News of Tuesday, 8th April 2025
'શૌર્યભૂમિ' રાણપુર ખાતે ‘ગાંધી સ્મૃતિ’ સ્મારકનું લોકાર્પણ 100 વર્ષ પૂર્વે -- 02 એપ્રિલ 1925ના રોજ રાણપુરમાં મહાત્મા ગાંધીનાં પાવન પગલાં પડેલાં ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની મહાત્મા ગાંધી સાથેની સૌ પ્રથમ મુલાકાત અહીં થઈ હતી

રાજકોટ તા.૮ : ધોલેરા સત્યાગ્રહ–સિંધુડોની 95મી જયંતી અવસરે શૌર્યભૂમિ રાણપુર (જિ. બોટાદ) સ્થિત શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ (તે સમયનો સૌરાષ્ટ્ર-ફૂલછાબ પ્રેસ) ખાતે અનન્ય અને અનોખું ગાંધી સ્મૃતિ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજથી 100 વર્ષ પૂર્વે -- 02 એપ્રિલ 1925ના રોજ રાણપુરમાં મહાત્મા ગાંધીનાં પાવન પગલાં પડેલાં ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની મહાત્મા ગાંધી સાથેની સહુપ્રથમ મુલાકાત અહીં થઈ હતી. સૌરાષ્ટ્રના સિંહ તરીકે ઓળખાતા અગ્રગણ્ય પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની અમૃતલાલ શેઠ દ્વારા 1921માં સ્થાપિત સૌરાષ્ટ્ર-ફૂલછાબ પ્રેસના કાર્યાલયમાં ત્યારે ગાંધીજીનો ઉતારો હતો. અહીં આવેલ ઐતિહાસિક લીમડા હેઠળ બેસીને ગાંધીજી સાથે અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીએ દેશની આઝાદી અંગે મનોમંથન કર્યું હતું. આથી આનું સવિશેષ મહત્વ રહ્યું.
આ ઐતિહસિક ઘટનાની શતાબ્દી નિમિત્તે ગાંધી સ્મૃતિ સ્મારકમાં ઐતિહાસિક લીમડાની જતનપૂર્વક જાળવણી ઉપરાંત મહાત્મા ગાંધી, સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની મનોરમ્ય અર્ધ-પ્રતિમાઓ, કલાત્મક તકતી, ચિત્ર પ્રદર્શન તથા કલમ અને કિતાબ સાહિત્ય-કોર્નરની સ્થાપના કરવામાં આવી છે. ગાંધી સ્મૃતિ સ્મારકના લોકાર્પણ બાદ પદયાત્રા અંતર્ગત પોલીસ સ્ટેશન પાસે આવેલ મેઘાણી-પ્રતિમા અને સ્વ. જતીનભાઈ મનુભાઈ શેઠ માર્ગની તકતીને પુષ્પાંજલિ તથા સ્મરણાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, અમૃતલાલ શેઠ પરિવારના પૌત્રવધૂ પૂર્ણાબેન જતીનભાઈ શેઠ, પ્રપૌત્ર અમરભાઈ અને રિષભભાઈ, પ્રપૌત્રવધૂ ચરિશ્માબેન, વીર, અમાયા અને કિરણભાઈ રતિભાઈ શેઠ, અભિનેતા-શિલ્પકાર મયુરભાઈ વાકાણી, લેખક, સંશોધક અને ફૂલછાબના તંત્રી જ્વલંતભાઈ છાયા, નાટ્યકાર રાજુભાઈ ભરતભાઈ યાજ્ઞિક, શિલ્પકાર હેમાલીબેન વાકાણી, નિર્માણ-બાંધકામ ક્ષેત્રમાંથી હેમંતભાઈ શાહ, નરેન્દ્રભાઈ અને નેહાબેન ફુરિયા, સચિનભાઈ અને રૂપાબેન શાહ, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, નરેન્દ્રભાઈ દવે, પ્રકાશભાઈ સોની, રાજેશભાઈ શાહ, ગજેન્દ્રભાઈ બગરીયા, ઉમંગભાઈ વડોદરીયા અને વામનભાઈ સોલંકી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના પ્રમુખ ગોવિંદસિંહ ડાભી અને મંત્રી હરદેવસિંહ રાણા, શિક્ષણ જગતમાંથી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા) અને મહિપતસિંહ વાઘેલા, અનિલભાઈ ચૌહાણ, રાજેન્દ્રજી, વિલાસબા પરમાર, અનિલભાઈ ગોહિલ, દિપકકુમાર મકવાણા અને કિશોરભાઈ કણજરીયા, નરેન્દ્રભાઈ શાહ, હબલભાઈ ચુડાસમા, રમેશભાઈ બદ્રેશિયા, ઘનશ્યામભાઈ શેખ, ડો. સુમનભાઈ પૂજારાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આપણાં સ્વાતંત્ર્ય-સંગ્રામ અને તેમાં નામી-અનામી શહીદ-વીરો અને સ્વાતંત્ર્ય-સેનાનીઓએ આપેલ આહુતિ અને બલિદાનથી નવી પેઢી પરિચિત-પ્રરિત થાય તે આશયથી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. પ્રેરિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ગાંધી સ્મૃતિ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL)નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. પૂર્ણાબેન જતીનભાઈ શેઠ - શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. શિલ્પ-સ્થાપત્ય ખ્યાતનામ શિલ્પકારો મયુર વાકાણી, આનંદ ટીકે અને હેમાલી વાકાણી (અમિત ફાઈબર ડેકોર)એ તૈયાર કર્યા છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાણાં, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તથા પ્રવાસન, સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાનો શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળોને સુયોગ્ય રીતે વિકસાવીને જીવંત કરવા બદલ પિનાકી મેઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી કનુભાઈ દેસાઈ અને મુળુભાઈ બેરા તથા ગુજરાત સરકારનો હ્રદયથી આભાર માન્યો છે.
(આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી • ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. 9825021279)
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
