તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
પડધરીની સગીરાના અપહરણમાં મદદગારી કરનારાને સાક્ષી બનાવી દીધા!: સમાધાન કરવા તાજીયા ગેંગના નામે ધમકી
ભોગ બનનાર બાળાના પડધરી સ્થિત પિતાની રાજકોટ પોલીસ કમિશનર, રાજકોટ રૂરલ એસપીને રજૂઆત

રાજકોટ તા. ૨: પડધરીમાં રહેતી સગીરાનું રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હોઇ આ બારામાં ગુનો નોંધી પોલીસે આરોપી પડધરી મોવૈયા સર્કલ પાસે રહેતાં યાસીન અનવરભાઇ હાલાણીની ધરપકડ કરી હતી. જો કે આ કેસમાં બીજા બે શખ્સો પણ મદદગારીમાં સામેલ હોઇ તેની સામે પોલીસે કાર્યવાહી નહિ કર્યાના આક્ષેપો સાથે ભોગ બનનાર બાળાના પરિવારે પોલીસ કમિશનર અને રૂરલ એસપીને રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.
પોલીસ કમિશનરને થયેલી રજૂઆતમાં જણાવાયું છે કે અમારી દિકરીને તા. ૧/૩/૨૫ના રોજ પડધરીનો યાસીન હાલાણી રાજકોટ ખાતે સગાના ઘરે હતી ત્યાંથી ભગાડી ગયો હતો. આ પછી પોલીસે તપાસ કરતાં તા. ૩/૩ના અમારી દિકરી મળી આવી હતી. તેણે નિવેદન આપ્યું હતું કે અપહરણમાં આરોપી યાસીનના સગા સાજીદ અને દોસમહમદ પણ સામેલ હતાં. જો કે આ બંનેને પોલીસે પકડયા નહોતાં.
અગાઉ પણ ૧૯/૩ના રોજ આ બંનેને ગુનામાં સામેલ કરવા અને ધરપકડ કરવા અમે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. વળી સત્તર દિવસ બાદ આ ગુનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં અમે જોયું તો આ બંને મદદગારીમાં સામેલ શખ્સોને સાક્ષીમાં સામેલ કરી દેવાયા હતાં.
રજૂઆતમાં આગળ જણાવાયુ છે કે આ પછી અમને તાજીયા ગેંગના નામે કેસ પાછો ખેંચવા ધમકીઓ મળી રહી છે. આ બાબતે અમે રાજકોટ રૂરલ એસપીને પણ લેખીત ફરિયાદ કરી છે. અવાર-નવાર સમાધાન માટે ધમકીઓ મળતી હોઇ અને બે શખ્સો કે જે મદદગારીમાં સામેલ હોઇ તેની સામે કાર્યવાહી ન થઇ હોઇ ન્યાયી તપાસ માટે અમારી માંગણી છે. તેમ લેખિત રજૂઆત-ફરિયાદમાં જણાવાયું છે. (૧૪.૭)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
