News of Wednesday, 26th March 2025
બગસરાના મોટા મુંજીયાસરમાં છાત્રોએ બ્લેડથી કાપા મારવા પાછળ ગેઇમ કારણભૂત ? : જુઓ વિડિયો
રહસ્યના તાણાવાણા સર્જતી ઘટના અંગે તપાસનો ધમધમાટ : મોબાઇલ ગેઇમ રમતા-રમતા શરીર ઉપર કાપો મારે તો રૂ.૧૦ મળતા હોવાની ચર્ચા

(દર્શન ઠાકર દ્વારા) બગસરા, તા.૨૬: તાલુકાના મોટા મુંજીયાસરની શાળામાં એક સાથે ૪૦ જેટલા બાળકોએ હાથ-પગ ઉપર બ્લેડના જાતે કાપા માર્યાની ઘટનાએ રહસ્યના તાણાવાણા સર્જાયા છે. મોબાઇલ ગેઇમ રમતા-રમતા શરીર ઉપર કાપો મારે તો રૂ.૧૦ મળતા હોવાને ચર્ચા વચ્ચે પોલીસે તપાસ હાથ ધરી છે.
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને બ્લેડ વડે કાપા મારી ઇજા પહોંચાડવામાં આવેલ છે આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે.
મોટા મુંજીયાસર પ્રાથમિક શાળા માં એક વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભરાટ થઈ ગયો છે. ત્રણેક દિવસ પહેલા શાળાના ૪૦ થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા જ્યાં પણ પ્રશ્નનો નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા ઈચ્છા વ્યક્ત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સીસીટીવી કેમેરા ની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે. સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણી ના જણાવ્યા અનુસાર શાળામાં આ વિચિત્ર ઘટના બનવા પાછળનો કારણ જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે તેથી તાત્કાલિક ધોરણે બધી જ બાબતો બહાર આવે તે જરૂરી છે. શિક્ષણ માટે ખૂબ જ પ્રશંસનીય ગણાતી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ આ ઘટનાથી વાલીઓમાં ચિંતા દેખાઈ રહી છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
