News of Saturday, 5th April 2025
ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે આવતીકાલે માધવપુરનો મેળો ખુલ્લો મુકાશે
પાંચ દિવસીય મેળોઃ પ્રથમ રાત્રીના ઓસમાણ મીરનો કાર્યક્રમ તથા ૪૦ મીનીટનો મેગા મલ્ટી શો : મનસુખભાઇ માંડવીયા અને કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહેશે શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્ન આયોજનમાં કાલે મંડપ આરોપણઃ તા.૬, ૭ અને ૮ મીએ ફુલેકાઃ તા.૧૦મીએ જાન કન્યાને લઇને રૂકમણી મંદીરથી નીકળશે અને સાંજે માધવરાયજી મંદીરે પહોંચશે

પોરબંદર, તા.,પઃ માધવપુર ઘેડ ખાતે આવતીકાલે તા.૬ ઍપ્રિલના રોજ સાંજે ૬ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે માધવપુર ઘેડ મેળા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા,પોરબંદરના પ્રભારી મંત્રી અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. અન્ય મહાનુભાવોનો પણ સૂચિત પ્રવાસ કાર્યક્રમ છે.
માધવપુર ઘેડ મેળામાં વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, ૧૦૦ મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની સાથે સાથે મેળામાં પૂર્વોત્તર રાજ્યોની હસ્તકળા અને વાનગીના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સ્ટેડિયમ ટાઈપ ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના રાજ્યો ૧૬૦૦ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે અને ખ્યાતનામ કલાકાર શ્રી ઓસમાણ મીર પ્રથમ દિવસે રાત્રે કલાના કામણ પાથરશે. તથા ૪૦ મીનીટનો મેગા મલ્ટી શો યોજાશે.
શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન આયોજનમા આ વર્ષે ૬ ઍપ્રિલના રોજ મંડપ આરોપણ કરવામાં આવશે. ત્યારબાદ તા.૬, ૭ અને ૮ ઍપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મ કુંડ સુધી દરરોજ ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. તેમજ તા.૯ ઍપ્રિલના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે અને તા.૧૦ ઍપ્રિલના રોજ જાન કન્યાને લઇને રૂકિમણી મંદિરથી નીકળશે અને સાંજે ૪.૦૦ વાગે માધવરાયજી મંદિર પહોંચશે. આ દિવસે દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
પરેશ પારેખ
પોરબંદર
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
