<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

હરિપર પાળની ધોરણ-૯ની છાત્રા રાજકોટ શાળામાંથી પરિક્ષા આપી નીકળ્‍યા બાદ ગૂમ

શોધખોળ છતાં પત્તો ન મળતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇઃ પિતાની ફરિયાદ પરથી અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્‍યો

રાજકોટ તા. ૯: લોધીકાના હરિપર પાળ ગામે રહેતી અને રાજકોટમાં ધોરણ-૯માં અભ્‍યાસ કરતી બાળા પરિક્ષા આપીને શાળાએથી નીકળ્‍યા બાદ લાપત્તા થતાં અને શોધખોળ છતાં પત્તો ન મળતાં પિતાએ જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસે બાળાના પિતાની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૩૭ (૨) મુજબ તેની ૧૪ વર્ષની દિકરીનું અપહરણ કરી જવાનો ગુનો નોંધ્‍યો છે. ફરિયાદી મજૂરી કરી ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક દિકરી તથા એક દિકરો છે. જેમાં દિકરી મોટી છે અને રાજકોટની શાળામાં ધોરણ-૯માં અભ્‍યાસ કરે છે. સમોવારે તા. ૭ના સવારે નવેક વાગ્‍યે તે કામ પર હતાં ત્‍યારે શાળામાંથી શિક્ષીકાએ ફોન કરી તમારી દિકરી વાર્ષિક પરિક્ષા હોવા છતાં પરિક્ષા આપવા હજી કેમ નથી આવી? તેમ કહેતાં તેણે ઘરે તપાસ પોતાના મોટા બહેનને ફોન કરી દિકરી વિશે તપાસ કરવા કહેતાં ફઇએ ઘરે જઇ જોતાં તેણી ઘરે હોઇ પરિક્ષા આપવા જવાનું કહેતાં તે ઘરેથી પરિક્ષા આપવા નીકળી ગઇ હતી.

પરંતુ મોડે સુધી બાદમાં ઘરે ન આવતાં ફરીથી તેણીના શિક્ષીકાને પુછતાં તેમણે તમારી કિદરી પરિક્ષા આપીને સાડા અગિયારે નીકળી ગઇ છે તેવુ કહ્યું હતું. આ પછી તે મોડે સુધી ઘરે ન આવતાં શોધખોળ શરૂ રાઇ હતી. બસ સ્‍ટેશન, સગા સંબંધીને ત્‍યા તેમ ઘણી જગ્‍યાએ તપાસ કરવા છતાં ન મળતાં પોલીસને જાણ કરાઇ હતી. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણાએ અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:29 PM IST)