<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

જેતપુરમાં આઝાદીની ચળવળ માટે શરૂ થયેલ શ્રીરામ જન્‍મોત્‍સવ શોભાયાત્રા કાલે દબદબા ભેર નીકળશે

 

આજે રાત્રે વીર ચાંપરાજવાળા ચોક ખાતે દીપ ઉત્‍સવ યોજાશેઃ પૂ.કનૈયાનંદબાપુના સાનિધ્‍યમાં યોજાનાર બે કિલોમીટર લાંબી શોભાયાત્રા નિહાળવા લાખો લોકો ઉમટી પડશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા.૫: શહેરના પ્રાચીન સિદ્ધ શ્રી નળસિંહજી મંદિર, શ્રી રામ મંદિર દ્વારા પરંપરાગત રીતે આઝાદીકાળથી શ્રી રામ જન્‍મોત્‍સવ શોભાયાત્રાનું આયોજન કરાય છે. હિન્‍દુઓના આરાધ્‍ય દેવ ભગવાન શ્રીરામના પ્રાગટય દિવસ રામનવમીના દિવસે શહેર માં ભારત દેશના આઝાદી પૂર્વેથી ભગવાન શ્રીરામની  શોભાયાત્રા  યોજાય છે.  આઝાદી પૂર્વ  જ્‍યારે હિન્‍દૂ સમાજને એકત્ર થવું હોઇ તો એક ભયનો માહોલ હતો ત્‍યારે શહેરના શ્રી નળસિંહજી મંદિર શ્રી રામ મંદિર દ્વારા ૧૦ થી ૧૨ લોકો થી શોભાયાત્રાની શરૂઆત કરાયેલ.  ત્‍યારે રેકડીમાં ભગવાન શ્રીરામનો ફોટો રાખી શોભાયાત્રા નીકળતી. આ સમય જતા આ શોભયાત્રામાં હાલ શહેર તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારના અંદાજિત ૨ લાખ જેટલા લોકો જોડાય છે.

પ્રાચીન સિદ્ધ શ્રી નળસિંહજી મંદિર તથા શ્રી રામ મંદિરના પરમ પૂજ્‍ય મહંત શ્રી કનૈયાનંદ મહારાજ ના અધ્‍યક્ષ સ્‍થાને નીકળતી આ શોભાયાત્રા એક વિરાટ સ્‍વરૂપ ધારણ કરી રહેલ  છે. બાપુ ના સાનિધ્‍યમાં બહોળી સંખ્‍યામાં યુવાનો , સંસ્‍થાઓ, સામાજિક આગેવાનો સત્‍સંગ મંડળ, ગણેશ મંડળ, ગરબી મંડળ અને અલગ અલગ વિસ્‍તાર માંથી ભગવાન શ્રીરામના જીવન ચરિત્રની ઝાંખી કરાવતા ૫૦ જેટલા ફ્‌લોટ્‍સ, રાસ મંડળી, ધૂન મંડળી, ઘોડા, ડીજે સાથે અંદાજિત બે કિલોમીટર લાંબી નીકળતી શોભયાત્રા આ વર્ષે શોભાયાત્રા ભવ્‍યાતિ ભવ્‍ય બને માટે છેલ્લા એક માસથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે. શહેરના ધજા પતા કા તેમજ રોશની થી જળહળિત કરવામાં આવતા શહેર મીની અયોધ્‍યા ધામ બની ગયું છે.

આ વર્ષની શોભાયાત્રાનું મુખ્‍ય યજમાન પદ ધારાસભ્‍ય અને પરમ રામ ભક્‍ત જયેશભાઈ રાદડિયા શોભાવશે. અને શોભાયાત્રાની ભવ્‍યતા વધે તેના માટે પ્રયત્‍ન શીલ છે.

    રામનવમી મહોત્‍સવ અંતર્ગત આજરોજ તા.૫/૪/ ૨૫ શનિવારના રાત્રે ૯ કલાકે વીર ચાંપરાજવાળા ચોક, તીનબત્તી ખાતે દિપ ઉત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આવતી કાલ રામનવમી તા.૬/૪ ૨૫ રવિવાર ના રોજ ભાદર નદીના કાંઠે આવેલ પ્રાચીન  શ્રી નળસિંહજી મંદિર, ખાતે  બપોરના ૧૨ કલાકે  ડાંઇગ એન્‍ડ પ્રિન્‍ટીંગ એશોસીએશન પ્રમુખ જયંતીભાઈ રામોલીયાના હસ્‍તે મહાઆરતી કરવામાં આવશે. ત્‍યારબાદ,  બપોરના ૩ કલાકે રામનવમી શોભાયાત્રાના રથનું પુજન કરવામાં આવશે. અને ૩:૩૦ કલાકે રામનવમી શોભાયાત્રાનું સંતો મહંતો, રાજકીય આગેવાનો દ્વારા પ્રસ્‍થાન કરાવવામાં આવશે. આ સમગ્ર શોભાયાત્રા સનાતન વૈદીક પરંપરાગત રીતે યોજાય માટે શ્રી નળસિંહજી મંદિરના મહંતશ્રી કનેયાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ મંદિર ખાતે થી શરૂ થઈ એમ.જી. રોડ, તીન બતી ચોક, બસ સ્‍ટેન્‍ડ પાછળ, કણકિયા પ્‍લોટ, ચાંદની ચોક, ફૂલવાડી વિસ્‍તારમાંથી થઈ મંદિરે ધર્મ સભામાં ફેરવાશે. શહેર-ગ્રામ્‍યની ધર્મપ્રેમી જનતાને રામનવમી મહોત્‍સવના અવસરે યોજાનાર દિપ ઉત્‍સવ તથા મહા આરતી અને શોભાયાત્રામાં ઉત્‍સાહ સાથે જોડાવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

રામનવમીની આ મહા શોભાયાત્રામાં કોઈપણ જાતની અવ્‍યવસ્‍થાન સર્જાય કે તકલીફ ન પડે માટે સીટી પીઆઇ એ ડી પરમાર ના માર્ગદર્શન હેઠળ બહોળી સંખ્‍યામાં પોલીસ સ્‍ટાફ ખડે પગે રહી ફરજ બજાવશે.

    રામનવમીની શોભાયાત્રાના આયોજન માટે પ્રાચીન શ્રી નળસિંહજી મંદિરના સર્વે સેવકગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

(11:13 AM IST)