<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ભુપેન્દ્રભાઈ અને કુંવરજીભાઈ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન "કેચ ધ રેઈન-૨.૦"નો પ્રારંભ

છેલ્લા છ વર્ષમાં હાથ ધરાયેલા આ અભિયાનના ૧૦૭૬૦૮ કામોથી ૧૧૯૧૪૪ લાખ ઘનફુટ જેટલો જળશકિત સંગ્રહમાં થયેેલ વધારો થયો:સુજલામ સુફલામ જળ અભિયાન નો મુખ્ય ઉદેશ્ય ભૂસ્તરીય પાણી પર નિર્ભરતા ઘટાડી, વરસાદી પાણીનો સંગ્રહ કરી, તેનો વ્યાપ વધારવાનો : સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત ગુજરાતના સ્થાપના દિન ૧ લી મે, ૨૦૧૮ ના દિવસે કરવામાં આવી હતી ૩૧ મી મે સુઘી કાર્યરત રહેશે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.5 :  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળીયાએ ઞઈ કાલે સુજલામ સુફલામ યોજનાનો મહેસાણા જિલ્લાના દવાડા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.

આ યોજનાનો મુખ્ય ઉદેશ જન ભાગીદારી વધારી પાણી બચાવવાનો અને પાણીનો બગાડ અટકાવવાનો અને  લોક માનસમાં પાણીસંગ્રહ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. અગાઉ કરેલા જન અભિયાનને મળેલ બહોળો પ્રતિસાદ તથા ઉત્કૃષ્ટ પરિણામોના લીધે ૨૦૧૯ થી ૨૦૨૪ ની વચ્ચે કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં પણ જળ સંગ્રહ શક્તિમાં વધારો થાય, શ્રમિકોને રોજગારી મળે તે આશયથી સમગ્ર રાજયમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત જળ સંચયમાં વધારો થાય તે માટે મુખ્યત્વે, તળાવો ઉંડા કરવા,અનુશ્રવણ તળાવો, જળાશય,ચેકડેમ ડિસિલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ,નવા કરવા, નહેરોની સાફ સફાઈ મરામત અને જાળવણી, નદી-તળાવ-વોકળામાંથી કાંસની સાફ સફાઈ, નદીઓ પુનઃ જીવિત કરવી, વન તળાવો,તલાવડીઓ કરવી જેવા કામો, માટીપાળા, ગેબીયન, કન્ટુર ટ્રેન્ચ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ જેવા કામો હાથ ધરવામાં આવશે.

છેલ્લા છ વર્ષમાં આ પ્રકારના ૧૦૭૬૦૮ કામો હાથ ધરવામાં આવ્યા હતા, જેનાથી ૧૧૯૧૪૪ લાખ ઘનફુટ જેટલો જળ શક્તિ સંગ્રહમાં વધારો થયો હતો. ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ અંતર્ગત સૌરાષ્ટ્રમાં ૧૪૨૭ તળાવો, ૨૦૧ અનુશ્રવણ તળાવો, ૯૩૯ ચેકડેમો, ૩૬૨ જળાશયો ઉંડા ઉતારાયા છે અને ૬૮૭ ચેકડેમો રીપેરીંગ કરવામાં આવ્યા છે, જેના લીધે ખુબ સારા પરિણામો જોવા મળ્યા છે. સીઝનના સારા વરસાદને લીધે પણ જળસંગ્રહ વધુ પ્રમાણમાં થઇ શકયો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી તથા કુંવરજીભાઈએ માહીતી આપતા જણાવ્યુ હતુ કે સુજલામ સુફલામ કામો થકી સિંચાઈ વ્યવસ્થા સુદ્દઢ બની છે, બોર,કૂવા તળાવોમાં જળ સંગ્રહ થવાથી તળ ઉંચા આવ્યા છે, ઘર વપરાશ,પશુઓને પીવાના પાણીની સમસ્યા હળવી બની છે,ખેતી સમૃધ્ધ બની છે, વીજ વપરાશમાં ઘટાડો થયો છે, આ અભિયાન થકી થયેલ ખોદાણથી પાણીની સંગ્રહશકિત વધી છે, કાંપનો ઉપયોગ ખેતરોમાં અને જાહેર વિકાસના કામોમાં થયો છે, ખેડૂતોને રોયલ્ટીમાં પણ માફી મળી છે,

‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ની રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રશંસા થયેલ છે. વર્ષ-૨૦૨૦ માં આ અભિયાનનો પ્લેટિનિયમ' કેટેગરીમાં તેમજ વર્ષ ૨૦૨૧ માં ગોલ્ડન કેટેગરીમાં સ્કોચ એવોર્ડ મળેલ છે.

આ પરિણામો જોતાં, આ અભિયાનને આગળ ધપાવી ચાલુ વર્ષે ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન – કેચ ધ રેઈન-૨.૦’’ નો ઞઈ કાલે શુભારંભ મહેસાણા તાલુકાના દવાડા ગામેથી રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો જે ૩૧ મી મે સુધી ચાલશે.

આ અભિયાન અંતર્ગત લોકભાગીદારીથી કામો કરતી વિવિધ સંસ્થાઓની લાગણીને ધ્યાને રાખી ચાલુ વર્ષે થતા માટી,મોરમના કામો માટે પ્રતિ ઘનમીટરના રૂા.પર માં વધારો કરી રૂા.૫૭ પ્રતિ ઘનમીટરનો ભાવ કરેલ છે. જેમાં સરકારનો 50% હિસ્સો રાખવામાં આવેલ છે.

આ અભિયાન દરમ્યાન જળ સંચયના કામો માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક, ગૃહ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, માર્કેટીંગ યાર્ડ, દૂધ મંડળીઓ, ખેડૂત મંડળીઓ, રાજયના જાહેર સાહસોનો ખુબ સારો પ્રતિસાદ મળેલ છે. સંસ્થાએ સ્વખર્ચે કામો કરવા હોય તો સરકાર સંપૂર્ણ સહયોગ આપશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને કુંવરજીભાઈએ વરસાદી પાણીના ટીપે ટીપાનો સંગ્રહ કરવા લોકભાગીદારી થકી જળ સંચયનો વ્યાપ વધારવા ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’માં જોડાવા સૌને આહવાન કરેલ છે.

(9:41 AM IST)