<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

કચ્‍છના બિદડા ગામે દીકરીના પ્રેમ લગ્નના ખારમાં હત્‍યાઃ માતા, દાદી સહિત ત્રણ મહિલાઓએ વૃદ્ધ વેવાઈને ધોકાવાળી કરી પતાવી દીધા

પોલીસની ભૂમિકા સામે આક્ષેપ, સીસીટીવીના દ્રશ્‍યો વાયરલ, ધોકાવાળી બાદ પણ પોલીસે હળવી કલમો લગાડી, રક્ષણની માંગ સાથે દીકરીની આત્‍મવિલોપનની ચીમકી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩૧: તાણ, હતાશા અને ગુસ્‍સો વર્તમાન સમયમાં વધી રહેલ અપરાધના બનાવોમાં સહનશીલતાનો અભાવ અને ગુસ્‍સાનો પ્રભાવ વ્‍યાપ્ત બન્‍યો છે. કચ્‍છના બિદડા ગામે દીકરીના પ્રેમ લગ્નના ખારમાં મહિલાઓ દ્વારા જાહેરમાં વૃદ્ધને ઢોર માર મારવાના સીસી ટીવી ફૂટેજ વાયરલ થયા બાદ આ બનાવમાં ઇજાગ્રસ્‍ત વૃદ્ધનું મોત નીપજ્‍યું હતું.

ચકચારી આ બનાવમાં પ્રેમ લગ્ન હોવાનું બહાર આવ્‍યું છે સાથે સાથે ફરિયાદી પરિવારે પોલીસની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્‍યા છે. ૭૬ વર્ષીય લાધાભાઈ ખીમજી સંઘાર પોતાની કેબિને બેઠા હતા ત્‍યારે રાજબાઈ વિરમ સાકરિયા, જાનબાઈ બુધિયા અને સોનબાઈ એ ત્રણ મહિલાઓએ ધોકા વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી સાથે માર માર્યો હતો. આ બનાવમાં મદદગારી બદલ વિશાલ રમેશ સંઘાર ઉપર પણ ફરિયાદ કરાઈ છે. દીકરી હેતવીએ મળતક વૃદ્ધના પુત્ર રાજેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હોઈ તેના ખાર રાખી આ જીવલેણ હુમલો કરાયો હતો. દરમ્‍યાન હેતવીએ પોતાના મિત્રો દ્વારા સાસરિયા પરિવાર અને પોતાને મોતનું જોખમ હોવાનું જણાવી પોલીસ રક્ષણની માંગ કરી છે જો રક્ષણ નહીં અપાય તો એસપી કચેરી સામે આત્‍મવિલોપન કરવાની ચીમકી ઉચ્‍ચારી છે.

૭૬ વર્ષીય વૃદ્ધ ઉપર ધોકાવાળી જાહેરમાં કરાયા બાદ પોલીસે હળવી કલમો લગાડતા આરોપીઓને તરત જ જામીન મળી ગયા હોવાનો આક્ષેપ ફરિયાદ પક્ષે કર્યો છે. નજીકમાં જ પોલીસ ચોકી હોવા છતાંયે જીવલેણ હુમલો અને હત્‍યાનો આ બનાવ ચર્ચામાં આવતા પોલીસ દોડતી થઈ હતી અને ફરી આરોપીઓની ધરપકડ કરી હતી.(૬.૩)

(10:21 AM IST)