<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ધોરાજીના યુવાનોને છેતરીને બેંગકોકમાં નોકરીના નામે ઓનલાઇન ફ્રોડના ષડયંત્રમાં ફસાવી દેવાયા!

સારામાં સારા પગારે એ.સી. ઓફિસમાં કોમ્‍પ્‍યુટર ઓપરેટર તરીકે કામ કરવાનું કહી ધોરાજી-રાજકોટના બે શખ્‍સોએ ફસાવ્‍યા ફસાઇ ગયાની ખબર પડતાં પરત જવાનું કહેતાં કંપનીએ પાસપોર્ટ રોકડ પડાવી કાઢી મુક્‍યાઃ રઝળતા-રખડતાં ત્રણેય આર્મીમેન પાસે પહોંચ્‍યાઃ ગૂગલ ટ્રાન્‍સલેટથી વાત કરી આપવીતી વર્ણવીઃ છેલ્લે ઇન્‍ડિયન એમ્‍બેસીની મદદથી પરત ધોરાજી આવ્‍યાઃ સિદ્દીક સૈયદે નોંધાવી ફરિયાદઃ ધોરાજીના રીઝવાન, રાજકોટના મેહુલ સામે ગુનો નોંધી સકંજામાં લેવાયાઃ બેંગકોકમાં ધોરાજીના યુવાનોને જ્‍યાં રખાયા ત્‍યાં બીજા ભારતીય યુવાનો પણ હતાં: ધોરાજીના યુવાનો કેવા ફસાઇ ગયા તેની કથનીઃ જબરૂ કારસ્‍તાન હોવાની શક્‍યતા ધોરાજીનો રીઝવાન અને રાજકોટનો મેહુલ સકંજામાં: પુછતાછ

રાજકોટ તા. ૫: ધોરાજીના બે મિત્રો સહિત ત્રણ યુવાનોને બેંગકોકમાં સારામાં સારા પગારની કોમ્‍પ્‍યુટર ઓપરેટરની નોકરીની લાલચ આપી ધોરાજી અને રાજકોટના બે શખ્‍સોએ રૂપિયા ઉઘરાવી બેંગકોક મોકલ્‍યા બાદ ત્‍યાં આ ત્રણેયને નોકરીના બદલે ઓનલાઇન ફ્રોડનું કામ સોંપાતા પોતે ફસાઇ ગયાની ખબર પડતાં નોકરી નથી કરવી તેમ જણાવતાં ત્રણેયના પાસપોર્ટ, રૂપિયા પડાવી લઇ કંપનીમાંથી બહાર કાઢી મુકતાં આ ત્રણેય આર્મીમેનની મદદથી જંગલ પસાર કરી બેંગકોક પહોંચી ઇન્‍ડીયન એમ્‍બેસીની મદદથી તત્‍કાળ પાસપોર્ટ બનાવડાવી પરત ધોરાજી આવતાં અને તેમને છેતરનારા પૈકીનો એક શખ્‍સ ધોરાજીમાં દેખાતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે બે શખ્‍સને સકંજામાં લીધા છે.

આ બનાવમાં ધોરાજી સીટી પોલીસે ધોરાજીમાં નાણાણીશા તકીયા ત્રણ દરવાજા પાસે રહેતાં સિદ્દીક જાફરમીયા સૈયદ (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી આ ગામના જ રીઝવાન જીકરભાઇ કપડવંજી અને રાજકોટના મેહુલ સામે ઠગાઇનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. સિદ્દીક સૈયદે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ગુજરાત સેલ નામે કાપડની દુકાન ચલાવુ છું. હું વષૈ ૨૦૨૪માં ધોરાજીની ગેલેક્‍સી એન્‍ટરપ્રાઇઝ  સેમસંગ પ્‍લાઝામાં ટેકનીશીયન, કોમ્‍પ્‍યુટર ઓપરેટર  તરીકે નોકરી કરતો હતો.

આ વખતે મારા મિત્ર અદનાન મુનાવર નાગાણીએ મને બેંગકોક ખાતે કોમ્‍પ્‍યુટર ઓપરેટર તરીકે નોકરીની સારી તક છે, પગાર પણ સારો મળે છે તેવી વાત કરી હતી. મારી આ નોકરીમાં પગાર ઓછો હોઇ જેથી મેં આ ઓફર ક્‍યાંથી આવી છે? તે પુછતાં મિત્રએ કહેલુ કે મારા પિતાને તેમના મિત્ર વર્તુળમાંથી વાત આવી છે. ધોરાજીનો રીઝવાન ધોરાજીના લોકોને બેંગકોકમાં સારામાં સારા પગારવાળી નોકરી અપાવે દે છે.  મિત્ર અદનાને રીઝવાન સાથે વ્‍હોટ્‍સએપમાં મેસેજથી વાત કરી હોઇ તે મને બતાવતમાં મને પણ નોકરીમાં રસ પડયો હતો. મને રીઝવાને ૬૦થી ૭૦ હજારની તૈયારી રાખવા કહ્યું હતું.

આ પછી રીઝવાને મને કોમ્‍પ્‍યુટર, ઇંગ્‍લીશની બેઝીક જાણકારી જરૂરી છે તેમ કહી અમુક રૂપિયા આપે તો ઝૂમ મીટીંગ દ્વારા ઇન્‍ટરવ્‍યુ કરાવવાની વાત કરતાં મેં હા પાડી હતી. પછી ઝૂમ એપ્‍લીકેશન ડાઉનલોડ કરતાં મને વ્‍હો્‌ટસએપ પર લિંક મોકલાઇ હતી. જેમાં હું એડ થઇ ગયો હતો.

ઇન્‍ટરવ્‍યુંમાં હું, મારો મિત્ર અદનાન અને કોઇસ્ત્રી ઇન્‍ટરવ્‍યુ લેનાર હતી. તેણીનો માત્ર અવાજ સંભળાતો હતો. મને મારુ આખુ નામ, કયા દેશથી છીએ, શું કામ કરીએ છીએ કે કામકાજનો અનુભવ કેટલો, ટાઇપીંગની સ્‍પીડ કેટલી વગેરે અંગ્રેજી ભાષામાં પુછાયુ હતું. પણ અમોને તુટીફુટી અંગ્રેજી ભાષા આવડતી હોઇ તે રીતે જવાબ આપ્‍યા હતાં.

બાદમાં ઇન્‍ટરવ્‍યુ પુરુ થતાં ઝૂમ મીટીંગમાંથી બહાર નીકળવાનું કહેવાયુ હતું. આ પછી અદનાન અને અબ્‍દુલ કાદીરના પણ ઇન્‍ટરવ્‍યુ લેવાયા હતાં. પછી ખબર પડી હતી કે રીઝવાને મારી અને અદનાન પાસેથી ૬૦ હજાર અને અબ્‍દુલ કાદીર પાસેથી ૭૦ હજાર મળી કુલ ૧,૯૦,૦૦૦ એજન્‍ટ તરીકે લીધા હતાં.

ત્રણેક દિવસ પછી રીઝવાન કપડવંજીએ મને ફોન કરી કહ્યું કે-તમે પેકીંગ, ખરીદી કરી લો, બીજી તૈયારી કરી લો તમે ઇન્‍ટરવ્‍યુમાં પાસ થઇ ગયા છો. તમારી ટિકીટ બૂક થઇ જશે. આ પછી બે દિવસ બાદ ધોરાજીનો અબ્‍દુલ કાદીર ત્રણ દરવાજે મળેલ ત્‍યારે તેણે પણ બેંગ્‍કોકની વાત રીઝવાને કરી હોવાનું કહ્યું હતું.

જો કે બે દિવસ બાદ અમારી ટિકીટ વીશે કોઇ રીપ્‍લાય ન થતાં અમે રિઝવાનને પુછતાં તેણે મેસેજથી કહેલુ કે ૧૦-૧૫ દિવસમાં ટિકીટ થઇ જશે તમે તૈયાર જ રહેજો, વ્‍હોટ્‍સએપણી સતત સંપર્કમાં રહેજો. એ પછી અમે રીઝવાનને નોકરી બાબતે સુવિધા બાબતે પુછતાં તો કહેતો કે એ.સી. ઓફિસમાં બેસવાનું, કોમ્‍પ્‍યુટરમાં કામ કરવાનું. મોલ ગાર્ડ રેસ્‍ટોરન્‍ટ સહિતની સુવિધાઓ છે. રીઝવાન વિડીયો કોલ કરી અમને બધુ બતાવતો હતો. અમે તેને તું વિડીયો કોલમાં બધુ છુપાવીને કેમ વાત કરે છે? પુછતાં તે કહેતો અહિ કામના કલાકો દરમિયાન મોબાઇલ રાખવાની મનાઇ છે!

આ પછી અમુક દિવસ બાદ રીઝવાનની  વાયદા આપવાની વાતો પર શંકા જતાં અમારી સાથે ઠગાઇ થયાનું લાગતાં અમે તેની સાથે વાત કરતાં તેણે તમે નારાજ ન થાવ, ટિકીટનું કામ શક્‍ય એટલુ ફટાફટ કરાવુ છું તેમ કહી તમારી નોકરીનું સેટ ન થાય તો તમારા પૈસા આપી દઇશ તેવુ કહ્યું હતુ.  આ પછી રીઝવાને વ્‍હો્‌ટસએપથી ટીકીટની પીડીએફ મોકલી હતી. મારી, અબ્‍દુલ અને અદનાનની મુંબઇથી વિયતનામ એરલાઇન્‍સની ટિકીટ હતી. ૧૩મી ડિસેમ્‍બરે અમે પહેલા રાજકોટ, ત્‍યાંથી મુંબઇ ટ્રેન મારફત પહોંચી ત્‍યાં એરપોર્ટ ગયા હતાં. ત્‍યારે રીઝવાને કહેલુ કે હું તમને મેહુલનો વ્‍હોટ્‍સએપ નંબર આપુ છું, તે બોસ છે અને તે તમને સુચના આપે એ મુજબ કરજો.

આ પછી અમે ૧૪ ડિસેમ્‍બરે મુંબઇથી વિયતનામ થઇ બેંગકોક બપોરે દોઢ વાગ્‍યે સ્‍વર્ણભુમિ એરપોર્ટ ખાતે ઉતર્યા હતાં. ત્‍યાંથી રીઝવાન, મેહુલે આપેલી સુચના મુજબ એરપોર્ટનું વાઇફાઇ કનેક્‍ટ કરી મેહુલના વ્‍હોટસએપ નંબર પર કોલ કરતાં  ઇમિગ્રેશન પુરુ કર્યા બાદ બહાર જતાં એક અજાણી ટેક્‍સી અમને લેવા આપી હતી. છએક કલાકની મુસાફરી બાદ અમને રાતે એક હોટેલમાં રોકાણ કરાવાયુ હતું. જ્‍યાં મેહુલે વ્‍હોટ્‍સએપથી બીજી ગાડીનો ફોટો અમને મોકલ્‍યો હતો. બીજા દિવસે બેંગકોકના સમય મુજબ સવારે આઠેક વાગ્‍યે અમે હોટેલથી નીકળી થાઇલેન્‍ડ મ્‍યાનમાર બોર્ડર સુધી પહોંચ્‍યા હતાં. અમે ટેક્‍સીવાળા સાથે વાત કરવા પ્રયાસ કર્યો પણ ભાષની જાણકારી ન હોઇ ઇશારા સિવાય વાત થઇ શકતી નહોતો.

ટેક્‍સીવાળાએ એક ત્રણ માળના મકાનમાં જવા ઇશારો કર્યો હતો. પણ અમને અહિ ફસાઇ ગયાનું લાગતાં અમે ડરી ગયા હતાંઉ આ મકાનમાં વાઇ-ફાઇ કનેક્‍ટ કરી અમે મેહુલને અમારે હવે નોકરી નથી કરવી તેમ કહેતાં મેહુલે કહેલુ કે મારી ગાડી ખરાબ છે નહિતર હું જ તમને લેવા આવવાનો હતો.

આ પછી અમે તેના પર વિશ્વાસ રાખી બોટ અને ગાડી મારફત મ્‍યાનમાર બોર્ડર ક્રોસ કરી હતી. બાદ કોઇ નામ વગરની મોટા ગેઇટવાળી કંપની તરીકે ઓળખાતી જગ્‍યા પર અમને લઇ જવાયેલ. એ પછી ડ્રાઇવર સહિત અમને ચારેયને એક મહિલા કે જે પોતાને એચ.આર. તરીકે ઓળખાવતી હતી તે અંદર લઇ ગઇ હતી. ત્‍યાં ઓફિસમાં એગ્રીમેન્‍ટ કરાવેલ.

જે થાઇ ભાષામાં હતું. અમે મેહુલને પુછતાં તેણે ભરોસો આપતાં અમે સહી કરી હતી. મેં અને અદનાને સહી કરી હતી. પણ અબ્‍દુલે ટાઇપીંગ કામ અને અંગ્રેજીમાં પુછાયેલા જવાબ સરખા ન આપતાં તેને વધુ તાલિમ માટે ૧૦ દિવસ ફાળવી આપ્‍યા હતાં. એ પછી એચ.આર. અને મેહુલને જો અબ્‍દુલ સાથે એગ્રીમેન્‍ટ ન થાય તો અમારે પણ કામ નથી કરવું તેવુ કહેલુે. પણ કોઇએ અમારુ સાંભળ્‍યુ નહોતું. અમને સીધા સ્‍ટાફને ફાળવેલા રૂમમાં શીફટ કરી દીધા હતાં. અહિ અમારા ત્રણ સિવયા બીજા ભારતીય લોકો પણ હતાં. જે નાઇટ ડયુટી કરીને આવ્‍યા હોઇ સુતા હતાં.  આ પછી અહિ નોકરી કરતાં લોકો પાસેથી માહિતી મળી હતી કે અહિ કેવુ ફ્રોડ થાય છે. કામની અને ટોર્ચરની વાતો સાંભળી અમે ડરી ગયા હતાં. મેહુલ, રીઝવાનને પાછા જવા માટે પુછતાં હતાં. કંપની દ્વારા મને ‘ડે', કાદીરને ‘મા' અને અદનાનને ‘માટી' નામ અપાયા હતાં. આ નામના સ્‍ટીકર લગાવેલા આઇફોન અમને આપ્‍યા હતાં.

અમને સોૈપ્રથમ શીખવાડાયુ હતું કે અમારે કોઇ છોકરીના નામ વાળી કોમન આઇડી પરથી કોઇપણ પ્રોફાઇલ જોવાની અને આગળ ફ્રોડ કરવા માટે દરેક વ્‍યક્‍તિએ ત્રણ કેરેક્‍ટર ડેવલોપ કરવાનુ ટાસ્‍ક અપાયેલ. પાંચ દિવસ અમારા કામમાં અમોએ જાતે કોઇ ફ્રોડ કર્યુ નહિ. આ સ્‍વિયા રીઝવાન અને મેહુલ પણ કંપની ખાતે આવ્‍યા નહોતાોં. રીઝવાન માટે તેના પરિવારે ધોરાજીથી મોકલેલ પાર્સ લેવા પણ રીઝવાન આવ્‍યો નહોતો.

અમે રીઝવાન, મેહુલને વોઇસ કોલથી અમારે અહિ કામ નથી કરવું તેમ કહ્યું હતું. પણ આ બંનેએ આશ્વાસન આપ્‍યુ હતું. આ પછી મેં અને અબ્‍દુલે કામ બંધ કરી દીધુ હતું, અદનાને કામ ચાલુ રાખ્‍યું હતું. મેં સુપરવાઇઝરને મારી વાઇફની તબીયત બગડી હોઇ પરત જવું પડશે તેમ કહેતાં અમારી ટીકીટ કરાવવાના બહાને અમારા પાસપોર્ટ, મોબાઇલ, રોકડ બધુ લઇ લીધુ હતું. કપડા સામાન સાથે અમને કંપનીની બહાર કાઢી મુક્‍યા હતાં.

પછી અમને કારમાં બેસાડી લઇ ગયેલ અને ખુબ હેરાન કર્યા હતાં. અમે ત્‍યાંથી નીકળી શક્‍યા નહોતાં. એક આર્મીમેને અમને અમારા પરિવાર સાથે વ્‍હોટ્‍સએપ કોલથી વાત કરાવી હતી. અમે ગૂગલ ટ્રાન્‍સલેટના ઉપયોગથી વાત કરી હતી. એ પછી અમે મે સોટ તરફ જંગલના રસ્‍તે ચાલીને નીકળ્‍યા હતાં.

ત્‍યાં સ્‍થાનીક અમારી ભાષા સમજતા નહોતાં. થાઇ આર્મીને અમે ગૂગલ ટ્રાન્‍સલેટથી અમારી આપવીતી જણાવતાં અમને જમવાનું, પાણી આપ્‍યું હતું. એ પછી ફોટા ખેંચી બેગ ચેક કરી આર્મી કેમ્‍પ તરફ લઇ જઇ બીજી ગાડીમાં ઇમિગ્રેશન ખાતે લઇ ગયા હતાં.

જ્‍યાં અધિકારીઓને અમે આપવીતી જણાવી હતી. પછી અમારા પરિવારના સભ્‍યો સાથે વાત કરાવી હતી. ત્‍યારબાદ રહેવા સહિતની વ્‍યવસ્‍થા કરાવી હતી. અમારા ઓળખીતાનો પટાયા સાથે સંપર્ક કરી બાદમાં ૮/૧/૨૫ના રોજ ઇમર્જન્‍સી પાસપોર્ટની મદદથી ઇન્‍ડિયન એમ્‍બસીએ અમને પ્રોસેસ પુરી કરાવી હતી અને ફલાઇટમાં રવાના કરતાં અમે પુના ખાતે પહોંચ્‍યા હતાં.

પુનાથી અમદાવાદ થઇ બાદમાં અમારા ઘરે આવ્‍યા હતાં. અત્‍યાર સુધી બદનામીના ડરે ફરિયાદ કરી નહોતી. પણ અમને ફસાવનારો રીઝવાન ધોરાજીમાં જોવા મળતાં અમે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં જણાવતાં પીઆઇ આર. જે. ગોધમે તપાસ હાથ ધરી બંને શખ્‍સોને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

(3:31 PM IST)