તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ધોરાજીના ઉમરકોટ ગામમાં જંગલખાતાને અપાયેલ ૨૪ કરોડની ૨૦૦ વિઘા જમીન પર થયેલા દબાણો પર બૂલડોઝર ફેરવાયું
દબાણકારોએ વર્ષોથી કબ્જો જમાવી લીધો હતોઃ કલેકટરની સૂચના બાદ પ્રાંત દ્વારા કાર્યવાહી.. : ૧૯માંથી ૩ દબાણકારો સામે અનેક ગુનાઃ ૮ જેસીબી ૧૫ ટ્રેકટર સાથે ૧૧૦ના મહોસૂલ-પોલીસના સ્ટાફ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા.૨૯: જિલ્લા કલેક્ટર આદેશ અને ધોરાજી પ્રાંત અધિકારી નાગાજણ તરખાલાની આગેવાનીમાં આજે ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ હાથ ધરી આશરે ૨૦૦ વિઘા જમીન પરથી ૨૩.૫૦ કરોડ રૂપિયાની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારીથી શ્રી તરખાલાએ જણાવ્યું હતું, કે વર્ષ ૨૦૧૦ની સાલમાં ભાદરના જળાશયમાં જંગલ ખાતાની ડૂબમાં ગયેલી જગ્યા અન્વયે આશરે ૩૩ હેકટરથી વધુ જમીન ઉમરકોટ ગામના સર્વે નંબર ૧૦ પૈકી ૧ અને ૭૫ પૈકી ૨ની જમીન જંગલ ખાતાને ફાળવવામાં આવી હતી. જો કે આ પૈકીની આશરે ૩૧ હેક્ટરથી વધુ જગ્યાઓમાં છેલ્લા ૧૫ વર્ષથી દબાણદારોએ ગેરકાયદે દબાણો કરી દેવામાં આવ્યા હતા.
ઉમરકોટ ગામની મુલાકાત દરમિયાન આ દબાણ ધ્યાને આવતા દબાણ દૂર કરવાની કાર્ય પધ્ધતિ મુજબ કલમ-૬૧ નીચે કેસો ચલાવી અને કલમ-૨૦૨ નીચે આખરી નોટીસો આપવામાં આવી હતી. છતાં દબાણ દૂર ના કરાતા, આજરોજ ડિમોલીશન હાથ ધરીને ૧૯ દબાણદારોએ કરેલા આશરે ૨૦૦ વિઘા જેટલી જમીન પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે ૨૩.૫૦ કરોડ રૂપિયાથી વધુ થાય છે. આ કામગીરીમાં આઠ જેસીબી, ૧૫ ટ્રેકટર અને અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ જમીન ખુલ્લી કરાવીને દબાણ રહિત કબજો આજરોજ જંગલ ખાતાને સોંપી દેવામાં આવ્યો છે. દરમિયાન તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, આ ૧૯ દબાણદારો પૈકી ત્રણ શખ્સો વિરૂધ્ધ રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.
આ દબાણ દૂર કરવા મામલદાર આર.કે.પંચાલ, ચીફ ઓફિસરશ્રી જયમલ મોઢવાડીયા,નાયબ કાર્યપાલક ઇજનેર ખોરસીયા, પોલીસ ઇન્સ્પેકટર ગોહિલ અને તેઓની ટીમ, ડી.આઈ.એલ.આર.કચેરીની ટીમ, પીજીવીસીએલ તરફથી નાયબ કાર્યપાલક ઇજનેર સોલંકી અને તેની ટીમ ઉપરાંત આશરે ૫૦થી વધુ કર્મચારીઓ, ૬૦થી વધુ પોલીસ સ્ટાફ સાથે કુલ ૧૧૦ લોકોની ટીમ સમગ્ર કામગીરીમાં જોડાઈ હતી.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
