<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી : જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સકારાત્મક દિશામાં કામગીરી પૂર્ણ કરવા સૂચન આપ્યું

લોકોની રજૂઆતોનું ત્વરિત નિરાકરણ લાવવા અને પીવાના પાણી : વીજળી, રોડ-રસ્તા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા

જામનગર: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કેતનભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે જામનગર જિલ્લાના વિકાસ અને લોકોના પ્રશ્નોને લગતા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી રાઘવજીભાઈ પટેલે અધિકારીઓને જિલ્લાના સર્વાંગી વિકાસને અનુલક્ષીને સકારાત્મક દિશામાં કામગીરી પૂર્ણ કરવા સૂચન આપ્યું હતું.


આ સમીક્ષા બેઠકમાં જામનગર મહાનગરપાલિકા ઉપરાંત ડી.આઈ.એલ.આર., ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પીજીવીસીએલ, સિંચાઈ વિભાગ, ક્ષાર અંકુશ વિભાગ, આયોજન વિભાગ, જામનગર શહેરી વિકાસ સત્તામંડળ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન લોકો દ્વારા આવેલી રજૂઆતો અને વિવિધ વિભાગોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રી રાઘવજીભાઈ પટેલે ડી.આઈ.એલ.આર. કચેરીની બાકી અરજીઓની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને જે ગામડાઓમાં જમીન માપણીની વધુ અરજીઓ હોય ત્યાં કેમ્પનું આયોજન કરવા જણાવ્યું હતું. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને રહેણાંક વિસ્તારોમાં નિયમિત પીવાનું પાણી પૂરું પાડવા, પાણીની પાઇપલાઇનના કામો અને પાણીના સંપ બનાવવાના કામોને અગ્રતા આપવા સૂચન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે આયોજન કરવા અને નવા ભળેલા વિસ્તારોમાં પાઇપલાઇન, રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટલાઇટના પોલ નાખવાની કામગીરી તેમજ કચરાના યોગ્ય નિકાલના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.

પીજીવીસીએલને લગતા પ્રશ્નોમાં વીજ વાયરો બદલવા, લો વોલ્ટેજની સમસ્યાનું નિરાકરણ, ફીડરોનું મેન્ટેનન્સ, ખેતરોમાં દિવસે વીજળી પૂરી પાડવી, લોકોને નડતરરૂપ વીજપોલનું સ્થળાંતર અને વાડી વિસ્તારોમાં નિયમિત વીજ સપ્લાયની રજૂઆતોનો નિકાલ લાવવા મંત્રી રાઘવજીભાઈ પટેલે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. આ ઉપરાંત, પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે સિંચાઈ વિભાગને આગોતરું આયોજન કરવા, તળાવો અને ચેકડેમોનું રિપેરિંગ, પૂર સંરક્ષણ દીવાલો બનાવવા, સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવોને ઊંડા ઉતારવા તેમજ ક્ષાર અંકુશ વિભાગને લગતા જમીન સંપાદન, રોડ-રસ્તા અને કેનાલની સફાઈના કામોને પ્રાધાન્ય આપવા મંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટર કેતનભાઈ ઠક્કરે ઉપસ્થિત અધિકારીઓને પડતર અરજીઓ અને રજૂઆતોનો નિકાલ કરી, સકારાત્મક અને સમયબદ્ધ રીતે કામગીરી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, સેટલમેન્ટ કમિશ્નર કચેરીના એડિશનલ કમિશ્નર એચ.એમ. જાડેજા, નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદાબેન કાથડ, પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ બેઠક દ્વારા જામનગર જિલ્લાના વિકાસને ગતિ આપવા અને લોકોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે નક્કર પગલાં ભરવાની દિશામાં પ્રયાસો શરૂ કરાયા છે.

 

(8:31 PM IST)