમના આવા અદભૂત, અદકેરા, અદ્વિતીય નિર્ણય બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો તેમજ સાથોસાથ સમગ્ર કચ્છવાસીઓ તરફથી પણ મુખ્યમંત્રીશ્રીનો જાહેર ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ વેળાએ વિશેષ ઉપસ્થિત એવા શિક્ષણ મંત્રીશ્રીઓ કુબેરભાઈ ડિંડોર તેમજ પ્રફુલ્લભાઇ પાનસેરિયા પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રતિક્રિયા આપતા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કચ્છ જીલ્લામાં પ્રાથમિક શિક્ષણમાં દુરના અંતરિયાળ ગામડા ગામમાં શિક્ષકોની ઘટ ઉભી થવી એ રોજીંદો પ્રશ્ન દિવસોદિવસ ખુબ જટિલ અને પેચીદો બનતો જતો હતો જેનો ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાયમી ઉકેલ કાઢી આપતા આજરોજ કચ્છ જીલ્લા ભાજપ પરિવાર વતી જીલ્લા પંચાયત અધ્યક્ષશ્રી તેમજ સર્વે ધારાસભ્યો સહીતના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીશ્રીનો સમસ્ત કચ્છની જનતા વતી આભાર માન્યો હતો.
વધુમાં શ્રી વરચંદે જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકોની માફક આગામી સમયમાં કચ્છ જીલ્લામાં માધ્યમિક શિક્ષણમાં પણ શિક્ષકો માટે આવી જ માર્ગદર્શિકાના આધારે ભરતી બહાર પાડવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે જેનો પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા ખૂબ જલ્દીથી હકારાત્મક ઉકેલ લઈ આવવા ખાતરી આપવામાં આવી છે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી દ્વારા કચ્છના દૂર દૂરના ગ્રામીણ વિસ્તારોમાં વસતા વાલીઓ અને વિદ્યાર્થીઓની વેદના સાંભળીને જે વાત્સલ્યસભર નિર્ણય કરવામાં આવ્યો છે એનું આભાર દર્શન શબ્દોના માધ્યમથી વ્યક્ત થઈ શકે એમ જ નથી. કચ્છનું પ્રાથમિક શિક્ષણનું સ્તર આ નિર્ણયથી ચોક્કસપણે ઉપર જશે એવો શ્રી ચાવડાએ આ પ્રસંગે આશાવાદ દાખવ્યો હતો.
આ મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, ત્રિકમભાઇ છાંગા, અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી, કારોબારી ચેરમેન ઘેલાભાઈ ચાવડા શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઇ ગઢવી સહીત જિલ્લા પંચાયતના સૌ હોદેદારો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
