<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

જૈનોના પાવન તિર્થ પાલીતાણામાં તાજ હોટેલનું આગમન એ પવિત્રતા સામે પડકાર

ભુજની સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રની પૂણ્યધરા ઉપર આવેલ તિર્થની પવિત્રતા જાળવવા સરકારને અપીલ :આ પવિત્ર તિર્થ સ્થાને આ હોટલ શરૂ કરવામાં ન આવે તે માટે જૈન સમાજ દ્વારા વિરોધ : ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ : સૌરાષ્ટ્રની પુણ્યધરા પર આવેલું પાલીતાણા તિર્થ એ જૈનોની આસ્થા અને શ્રદ્ધાનું પવિત્ર સ્થાન છે જ્યાં મહાપવિત્ર એવા શેત્રુંજય પર્વત પરથી અનેક તીર્થંકર પરમાત્માઓ સહિત અનંતા ભવી આત્માઓ સિદ્ધ ગતિને પામ્યા છે. આવા આસ્થા અને શ્રદ્ધાના પવિત્ર નાના એવા શહેર પાલીતાણા કે જ્યાં ૮૫૦ થી વધુ જૈન મંદિરો અને અનેક ધર્મશાળાઓ આવેલી છે, દરરોજ હજારો યાત્રાળુઓ પવિત્ર તીર્થ શેત્રુંજય પર્વત પર પગપાળા ચડી દાદાના દર્શન પૂજા કરી પોતાની આસ્થા પ્રગટ કરે છે,

 આવી ધર્મનગરી પાલીતાણામાં દેશના ખ્યાતનામ ટાટા ગ્રુપે પાલીતાણા પેલેશને તાજ બ્રાંડ હેઠળ ફાઈવસ્ટાર હોટેલમાં ફેરવવાની જાહેરાત કરી છે આ સમાચારથી ભારતભરના સમગ્ર જૈન સમાજમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઈ છે, પાલીતાણા જૈન સમુદાય માટે સૌથી મહત્વપૂર્ણ તિર્થ સ્થાનોમાંનું એક છે એટલે આ પવિત્ર તિર્થ સ્થાને આ હોટલ શરૂ કરવામાં ન આવે તે માટે જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

  જૈનોને ડર છે કે ફાઈવ સ્ટાર કક્ષાની આધુનિક હોટલ પાલીતાણામાં બને તો હોસ્પીટાલીટી સેવા આપવામાં તે તેના ગ્રાહકોને માંસાહારી ખોરાક અને મદિરા પણ પીરસશે ત્યારે આ પાવન તીર્થ ધરાની પવિત્રતા જોખમાશે, અનેક પ્રકારના દુષણો વ્યાપ્ત થશે અને પવિત્ર ભૂમીને અતિ ભારે નુકશાન થશે.

  તિર્થ સ્થાનો અને યાત્રાધામોના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને યાત્રાધામોનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે આ રીતે કોઈ હોટેલ સ્થાપિત કરતું હોય તેમાં કોઈનો વિરોધ ન હોય શકે સુવિધાઓ નિર્માણ કરવામાં આવે તે આવકાર્ય જ હોય પરંતુ આ ફાઈવસ્ટાર કક્ષાની હોટલ બને ત્યારે તે ગ્રાહકોની માંગ સંતોષવા નોનવેજ પીરસે તે આધયાત્મિક અને તપસ્યાની પાવન ધરા અને જૈનોના પવિત્ર તિર્થ સ્થાન પાલીતાણામાં તો યોગ્ય નથી જ એમ શ્રી અજરામર ટ્રસ્ટ ભુજના ટ્રસ્ટીઓ વતી મયુર બોરીચાએ જણાવી સમગ્ર ભારતભરના જૈન સમાજના આ વિરોધમાં સૂર પુરાવ્યો છે અને આ હોટલ બને તો શાકાહારી ભોજન જ પીરશે તેવી શરતો સાથે મંજુરી આપવામાં આવે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત સાથે અપીલ કરી છે.

(9:38 AM IST)