News of Wednesday, 26th March 2025
મોરબીના ઇરફાન પરમારનું બાઇકમાં અપહરણ કરી ધોકાવાળીઃ બંને પગ ભાંગી નાંખવામાં આવ્યા
કાકાના દિકરાએ અગાઉ મારામારી કરી હોઇ તેનો ખાર રાખી હુમલો કરાયો લાલીયો, અકરમ, જુનેદ, વિશાલ સહિતનાએ ફટકાર્યાનો આરોપઃ યુવાનને રાજકોટ સારવારમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૬: મોરબીમાં રહેતાં યુવાનને સાંજે ઘર પાસે હતો ત્યારે બાજુના વિસ્તારમાં રહેતાં શખ્સોએ આવી મારકુટ કરી બાઇકમાં બેસાડી અપહરણ કરી પંચાસર રોડ પર લઇ જઇ ધોકાથી બેફામ ફટકારી પગ ભાંગી નાંખતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
મોરબી જનક સોસાયટીમાં રહેતો ઇરફાન મહમદભાઇ પરમાર (ઉ.વ.૨૨) સાંજે ઘર પાસે હતો ત્યારે નજીકના વિસ્તારમાં રહેતો અકરમ, જુનેદ, લાલીયો, વિશાલ સહિતના આવ્યા હતાં અને માર મારી બાઇકમાં અપહરણ કરી પંચાસર રોડ પર લઇ જઇ ધોકાવાળી કરતાં દેકારો મચી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં બધા ભાગી ગયા હતાં. ઇરફાનને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ મોરબી એ-ડિવીઝનને જાણ કરી હતી. ઇરફાન તેના કાકાની બુટ ચપ્પલની દૂકાનમાં બેસી વેપાર કરે છે. તેના કાકાના દિકરા શાહરૂખને અગાઉ સામેના લોકો સાથે માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી તેના પર હુમલો કરી અપહરણ કરી ઉઠાવી પગ ભાંગી નંખાયાનું જણાવાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
