<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

કચ્છનું અંજાર બન્યું અયોધ્યા: રામ રથ યાત્રામાં અડધા લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

ભગવાન રામના પાંચ આદર્શોના સંકલ્પ સાથે રામ નવમીની ઉજવણી, ૬ કિમી લાંબી, ૭૮ ઝાંખીઓ સાથેની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ :  રામનવમીના પવિત્ર દિવસે કચ્છનું  અંજાર શહેર અયોધ્યા સમું બન્યું હતું. અહીં ભગવાન રામના ૫ આદર્શોના સંકલ્પ સાથે યોજાયેલી રામ રથ યાત્રામાં અડધો લાખથી યે વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, નાગરિક કર્તવ્ય, કુટુંબ પ્રબોધન અને સ્વદેશી ભાવ જાગરણ આ પાંચ આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લઈ  ૪૧ મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળી હતી. બપોરે અઢી વાગ્યે દબડા રાજા દાદા કાપડી મંદિરેથી સામૈયું નીકળી સવાસર નાકે રઘુનાથજી મંદિરે પહોંચ્યું હતું. ત્યાંથી સ્વામિનારાયણ મંદિરે આયોજિત ધર્મસભામાં બાદ મહાઆરતી સાથે ૪ વાગ્યે શોભાયાત્રા શરૂ થઈ હતી. ૫૦ હજારથી યે વધુ ભાવિકો સાથેની ૬ કિમીની રોશનીથી શોભતી શોભાયાત્રા, અને સમગ્ર શહેરમાં કરાયેલ લાઇટિંગ અને સુશોભન તેમ જ શોભાયાત્રામાં ધાર્મિક પ્રસંગોની ઝાંખી કરાવતા ૭૮ ફ્લોટ્સે અંજાર શહેરને અયોધ્યા સમ બનાવી દીધું હતું. સખત ગરમી વચ્ચે માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. આ શોભાયાત્રા દરમ્યાન ઊભા કરાયેલ ૪૦ થી વધુ સેવાકેમ્પમાં ઠંડી છાશ, ફ્રુટ જ્યુસ, પાણીનું વિતરણ કરાયું હતું. સાથે અબોલ જીવો માટે પાણીના કુંડીઓ તેમ જ ચકલી ઘરોનું વિતરણ કરાયું હતું.

(1:15 PM IST)