News of Wednesday, 26th March 2025
જેતપુરના કારખાનેદારને બળાત્કારના ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપી પ૦ હજાર પડાવ્યા
સીસીટીવી કુટેજમાં તુ આવી ગયો છે તે કહી મહિલા સહિત પ શખ્સોએ બળજરીથી રૂપિયા પડાવ્યા

રાજકોટ, તા. ર૬: જેતપુરના કારખાનેદારને બળાત્કારના ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપી પ૦ હજાર પડાવનાર મહિલા સહિત પ શખ્સો સામે જેતપુર સીટી પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર નવાગઢ ખાતે સાડી પ્રીન્ટીંગનું કારખાનું ધરાવતા અને નવાગઢ શ્રીજી મંદિર પાસે રહેતા અંકીતભાઇ જીતેન્દ્રભાઇ રાદડીયાએ આરોપી ભાવીન આંબલીયા રે. શ્રીજી સ્કુલ પાસે અમરનગર રોડ જેતપુર, ઉદય પંડયા, કિશન રાદડીયા અંકુર ટ્રેડીંગના માલીક માર્કેટીંગ યાર્ડ જેતપુર, રેશ્માબેન ધવલભાઇ વેકરીયા રે. સરદાર ચોક જેતપુર તથા ધવલ વેકરીયા રે. સરદાર ચોક જેતપુર સામે જેતપુર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત આરોપીઓએ પુર્વઆયોજીત ગુનાહિત ફોન કરી કહેલ કે, જેતપુરની તીર્થ હોટેલમાં એક યુવતીને લઇ ગયેલ હતો અને તે યુવતી તારા ઉપર બળાત્કારની ફરીયાદ કરવા માંગે છે ત્યારબાદ ઉકત આરોપીઓએ મિલીપણુ કરી કહેલ કે, તુ હોટેલના સીસીટીવી કેમેરામાં દેખાઇ છે. ત્યાર પછી ફરીયાદીએ આ મેટર પતાવવાનું કહેતા આરોપી લાવીને રોકડા પ૦,૦૦૦ તથા સાડી સાત ગ્રામ સોનાનું બ્રેસલેટ યુવતીને આપવાનું કહેતા ફરીયાદી તથા તેના કાકા યાર્ડ પાસે અંકુર ટ્રેડીંગ ખાતે ગયા હતા જયાં હાજર ભાવીન અને મહિલા સહિતના અન્ય આરોપીઓએ ફરીયાદી પાસેથી પ૦ હજાર લઇ લીધા હતા અને કહેલ કે તમારી મેટર પુરી તમે હવે છુટા અહીથી નીકળો. ફરીયાદીએ હોટેલના સીસીટીવી કુટેજ બતાવવાનું કહેતા આરોપીઓએ કોઇ કુટેજ બતાવેલ નહી અને રૂપિયા પડાવી લીધા હતા.
આ ફરીયાદ અન્વયે જેતપુર પોલીસે મહિલા સહિત ઉકત પાંચેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
