News of Saturday, 29th March 2025
વિસાવદર વિધાનસભાની પેટા ચૂટણીમાં ભાજપમાં મજબૂત મહિલા ઉમેદવાર તરીકે જશુબેન સવજીભાઈ કોરાટનુ જોરશોરથી ગાજતુ નામ
આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉતારતા ભાજપમાં કિરીટ પટેલ, હર્ષદ રીબડીયા, ભૂપત ભાયાણીના વિકલ્પે અન્ય નામો પણ ઉમેરાયાઃ જબરૂ રાજકીય સસ્પેન્સઃ અવનવા તર્કવિતર્ક

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.,૨૯ : વિસાવદર-ભેસાણ વિધાનસભાની સંભવિત પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉતારતા ગુંચવાડાભરી રાજકીય સ્થિતિ સર્જાઈ છે. ભાજપની ટીકીટના મજબૂત દાવેદારો ગણાતા કિરીટભાઈ પટેલ, હર્ષદભાઈ રીબડીયા, ભૂપતભાઈ ભાયાણીના વિકલ્પે અન્ય નામોની પણ વ્યાપક ચર્ચા છે. જેમાં છેલ્લા બે-ચાર દિવસોમાં એવી વાત વહેતી થયેલ કે, વિસાવદરની બેઠક પર ભાજપ મજબૂત મહિલા ઉમેદવારની શોધખોળમાં છે. જેમાં ગત રાત્રિથી રાજકીય વર્તુળોમાં મજબૂત મહિલા ઉમેદવાર તરીકે જશુબેન સવજીભાઈ કોરાટનુ નામ ઉભરી આવ્યુ છે.
જશુબેનનો જન્મ વિસાવદર વિધાનસભા મતક્ષેત્રના વડાલ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો.તેમણે રાજકારણમાં ૧૯૯૯માં તેમના પતિ સવજીભાઈ કોરાટના અચાનક મળત્યુ પછી પ્રવેશ કર્યો અને જેતપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા. ૨૦૦૧માં તેમને મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૦૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં, તેમને જેતપુર મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. ૨૦૦૫માં તેમને ફરીથી મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૦૭ની ચૂંટણીમાં, તેઓ જેતપુર મતવિસ્તારમાંથી ૧૨મી વિધાનસભામાં ફરીથી ચૂંટાયા હતા. તેઓ ૨૦૦૮ સુધી મંત્રી તરીકે સેવા આપતા રહ્યા. હાલ તેઓશ્રીના પુત્ર પ્રશાંત કોરાટ ભાજપના પ્રદેશ અગ્રણી છે.
કેશુભાઈ સરકાર વખતે મંત્રી મંડળના કદાવર પ્રધાન સવજીભાઈ કોરાટનો વિસાવદર-ભેસાણ સાથે ખૂબ જ નિકટનો નાતો રહ્યો હતો. આમ જશુબેનનુ પિયર વડાલ છે. જેથી વિસાવદર વિધાનસભા મતક્ષેત્રના ખેડૂત પુત્રી છે અને હંમેશા વિસાવદર સાથે જોડાયેલ સવજીભાઈ કોરાટના ધર્મપત્નિના નાતે હાલના રાજકીય સંજોગો જોતા વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રની પેટા ચૂંટણીમાં મજબૂત મહિલા ઉમેદવાર તરીકે જશુબેન સવજીભાઈ કોરાટનુ નામ જોરશોરથી ગાજી રહ્યુ છે.
જશુમતીબેન સવજીભાઈ કોરાટ ઉર્ફે જશુમતીબેન કોરાટનો જન્મ ૨૭ જુલાઈ ૧૯૫૯માં જૂનાગઢ તાલુકાના વડાલ ગામે થયો હતો. તેઓ ૧૯૯૯થી ૨૦૧૨ સુધી જેતપુર વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી હતા. તેઓશ્રી કેશુભાઈ પટેલ સરકારના કદાવર મંત્રી સ્વર્ગસ્થ સવજીભાઈ કોરાટના ધર્મપત્નિ છે. તેમને સંતાનોમાં ડો.બિંદેશ્વરી કોરાટ, પ્રશાંત કોરાટ, ડો.હિરેન કોરાટ છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
