તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
વ્યાજખોરો બેખોફઃ મોરબીના લખધીરપુર ગામે વ્યાજખોરોએ શિક્ષકનું અપહરણ કરી ઢોર માર માર્યો
શિક્ષકે ધંધા માટે ૪૦ લાખ વ્યાજે લઇ પ૯ લાખ ચુકવ્યા હતા પઠાણી ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨૯: મોરબીના લખધીરપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાજપર ગામના વતની શિક્ષકનું બે વ્યાજખોરો અને એક સાગરીત મળી ત્રણ શખ્સોએ પઠાણી ઉઘરાણી માટે શિક્ષકનું સ્વીફટ કારમાં અપહરણ કરી ઢોર માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોવાનું જાણવા મળે છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા અને લખધીરપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હરેશભાઈ ગોરધનભાઈ વડગાસીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વ્યાજખોર રવિ સવજીભાઈ મારવાણીયા, કેલ્વિન પટેલ અને વિશાલ વિનોદભાઈ પારેજીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, હરેશભાઈએ આરોપી રવિ અને વિશાલ પાસેથી અગાઉ ૨૦ - ૨૦ લાખ રૂપિયા ૩૦ ટકા વ્યાજે લઈ ૪૦ લાખના ૫૯ લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા હતા. જો કે, શિક્ષકે ધંધાના કામ માટે વ્યાજે લીધેલ નાના બમણાથી વધુ ચૂકવી આપવા છતાં આરોપી વિશાલનો સાઢું ભાઈ કેલ્વિન પટેલ અવાર - નવાર પૈસાની ઉઘરાણી કરી મોબાઈલમાં ધાકધમકી આપતો હતો અને ગત તા.૨૭ના રોજ બપોરે ફરિયાદી લખધીરપુર પ્રાથમિક શાળા ખાતે ફરજ ઉપર હતા ત્યારે ત્રણેય આરોપીઓ સ્વીફટ કારમાં શાળાએ ધસી જઈ હરેશભાઈનું કારમાં અપહરણ કરી ઢોર માર મારી વધુ પૈસા નહિ આપે તો જાનથી મારી નાખવા ધમકી આપી હતી. સમગ્ર મામલે હાલમાં મોરબી તાલુકા પોલીસે ત્રણેય વ્યાજખોરો વિરુદ્ધ મની લોન્ડરિંગ એકટ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. અપહ૨ણની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોવાનું જાણવા મળે છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
