<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ભુજના યુવાનની લોહીલુહાણ લાશે સર્જ્યું રહસ્ય: ઈન્સ્ટા રીલ બાદ ૫૫ પાનાના પત્રમાં ૪૨ જણા ઉપર આરોપથી ચકચાર

માનસિક બિમાર અને એકલા રહેતા અંશુલે મોત પહેલાં પિતા સાથે ઝઘડો કરી તેમને ધોકો ફટકારી લોહીલુહાણ કર્યા હતા, હત્યા કે આત્મહત્યા?, આરોપમાં હોમગાર્ડ કમાન્ડન્ટ, પોલીસ કર્મીઓના નામ હોવાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ :  ભુજ મુન્દ્રા વચ્ચે આવેલ ગજોડ ડેમ પાસે ભુજના ૩૧ વર્ષીય યુવાન અંશુલ ધીરજલાલ ગોહિલની લોહીલુહાણ હાલતમાં મળી આવેલ લાશ બાદ આ યુવાનના મોત પહેલાના ઇન્સ્ટા રીલ તેમ જ ૫૫ પાના ના પત્રએ ભારે ચકચાર સાથે મોત બાબતે રહસ્ય સર્જ્યું છે. હાલે મૃતકના પિતા ધીરજલાલ ગોહિલે પોલીસ ફરિયાદ લખાવી છે. મૃત્યુ પામનાર ૩૧ વર્ષીય અંશુલ પોતાના માતા પિતાથી અલગ રહેતો હતો, માનસિકરોગની દવા લેતો હતો અને અપરિણીત હતો. તે ગઈકાલે પોતાના પિતાથી ઝઘડો કરી નીકળ્યો હતો અને જતા જતા પિતાને ધોકો ફટકારી લોહીલુહાણ કર્યા હતા. જોકે, મોત પહેલા અંશુલે અંગ્રેજીમાં ઈન્સ્ટા રીલ બનાવી હતી ઉપરાંત ૫૫ પાનાનો પત્ર લખી પોતાને મા, બાપ, બહેનનો પ્રેમ ન મળ્યો હોવાનું તેમ જ જીવનના ચડાવ ઉતારમાં પોતાની સાથે ૪૨ જણા એ અત્યાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં પાડોશીઓ ઉપરાંત કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તેમ જ અમુક પોલીસ કર્મીઓના નામ છે. જોકે, મૃતક યુવાનની હત્યા છે કે આત્મહત્યા છે ? એ અંગે સઘન તપાસ સાથે પોલીસે સમગ્ર બાબતોને ધ્યાને લઈ ઊંડી તપાસ હાથ ધરી છે. અત્યારે તો મૃતક અંશુલના કેસ એ તેના મોત અંગે રહસ્ય સર્જ્યું છે.

(9:49 AM IST)