News of Wednesday, 26th March 2025
થાનગઢનાં કાલા સોનાનાં સામ્રાજ્ય ઉપર સિંઘમ સ્ટાઇલે પ્રાંત ત્રાટકયાઃ ૨૪૦ થી વધુ ખાડા, ચરખા, ટ્રેકટર સહિત
કરોડોનો મુદ્દામાલ જપ્તઃ લેન્ડ ગ્રેબિંગ સહિત કાર્યવાહી થશે!

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા. ર૬: ચોટીલાનાં પ્રાત અધિકારી એચ. ટી. મકવાણાએ મંગળવારની સવારે ગેર કાયદેસર ખનીજ ખનન ઉપર રોક લગાવવા સિંઘમ સ્ટાઇલે દરોડો પાડી કરોડો રૂપિયાની ખનીજ ચોરી, ૨૪૫ થી વધુ મોતના સામાન એવા કુવા રૂપી ખાડાઓ, ચરખીઓ, કાર્બોસેલ (કોલસા) નો જથ્થો ડીઝલ મશીન, પંમ્પિંગ મોટરો , પમ્પિંગ મોટર, જનરેટર, બેટરી, ટ્રેકટર, ટ્રોલી સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડી ખનીજ માફિયાઓ અને સંકળાયેલા જિલ્લાભરનાં મહેરકર્તાઓમાં દોડધામ સાથે ફફડાટ મચાવી દીધો છે.
પ્રાંત અધિકારીએ સોમવારે રાત્રે તેઓના સ્ટાફને વહેલી સવારે ચોટીલાનાં ઢોકળવા વિસ્તારમાં ચાલતી પથ્થરનાં બેલા ની ખાણોની પ્રવળતિ ઉપર દરોડા પાડવા જવાનું જણાવી બોલાવેલ હતા અને મંગળવારની પરોઢે તમામને લઇને થાનગઢનાં જામવાળી અને રૂપાવટી નજીકનાં ભડુલા વિસ્તારમાં ત્રાટકયાં હતા. ઝાલાવાડની ધમધમતી ગેર કાયદેસર ખનીજ ખનન ઉપર ઐતિહાસિક કહી શકાય તેવો ધમધમતી પ્રવળતિ ઝડપી પાડી છે.
દરોડા સમયે મોટાભાગના કામ કરતા મજુરો ભાગી છૂટયા હતા તેમ છતા છ જેટલા મજુરો ને રેસ્કયું કરીને બહાર કાઢવામાં આવેલ હતા. મોતનાં ખાડાઓમાં આ વિસ્તારમાં દશ હજાર જેટલા ટીકડા થી ઓળખાતા એમ. પી. રાજસ્થાન, અને બોડર ઉપરનાં ગરીબ આદિવાસીઓ મજુર તરીકે જંગલ જેવા ખાણોનાં વિસ્તારમાં તંબુઓ બાંધી વસવાટ કરતા હોય છે જેઓને વિસ્તાર છોડી જવા તાકીદ કરાઇ છે.
આ દરોડાની કાર્યવાહીમાં ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાનાં મામલતદાર, નાયબ મામલતદારો, રેવન્યુ તલાટી સહિતનાને દરોડાની કામગીરીમાં બોલાવી લીધા હતા તેમજ કુવા સમાન ખાણોનાં ખાડા અને મુદ્દામાલ ની ગણતરી માટે થાન ચોટીલા પંચાયત વિભાગનાં તલાટીઓ સહિત ૧૦૦ જેટલા લોકોની આઠ જેટલી ટીમો બનાવી ૧૭ કલાક સુધી સતત કામ કામગીરી કરી હતી.
તંત્ર નાં દરોડા દરમિયાન નાસભાગ મચેલ હતી અનેક લોકો ટ્રેકટર લઇને નાસી છૂટયા હતા પરંતું પુરી રેકી અને તૈયારી સાથે પાડેલ દરોડામાં ૨૪૭ ગેરકાયદે કૂવા, ૧૫૦ થી વધુ ચરખાઓ, ૯૮ પમ્પિંગ મોટર, ૮૦ બકેટ, ૪૦ ડિઝલ મશીન, ૧ ટ્રોલી, ૭ ટ્રેકટર, ૫ બેટરી, ૫ બોકસ ખાણોમાં ભડાકા કરવાનાં ડીટોનેટર, ૨ જનરેટર, તેમજ ૩૨૨૬ ટન જેટલો કાર્બોસેલ સહિતનો આશરે સાત કરોડ જેટલી રકમનો મુદ્દામાલ પકડી પાડી ઝાલાવાડની ખનીજ દરોડાની દુનિયામાં ઇતિહાસ સર્જ્યો છે.
તંત્ર નાં હાથે ઝડપાયેલા ગેર કાયદેસર ખાણોનાં ખાડા સમાન કુવાઓ સહિતનાં કરોડો રૂપિયા ની સરકારની તિજોરીને નુકશાન પહોચાડી પ્રવળતિ અને પકડાયેલા મુદ્દામાલ અને ખનીજ ચોરી અંગે કોની સામે કાર્યવાહી કરાશે તે તરફ સૌની મીટ છે.
ખનીજ ખનનની ગેર કાયદેસર પ્રવળતિ કરનારા અંગે ઉંડી તપાસ હાથ ધરી તેઓના નામ બહાર લાવવામાં આવશે તેમજ સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિગ, પાસા, તડીપાર, મિલ્કત જપ્તી, વિજ કનેક્શન કાપવા સહિતની સખ્ત કાર્યવાહી કરવાની શકયતાઓ છે.(૬.૧૪)
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
