News of Tuesday, 8th April 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં હનુમાન જયંતી મહોત્સવ
સુવર્ણ વાઘાનો શ્રૃંગાર, સમુહ આરતી, અન્નકુટ સહિતના કાર્યક્રમોઃ પૂ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ આર્શીવચન પાઠવશે

રાજકોટ, તા., ૮ : જગ વિખ્યાત સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના સાનિધ્યમાં તા.૧રને શનિવારે હનુમાન જયંતી મહોત્સવ ધામધુમથી ઉજવાશે. હનુમાન જયંતિના પાવન પ્રસંગે તા. ૧૧મીએ સવારે ૭.૩૦ કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવશે જેમાં ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવશે. બપોરે ૪ કલાકે કળશ યાત્રા યોજાશે
જેમાં ૪ હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થશે. હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરશે. ૨૫૧ પુરૂષ-મહિલા ભક્તો સાફા ધારણ કરીને દાદાને રાજી કરશે. ૧૦૮ બાળકો દાદાના વિજયી ધ્વજને લહેરાવશે. આ તકે આફ્રિકન સીદ્દી ડાન્સ જબરદસ્ત આકર્ષણ જમાવશે. જેમાં ડી.જે. નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમો ભક્તોને મંત્રમુગ્ધ કરશે. આ તકે ૨૫૧ કિલો પુષ્પ અને ૨૫,૦૦૦ ચોકલેટો સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે. રાત્રે ૮.૩૦ કલાકે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજાશે
જેમાં હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે અને ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કરાશે. રાત્રે ૯ કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વીથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે અને કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે. તા. ૧૨ને શનિવારે સવારે ૫ કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાશે, ૭ કલાકે કષ્ટભંજનદેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપશે. સવારે ૭.૩૦ કલાકે ૫૧,૦૦૦ બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે.
૨૫૦ કિલો કેકનું કટીંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠશે. આ દરમ્યાનમાં સવારે ૭ વાગ્યે સમુહ મારૂતી યજ્ઞનું પણ આયોજન કરાયું છે જેમાં આચાર્ય રાકેશપ્રસાદદાસ સમૂહ યજ્ઞવિધિમાં લાભઆપશે અને ૧૦૦૦થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે.
બપોરે ૧૧ કલાકે મહાઅન્નકૂટ યોજાશે અને દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે ૧૦ કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થઈ જશે. સાંજે ૭ કલાકે મહા સંધ્યા આરતી યોજાશે જેમાં હજારો દિવડાઓ દ્વારા સામુહિક કષ્ટભંજનદેવની સંતો-ભક્તો દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે. આ વૈવિધ્યસભર મહોત્સવમાં દાદાના દર્શન કરવા તમામ ભક્તજનોને પરિવાર અને મિત્રમંડળ સાથે ઉપસ્થિત રહેવા કોઠારી વિવેકસાગરદાસ એ અનુરોધ કર્યો છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
