News of Wednesday, 26th March 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ૧૫૦થી વધુ ખાણો પર દરોડા
એકસાથે ૧૫૦થી વધુ ગેરકાયદે ખાણો પર દરોડાઃચોટીલાના ડેપ્યુટી કલેક્ટરની ઐતિહાસિક કાર્યવાહીથી ખાણ માફિયાઓ ધ્રુજ્યા

સુરેન્દ્રનગર,તા.૨૬: સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં અનેક સ્થળે ગેરકાયદે કોલસા ખાણો ચાલે છે અને અત્યારસુધી તેની સામે આંખ મીંચામણાં થતા હતા. પરંતુ ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે એકસાથે ૧૫૦થી વધુ ગેરકાયદે ખાણો પર દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે. આ સાથે ખાણમાફિયાઓને મોટો ઝટકો આપ્યો છે.
ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ સિંઘમ સ્ટાઇલથી ખાણ માફીયાઓ સામે એક્શન શરૃ કર્યા છે. તેમની ટીમ દ્વારા જામવાળી અને ભડુલો વિસ્તારમાં દરોડા અને ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાં અધિકારીઓએ કોલસો કાઢવા માટે ખોદવામાં આવેલા
૧૫૦થી વધુ ખાડાઓ શોધી કાઢ્યા હતા. દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખનન માટે વપરાતાં ટ્રેક્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યાં છે. આ સાધનોનો ઉપયોગ ગેરકાયદે ખનન માટે કરવામાં આવતો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલી કેટલીક ખાણોમાં રાજકીય આગેવાનોની સંડોવણી હોવાની શક્યતા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહીથી વર્ષોથી ચાલી રહેલા કોલસાના કાળા કારોબાર પર મોટો ફટકો પડ્યો છે. ખનીજમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી ગુજરાતની ખાણ તપાસના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમની આ કામગીરીને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
