<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

વિસાવદર વિધાનસભાનો અનોખો ઈતિહાસઃ સૌપ્રથમ ધારાસભ્ય તરીકે મુસ્લિમ મહિલા ઉમેદવાર મદીનાબેન નાગોરી ચૂંટાયેલા..!!

ગાંધીવાદી વિચારોથી રંગાયેલા અકબરભાઈ નાગોરી અને તેમના ધર્મપત્નિ મદીનાબેન નાગોરી શાપુર (સોરઠ) ખાતે 'સર્વોદય આશ્રમ'માં રતુભાઈ અદાણીના નેતૃત્વ તળે લોકજાગૃતિ-શિક્ષણ-અંધશ્રધ્ધા, કુરિવાજો દૂર કરવા સહિતની પ્રવૃતિમાં ઓતપ્રોત હતા પ્રથમ ગુજરાત વિધાનસભાની ૧૯૬૨ની ચૂંટણીમાં કોંગ્રેસે દિલ્હીથી વિસાવદર બેઠકની ટીકીટ મદીનાબેનને આપી અને સ્વતંત્ર પક્ષના ધુરંધર નેતા ધરમશીભાઈ પટેલના ધર્મપત્નિ શારદાબેન સામે મદીનાબેન જીતી ગયેલાઃ વિસાવદરની બેઠક પર ચૂંટાયેલ ધારાસભ્યો મુખ્યમંત્રી-કૃષિમંત્રી-સંસદીય સચિવ બન્યાઃ ધુરંધરોને હરાવ્યાઃ લગભગ દરેક પક્ષના ઉમેદવારોને મતદારોએ સમાન તક આપીઃ અચરજ પમાડે તેવી જાણી-અજાણી રસપ્રદ વિગતો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૩૧: સમગ્ર રાજ્યમાં રાજકીય દ્રષ્ટીએ હંમેશા ધ્યાનાકર્ષક વિસાવદર વિધાનસભા બેઠકનો અનોખો ઈતિહાસ છે. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને વિધાનસભાની ૧૯૬૨માં ચૂંટણી થઈ તો સૌપ્રથમ ધારાસભ્ય તરીકે મુસ્લિમ મહિલા ઉમેદવાર મદીનાબેન નાગોરી ચૂંટાયેલા હતા..!!

ગાંધીવાદી વિચારોથી રંગાયેલા અકબરભાઈ નાગોરી અને તેમના ધર્મપત્નિ મદીનાબેન નાગોરી શાપુર(સોરઠ) ખાતે 'સર્વોદય આશ્રમ'માં રતુભાઈ અદાણીના નેતૃત્વ તળે લોકજાગૃતિ-શિક્ષણ-અંધશ્રધ્ધા, કુરિવાજો દૂર કરવા સહિતની પ્રવૃતિમાં ઓતપ્રોત હતા ત્યારે પ્રથમવાર ગુજરાત વિધાનસભાની ૧૯૬૨ની ચૂંટણીમાં કોંગ્રેસે દિલ્હીથી વિસાવદર બેઠકની ટીકીટ મદીનાબેનને આપી અને સ્વતંત્ર પક્ષના ધુરંધર નેતા ધરમશીભાઈ પટેલના ધર્મપત્નિ શારદાબેન સામે મદીનાબેન જીતી ગયા હતા. વિસાવદરની બેઠક પર ચૂંટાયેલ ધારાસભ્યો મુખ્યમંત્રી-કૃષિમંત્રી-સંસદીય સચિવ બન્યા છે. લગભગ દરેક પક્ષના ઉમેદવારોને આ બેઠકના મતદારોએ સમાન તક આપી છે. આ બેઠકને સ્પર્શતી અચરજ પમાડે તેવી જાણી-અજાણી રસપ્રદ વિગતો અત્રે પ્રસ્તુત છે.

હાલ શાપુર (સોરઠ) સ્થિત 'સર્વોદય આશ્રમ ટ્રસ્ટ'નાં ૯૮ વર્ષની વયના જૈફ સંચાલક ગોવિંદભાઈ પટેલનો સંપર્ક સાધતા તેમણે વિસાવદરના પ્રથમ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મદીનાબેન વિશે પ્રકાશ પાડતા જણાવેલ કે, પ્રખર ગાંધીવાદી રતુભાઈ અદાણીએ જે તે વખતે સર્વોદય આશ્રમની સ્થાપના કરેલ જેમાં ગાંધી વિચારોને આદર્શ માનનાર 'નાગોરી દંપતિ' પણ આ આશ્રમ સાથે જોડાયેલ. આ દંપતિમાં પતિ-અકબરભાઈ નાગોરી મુળ વાંકાનેરના અને તેમના ધર્મપત્નિ  મદીનાબેન ખંભાતના દિકરી. બન્ને પતિ-પત્નિનો સ્વભાવ-વિચારોની સામ્યતા અને સમાજ માટે કંઈક કરી છુટવાની ઉમદા ભાવનાના પરિણામે સર્વોદય આશ્રમની પ્રવૃત્તિઓને જીવનમંત્ર બનાવ્યો. લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ-અંધશ્રધ્ધા નિવારણ-કુરિવાજો,વ્યસનમુકિત સહિતના સર્વોના ઉદયના કાર્યક્રમમા આ દંપતિ સતત ઓતપ્રોત રહ્યુ. બોમ્બે રાજ્યના વિભાજન બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજયોની રચના થઈ જેથી સ્વતંત્ર બનેલા ગુજરાત રાજ્યની વિધાનસભાની ૧૯૬૨માં ચૂંટણી આવી અને વિસાવદરની બેઠક પર કોંગ્રેસ પક્ષે દિલ્હીથી વિસાવદર બેઠક પર મદીનાબેન નાગોરીને ટીકીટ આપી અને સ્વતંત્ર પક્ષના શારદાબેન ધરમશીભાઈ પટેલ સામે મદીનાબેન ચૂંટાઈ આવ્યા હતા.

મદીનાબેન તથા અકબરભાઈ નાગોરીને બે સંતાનો જેમાં અનવર નાગોરી (ડીડીઓ) અને અંજુમ નાગોરી આમ બે પુત્રો હતા. મદીનાબેન ખુદ એ સમયના મેટ્રીક પાસ હતા. અકબરભાઈ નાગોરીના મોટાભાઈ ઈસ્માઈલભાઈ નાગોરી પણ સર્વોદય અગ્રણી હતા તેમણે પણ અમરેલીના તરવડા ખાતે સર્વોદય સંસ્થા સ્થાપેલ જેમા રામભાઈ પાઠક વિગેરે પણ સાથી મિત્રો રહ્યા હતા.

વિસાવદરના પ્રથમ ધારાસભ્ય મદીનાબેન નાગોરી સંકળાયેલા તે સર્વોદય સંસ્થા આજે પણ શાપુર (સોરઠ) ખાતે કાર્યરત છે. આ સંસ્થાના ૯૮ વર્ષના જૈફ સંચાલક ગોવિંદભાઈ પટેલ તથા તેમના પુત્રી ઉર્વશીબેન પટેલ સંસ્થામાં ઉત્સાહપૂર્વક સતત કાર્યરત છે. આ સંસ્થામાં હાલ ઉતર બુનિયાદી શાળા, ખેતીવાડી, ગૌશાળા, હાઈસ્કૂલ વિગરે કાર્યરત છે.

સર્વોદય આશ્રમના ૯૮ વર્ષના જૈફ સંચાલક ગોવિંદભાઈ પટેલે ખાસ વાત એ કહેલ કે, પહેલા સામસામે ચૂંટણી લડતા પણ સામાજિક-માનવીય વ્યવહાર બિલકુલ સહજ હતા. લેશમાત્ર દ્વેષભાવ જોવા ન મળતો, સાથે બેસતા, વાત કરતા અને એકસાથે જમતા આમ ચૂંટણીને એકબાજુ પર મુકી આત્મિયભાવ સાથે સૌ જીવતા હતા.

વિસાવદરના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ મદીનાબેન નાગોરીની ૧૯૬૨ની રસપ્રદ ચૂંટણી અંગે પણ એક દ્રષ્ટીપાત કરીએ. પહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૧૯૬૨ માં યોજાઈ હતી. બોમ્બે રાજ્યના વિભાજન પછી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની રચના પછીની આ પહેલી ચૂંટણી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૫૪ સીટોમાંથી ૧૧૩ બેઠકો જીતી હતી. જ્યારે, સ્વતંત્ર પાર્ટીએ ૨૬ બેઠકો જીતી હતી અને પ્રજા સમાજવાદી પાર્ટીએ સાત બેઠકો જીતી હતી.૧૯૬૨માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપી હતી પ્રથમ ગુજરાત સરકાર ૫૦.૮૪ ટકા વોટ શેર સાથે કોંગ્રેસે જનમત મેળવ્યો હતો અને ડો. જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.

ગુજરાતમાં પ્રથમ ચૂંટણી જંગ વર્ષ ૧૯૬૨ માં યોજાયો હતો. બૃહદ મહારાષ્ટ્રથી ગુજરાત ૧લી મે ૧૯૬૦ના રોજ અલગ થયું હતું અને ૧૯૬૨માં પ્રથમ વિધાનસભા માટે ચૂંટણી યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી ૧૫૪ બેઠકો માટે યોજાઇ હતી. જેમા સરેરાશ ૬૩.૨૯ ટકા મતદાન થયુ હતુ. ગુજરાત વિધાનસભાના પ્રથમ ચૂંટણી જંગમાં ૫૧૯ ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો. જેમાં સરેરાશ ૬૩.૨૯ ટકા જેટલું મતદાન થયું હતું. રાજ્યના કુલ ૯૫,૩૪,૯૭૪ મતદારો પૈકી ૩૧,૫૪,૦૮૦ પુરૂષ અને ૨૩,૭૩,૩૪૩ મહિલા મળી કુલ ૫૫,૨૭,૪૨૩ મતદારોએ મતદાન કર્યું હતું.

ગુજરાત વિધાનસભાની આ પ્રથમ ચૂંટણીમાં ૧૧ મહિલાઓ વિજયી થયા હતા. રાજ્યની કુલ ૧૫૪ બેઠકોની ચૂંટણીમાં ૧૯ મહિલા ઉમેદવારો મેદાને હતી. જે પૈકી વિસાવદર, વઢવાણ, જામનગર, મહેસાણા, બાલાસિનોર, દાહોદ, ડભોઇ, ઝઘડિયા, મહુવા, સુરત શહેર પશ્વિમ અને વલસાડ બેઠક મળી ૧૧ મહિલા ઉમેદવારોની જીત થઇ હતી.

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા બન્યા હતા. ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી અમરેલી બેઠકે આપ્યા હતા. બૃહદ મહારાષ્ટ્રથી ૧લી મે ૧૯૬૦થી અલગ થયેલા ગુજરાતના પ્રારંભિક મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા હતા. વર્ષ ૧૯૬૨માં થયેલી ગુજરાતની પ્રથમ વિધાનસભા ચૂંટણી બાદ તેઓએ ૩ માર્ચ ૧૯૬૨ના રોજ મુખ્યમંત્રીના શપથ લીધા હતા.

આ ચૂંટણીમાં ભારતીય જન સંઘનું ખાતું જ ખુલ્યું ન હતુ. હાલની ભારતીય જનતા પાર્ટી અગાઉ ભારતીય જનસંઘ તરીકે ઓળખાતી હતી. ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ૧૯૬૨માં યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનસંઘે ૨૬ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જોકે એકેય બેઠક પર જીત મળી ન હતી. જનસંઘને સરેરાશ ૧.૩૩ ટકા વોટ શેર મળ્યો હતો. આમ ગુજરાત રાજ્યની રચના પછીની ચૂંટણીમાં વિસાવદરની બેઠક પર મુસ્લિમ મહિલા ઉમેદવાર કોંગ્રેસના મદીનાબેન નાગોરી સ્વતંત્ર પક્ષના શારદાબેન ધરમશીભાઈ પટેલ સામે વિજયી થયા હતા.

વિસાવદરની બેઠક પર ૧૯૬૨થી ૨૦૨૨ સુધીની ચૂંટણી દરમિયાન ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મહાનુભાવો પર દ્રષ્ટીપાત કરીએ તો વર્ર્ષ ૧૯૬૨માં કોંગ્રેસના મદીનાબેન અકબરભાઈ નાગોરી, વર્ષ ૧૯૬૭માં સ્વતંત્ર પક્ષના કુરજીભાઈ ભેસાણીયા, વર્ષ ૧૯૭૨માં કોંગ્રેસના રામજીભાઇ કરકર, વર્ષ ૧૯૭૫માં કિમલોપના કુરજીભાઇ ભેસાણીયા, વર્ષ ૧૯૮૦માં જેએનપીના ધીરજલાલ ફૂલાભાઈ રિબડીયા, વર્ષ ૧૯૮૫માં કોંગ્રેસના પોપટભાઇ રામાણી, વર્ષ ૧૯૯૦માં જેડીના કુરજીભાઇ ભેસાણીયા, વર્ષ ૧૯૯૫માં ભાજપના કેશુભાઇ પટેલ (પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ), વર્ષ ૧૯૯૮ માં ભાજપના કેશુભાઇ પટેલ, વર્ષ ૨૦૦૨માં ભાજપના કનુભાઇ ભાલાળા, વર્ષ ૨૦૦૭માં ભાજપના કનુભાઇ ભાલાળા, વર્ષ ૨૦૧૨માં જીપીપીના કેશુભાઇ પટેલ, વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસના હર્ષદભાઇ રિબડીયા, વર્ષ ૨૦૨૨માં આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણી ચૂંટાયા હતા.

ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યુ ત્યારથી આ બેઠક પર કોઈ પક્ષનું એક તરફી વલણ અત્યાર સુધી જોવા મળ્યું નથી. વિસાવદર વિધાનસભા બેઠક આમતો વિસાવદર-ભેસાણના નામથી ઓળખાય છે. આ બેઠક પર લગભગ ૫૦ ટકાથી ઉપર મતદાન માત્ર લેઉઆ પટેલ સમાજનું છે. એટલા માટે જ અહિથી ચૂંટાઈને આવતા ધારાસભ્ય પટેલ સમાજમાંથી આવે છે.

વિસાવદર બેઠક પર પક્ષોનો રાજકીય ઇતિહાસ વિસાવદર-ભેસાણ વિધાનસભામાં અત્યાર સુધીના રાજકીય પક્ષોના ઈતિહાસ પ્રમાણે અહિંથી કોંગ્રેસ સૌપ્રથમ વખત બેઠક જીતી હતી. વર્ષ ૧૯૬૨થી અત્યાર સુધીમાં વિસાવદર  વિધાનસભા કોંગ્રેસ ૪ વખત જીતી ચુક્યું છે. ૧૯૯૫માં અહિંથી કેશુભાઈ પટેલ જીત્યા અને તેઓ ગુજરાત ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતમાં ભાજપની સરકાર બની હતી. જોકે વિસાવદર-ભેસાણ વિધાનસભા ભાજપ પણ ૪ વખત જીતી ચૂક્યું છે..!!

વિસાવદર વિધાનસભા બેઠક ભાજપને કેમ જીતવી છે..? ગુજરાતમાં ભાજપની પહેલી સરકાર બની અને વિસાવદરથી જીત મેળવીને મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ વિધાનસભા પહોંચ્યા હતા. ગુજરાતમાં ભાજપનું ૩૦ વર્ષથી શાસન છે પરંતુ વર્ષ છેલ્લા ૧૩ વર્ષથી વિસાવદરમાં ભાજપનું કમળ ખીલ્યું નથી. જે વિધાનસભા બેઠક સતત ૧૭ વર્ષ સુધી ભાજપ પાસે રહી અને અચાનક એ બેઠક જેમને ગુજરાતમાં પહેલી વખત ભાજપ સરકાર બની અને જેના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બન્યા હતા તેમણે જ વર્ષ ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી અને છીનવી લીધી હતી. જોકે વર્ષ ૨૦૧૨થી વર્ષ ૨૦૨૨ સુધી અહીં ભાજપના ઉમેદવાર જીત્યા તો નથી પણ જીતેલા તમામ ઉમેદવાર ભાજપમાં ભળી ગયા છે..!!

વર્ષ ૨૦૧૨થી ૨૦૨૪સુધીમા જીતેલા કયા ઉમેદવાર ભાજપમાં જોડાયા..?  વિસાવદર-ભેસાણ વિધાનસભામાં વર્ષ  ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટી નામની રાજકીય પાર્ટી લઈને આવનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાતમાં ૨૦૧૨માં આ બેઠક પર જીત મેળવી પરંતુ અંતે તેમની રાજકીય પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ થયું હતુ. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસના હર્ષદ રીબડીયા જેઓ ત્યાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા અને ૨૦૨૨ની ચૂંટણી પહેલા પહેલા ભાજપમાં જોડાયા હતા વર્ષ ૨૦૨૨માં આમ આદમી પાર્ટીમાંથી ભુપત ભાયાણી હર્ષદ રિબડીયાને હરાવીને ધારાસભ્ય બન્યા પણ અંતે ભુપત ભાયાણીએ પણ આપ છોડી અને ભાજપમા જોડાયા હતા.

વિસાવદર બેઠક પર હાલ પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. વર્ષ ૨૦૨૨માં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવાર ભુપત ભાયાણી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ એકાદ વર્ષના સમયગાળામાં તેઓ ધારાસભ્ય પદ અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારથી વિસાવદર વિધાનસભા બેઠક ખાલી પડેલી છે. હવે હર્ષદ રીબડીયા, મોહિત માલવિયાએ રાજ્યની વડી અદાલતમાં કરેલી ચૂંટણી પિટિશન પરત ખેંચી છે અને એક ઈલેકશન પીટિશન પેન્ડિંગ છે. આમછતાય સમગ્ર મતક્ષેત્રમાં ગોપાલ ઈટાલિયાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા ચૂંટણીમય માહોલ ખડો થયો છે.

વિસાવદર વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણીમા સંભવત ત્રિપાંખીયો જંગના અણસાર  છે. વિસાવદરમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને સમર્થન આપે અને કડીમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટી સમર્થન આપે તેવી સમજૂતી સાધવા ઉચ્ચ કક્ષાએ પ્રવાસો હાથ ધરાયાનુ કહેવાય છે. જો કે, સમજૂતી સધાય તેવી શક્યતાઓ હાલના તબક્કે નહિવત લાગે છે.

ચૂંટણી હજૂ જાહેર નથી થઈ ત્યાં વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલીયાને મેદાને ઉતારી દીધા છે. હવે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર પસંદ કરવામાં ખૂબ જ ચોકસાઈ જાળવી રહેલ છે.

વિસાવદર બેઠકના મતદારોને કળવા મુશ્કેલ છે. આ એજ મતદારોએ છે જેમણે કેશુભાઇ પટેલને બબ્બે વખત ધારાસભ્ય તરીકે ચૂટયા અને કેશુભાઇ પટેલના સુપુત્ર ભરતભાઈ પટેલને પરાજયનો સ્વાદ ચખાડયો હતો..!!

હાલ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને જાહેર કરી દીધા છે. ભાજપમાંથી કિરીટ પટેલ, હર્ષદ રીબડીયા, ભૂપત ભાયાણી મજબૂત દાવેદારો છે. એ સિવાય પણ કેટલાયે સ્થાનિક અને બહારના નામો ગાજી રહ્યા છે.

કોંગ્રેસના ઉમેદવારોમાં કરશનભાઈ વાડદોરીયા, ચંદ્રિકાબેન વાડદોરીયા, ભાવેશભાઈ ત્રાપસીયા, ડો. પ્રિયવદન કોરાટ, નિતિન રાણપરીયા, ભરતભાઈ વિરડીયા, ભરતભાઈ અમીપરા, લાલભાઈ કોટડીયા સહિતના નામો ગાજી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અહીંથી ચૂંટાયેલ ધારાસભ્ય મુખ્યમંત્રી, કૃષિમંત્રી, સંસદીય સચિવ બન્યા છે ત્યારે ભાજપમાંથી ચૂંટણી લડવા ઉત્સુક મંત્રી મંડળમાં સમાવિષ્ટની સ્વાભાવિક અપેક્ષા રાખી રહ્યા છે.જેથી વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની ટીકીટ માટે મરણીયા પ્રયાસો થશે એ નિશ્ચિત મનાય રહ્યુ છે

(1:55 PM IST)