<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

થેલેસેમીયાગ્રસ્‍તો માટે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા મેગા રકતદાન કેમ્‍પ

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની આગેવાનીમાં સવારના ૮ થી સાંજના ૭ સુધી ભવ્‍ય આયોજન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૪ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક માત્ર ખંભાળીયાની સરકારી હોસ્‍પિટલમાં આવેલી બ્‍લડ બેંકમાં ૧ર૦ થી ૧પ૦ થેલેસેમીયાગ્રસ્‍ત દર્દીઓ હોય તેમને વારંવાર લોહીની જરૂર પડતી હોય તથા દ્વારકા જિલ્લામાંથી ૪૦ ટકા દર્દી જામનગર જી. જી. હોસ્‍પિટલમાં જતાં હોય આ દર્દીઓની જરૂરત પૂર્ણ કરવાના એક પ્રયત્‍નરૂપે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તા. પ-૪-રપ ના રોજ મેગા રકતદાન કેમ્‍પનું જિલ્લામાં બે સ્‍થળે આયોજન કર્યુ છે.

ખંભાળીયા પાલિકા ટાઉન હોલ ખાતે ખંભાળીયા, વાડીનાર, સલાયા તથા ભાણવડના પોલીસ સ્‍ટાફ તથા મીડીયા મિત્રો આગેવાનો માટે તથા દ્વારકામાં સનાતન આશ્રમ પોલીસ સ્‍ટેશન પાસે દ્વારકા ખાતે દ્વારકા, મીઠાપુર, ઓખા તથા કલ્‍યાણપુર અને બેટ પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફ તથા મીડીયા મિત્રો અને આગેવાનો માટે સવારના ૮ થી સાંજના ૭ વાગ્‍યા સુધી યોજાયેલ છે. જેમાં રકતદાન કરીને આપના કિંમતી લોહીથી કોઇની જિંદગી બચાવવામાં મદદરૂપ થવા અપીલ કરવામાં આવી છે.

દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશકુમાર પાંડે, ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતી, શ્રી સાગર રાઠોડ, વિસ્‍મય માનસેતા તથા એલસીબી પો. ઇ. કે. કે. ગોહિલ, પો. સ. ઇ. બી. એમ. દેવમુરારી તથા દ્વારકા જિલ્લાના તમામ પોલીસ મથકોમાં અધિકારીઓ તથા સ્‍ટાફ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આગેવાનો, મીડીયાના મીત્રો, જીઆરડી એસ. આર. ડી. ટ્રાફિક બ્રીગેડ, હોમગાર્ડઝ તથા પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્‍યામાં આ રકતદાન કેમ્‍પમાં જોડાશે. તથા પોતાને નજીક પડતા સ્‍થળે રકતદાન કેમ્‍પમાં જોડાઇ રકતદાન મહાદાનનું સુત્ર સાર્થક કરવા જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશકુમાર પાંડે દ્વારા અપીલ થઇ છે. (પ-૧૪)

(11:50 AM IST)