<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

બે સરકારી વિભાગોની પહેલ થકી કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પથરાશે જ્ઞાનના અજવાળા

કચ્છ યુનિવર્સિટીને PGVCL દ્વારા CSR ફંડમાંથી ₹42 લાખનું અનુદાન, જો અન્ય ઉદ્યોગ ગૃહોનો વધુ સહયોગ મળે તો નવા એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા કુલપતિ મોહનભાઈ પટેલની નેમ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ : જે કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં એક સમયે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો ત્યાં આજે પ્રાથમિક, માધ્યમિકની સુવિધાઓ તો ઊભી થઈ ગઈ છે. પણ, કોલેજનું ઉચ્ચ શિક્ષણ માટે સંઘર્ષ રહે છે. જોકે, હવે કોલેજનું ઉચ્ચ શિક્ષણ પણ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ મેળવી શકે એવી પહેલ સરકારના બે વિભાગોએ શક્ય બનાવી છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છના છેવાડાના પાંચ ગામોમાં શરૂ કરવામાં આવેલા એક્સટેન્શન સેન્ટરોમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી એક અનેરો પ્રયાસ શરૂ કરી શિક્ષણની નવી  જ્યોત જલાવી છે. કચ્છ યુનિવર્સિટીના આ પ્રયાસને બિરદાવતા કચ્છનાં પૂર્વ કલેકટરશ્રી અમિત અરોરા સાહેબ દ્વારા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. મોહન પટેલ સાથેની મુલાકાતમાં કચ્છમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વિસ્તારવા પુરતો સહયોગ આપવાની ખાતરી આપી યુનિવર્સિટીને આ બાબતે મદદરૂપ થવા ઉત્સાહ દર્શાવ્યો હતો. એની ફળશ્રુતિ રૂપે યુનિવર્સિટીને આ એક્સટેન્શન સેન્ટરોમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે વાહન વ્યવહારની જરુરી સગવડ ઊભી થાય એ હેતુથી કંપનીઓના CSR ફંડમાંથી મદદ મળી શકે એવી વિનંતી કરવામાં આવી હતી.

 તત્કાલીન કલેકટરશ્રી અરોરા સાહેબ દ્વારા તુરત જ આ બાબતે  યુનિવર્સિટીને જણાવેલું કે PGVCL ના CSR ફંડમાંથી મદદ મળે એ માટે તમે રજૂઆત કરી શકો છો એવું જણાવેલ. આથી યુનિવર્સિટી દ્વારા PGVCL ના CSR ફંડમાંથી યુનિવર્સિટીને વાહનની સુવિધા મળે તે માટે દરખાસ્ત કરવામાં આવી હતી. 

PGVCL દ્વારા યુનિવર્સિટીની આ દરખાસ્ત ને સ્વીકારવામાં આવેલી છે અને યુનિવર્સિટીને આ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા‌ સ્ટાફને લેવા મૂકવાના હેતું માટે વાહન વસાવવા ₹42 લાખ નું ફંડ ફાળવવામાં આવેલ છે. 

યુનિવર્સિટીને પીજીવીસીએલના CSR માંથી 22 સીટની બે મીની બસ વસાવવા સહયોગ મળેલ હોય. આ બસ યુનિવર્સિટીમાં શૈક્ષણિક પ્રવૃત્તિ માટે સ્ટાફને અને વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાય તે રીતે તેનો ઉપયોગ કરશે.

કંપનીની સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ મળતી આ મદદને હરખભેર આવકારીને  યુનિવર્સિટીના  કુલપતિ ડૉ. મોહન પટેલ દ્વારા PGVCLનો આભાર વ્યક્ત કર્યો છે. 

કુલપતિશ્રીએ સાથે કચ્છના છેવાડાના વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણની આ જ્યોત સતત ઝળહળતી‌ રાખવા અન્ય સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ અને કંપનીઓ આગળ આવે એવી વિનંતી કરી છે.

CSR હેઠળ વધુ મદદ મળી રહેશે તો કચ્છમાં ઉચ્ચ શિક્ષણનો રેસીયો ખૂબ ઊંચો લઈ જઈ શકાશે એમ જણાવી યુનિવર્સિટીના પ્રયાસોમાં સહયોગ આપી સામાજિક જવાબદારી નિભાવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.

(9:40 AM IST)