તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
બરડા પંથકની જીવાદોરી વર્તુ-ર માંથી અર્જુનભાઇ મોઢવાડિયાના હસ્તે પાણી છોડાયું
ભૂમિયાવદર, સોઢાણા, શિંગડા, ફગણા, પારાવાડા, ફુલવદર, ખાંભોદર અને મોરાણાના ખેડૂતોને સિંચાઇનો લાભ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. પઃ સિંચાઈ માટે પાણી છોડવાની ખેડૂતો તરફથી રજુઆતોને ધ્યાને લઈને બરડા પંથકની જીવાદોરી સમાન વર્તુ-૨ ડેમ માંથી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડવાના કારણે જમણાકાંઠાની કેનાલથી ભુમિયાદર, સોઢાણા, શિંગડા, ફટાણા ઉપરાંત ડાબાકાંઠાની કેનાલથી પારાવાડા, કુણવદર, ખાંભોદર, મોરાણા સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.
વર્તુ નદીના કાંઠા વિસ્તારમાં રહેતા ખેડૂતો દ્વારા ઉનાળુ પાકમાં સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોવાથી માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ સિંચાઈ મંત્રી બાબુભાઈ બોખીરીયા સમક્ષ રજુઆત કરીને પાણી છોડવા માટે માંગ કરવામાં આવી હતી. ભેટકડી, ગોરાણા, શીંગડા અને જામ રાવલના ખેડૂતો દ્વારા પણ વર્તુ નદીના કાંઠા વિસ્તારના ખેડૂતો માટે વર્તુ ૨ ડેમમાંથી પાણી છોડવાની માંગણી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને માનનીય સિંચાઈ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનું આ બાબતે ધ્યાન દોર્યુ હતું. જેના પગલે માનનીય સિંચાઈ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સિંચાઈ વિભાગના અધિકારીઓને તત્કાલ પાણી છોડવા સુચના આપી હતી.
વર્તુ-ર માંથી પાણી છોડતી વખતે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા, તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા, પૂર્વ તાલુકા પ્રમુખ નિર્મલજીભાઈ ઓડેદરા, ભાજપના અગ્રણી સામતભાઈ ઓડેદરા ઉપરાંત આ વિસ્તાના ગામોના સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
