<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

બોટાદમાં પુત્રીને મળવા આવેલા પિતાને પત્ની અને સાસરિયાએ ઢીમ ઢાળી દીધો

યુવક પર હુમલો કરી તિક્ષણ હથિયારથી રહેંસી નાંખ્યો હતોઃ પોલીસ દ્વારા પત્ની સહિતની સાસરિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા

બોટાદઃ બોટાદ શહેરમાં બનેલાં હત્યાના એક કરૂણ બનાવમાં રિસામણે રહેલી પત્ની સાથે ગયેલી દોઢ વર્ષની પુત્રીને રમાડવા સાસરે ગયેલાં બોટાદમાં જ રહેતાં યુવકની તેના પત્ની અને સાસરિયાઓએ એકસંપ કરી યુવક પર હુમલો કરી તિક્ષણ હથિયારથી રહેંસી નાંખ્યો હતો. હત્યાના પગલે પોલીસે પત્ની સહિતની સાસરિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોટાદ શહેર સહિત સંમગ્ર પંથકમાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, બોટાદની રાંગણી શેરીમાં રહેતા કિશોરભાઈ વિનુભાઈ જતાપરાના લગ્ન 3 વર્ષ પહેલા બોટાદમાં રહેતા ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળાની દીકરી ઉર્વશીબેન સાથે થયા હતા અને તેમને સંતાનમાં દોઢ વર્ષની દીકરી જેન્સી છે. જો કે, પત્ની દોઢ મહિનાથી રિસામણે પિયર રહેતી હોવાથી પતિ કિશોરભાઈ તેમની પુત્રીને રમાડવા માટે તેમના સસરાના ઘરે જતા હતા. ત્યારે તેમના સાસરિયાઓ તેમને છરી હુલાવી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. દરમિયનમાં ગત શુક્રવારે મોડીસાંજે કિશોરભાઈ તેમના સસરાના ઘરે ગયા હતા,ત્યારે તેમના પત્ની ઉર્વશીબેન, સસરા ધર્મેન્દ્રભાઈ, સાસુ ખુશીબેન અને સાળા હાદકે કિશોરભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને તમામે ઉશ્કેરાઈને એકસંપ કરી છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ હુમલો કરતા કિશોરભાઈને ગંભીર હાલતે સારવાર અર્થે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવમારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પરિણ્મ્યો હતો.આ બનાવની જાણ થતા બોટાદ પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જયારે, મૃતકના બહેન આરતીબેન અશોકભાઈ રાઠોડેે તેમના સસરા ધર્મેન્દ્ર હર્ષદભાઈ વાળા, સાસુ ખુશીબેન ધર્મેન્દ્રભાઈ વાળા, પત્ની ઉર્વશીબેન અને સાળા હાદક ધર્મેન્દ્રભાઈ વાળા વિરૂદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં તેમના ભાઈ પર તિક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી.


 

(11:33 AM IST)