તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
'શૌર્યભૂમિ' રાણપુરમા ‘ગાંધી સ્મૃતિ’ સ્મારકના લોકાર્પણ અવસરે ભૂપેન્દ્રભાઈ પટેલએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીને અભિનંદન પાઠવ્યા
ગુજરાત સરકારના નાણાં, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તથા પ્રવાસન, સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાનો પણ શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયો

રાજકોટ તા.૫ : શૌર્યભૂમિ રાણપુર (જિ. બોટાદ) સ્થિત શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ (તે સમયનો સૌરાષ્ટ્ર-ફૂલછાબ પ્રેસ) ખાતે અનન્ય અને અનોખું ગાંધી સ્મૃતિ સ્મારકનું લોકાર્પણ 06 એપ્રિલ 2025 ને રવિવાર (ધોલેરા સત્યાગ્રહ-સિંધુડોની 95મી જયંતી)ના રોજ સાંજે 05 કલાકે થઈ રહ્યું છે.
આ અવસરે ગુજરાત રાજ્યના સંસ્કૃતિ-સાહિત્ય-પ્રેમી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લાગણીભેર લખે છે : ‘જ્યાં ગાધીજી અને મેઘાણીજીનું સૌપ્રથમ મિલન થયું હતું તે રાણપુરમાં ગાંધી સ્મૃતિ સ્મારક બને એ ઐતિહાસિક કહેવાય. રાષ્ટ્રપિતા ગાંધીજી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠની અર્ધ-પ્રતિમાઓ અને માહિતીસભર ચિત્રાંકનથી લોકો માહિતગાર થશે અને યુવાનોમાં જીવનમૂલ્યોનું ઘડતર થશે.’ ગુજરાત સરકારના નાણાં, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તથા પ્રવાસન, સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાનો પણ શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળોને સુયોગ્ય રીતે વિકસાવીને જીવંત કરવા બદલ પિનાકી મેઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી કનુભાઈ દેસાઈ અને મુળુભાઈ બેરા તથા ગુજરાત સરકારનો હ્રદયથી આભાર માન્યો છે.
આપણાં સ્વાતંત્ર્ય-સંગ્રામ અને તેમાં નામી-અનામી શહીદ-વીરો અને સ્વાતંત્ર્ય-સેનાનીઓએ આપેલ આહુતિ અને બલિદાનથી નવી પેઢી પરિચિત-પ્રરિત થાય તે આશયથી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. પ્રેરિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ગાંધી સ્મૃતિ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL)નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. અમૃતલાલ શેઠના પૌત્રવધૂ પૂર્ણાબેન જતીનભાઈ શેઠ અને શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. શિલ્પ-સ્થાપત્ય ખ્યાતનામ શિલ્પકારો મયુર વાકાણી, આનંદ ટીકે અને હેમાલી વાકાણી (અમિત ફાઈબર ડેકોર)એ તૈયાર કર્યા છે.
(આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી-ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. 9825021279)
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
