News of Thursday, 10th April 2025
કચ્છ યુનિવર્સિટી દ્વારા પીએચડી પ્રવેશ પરીક્ષા પૂર્ણ
૬૨૭ છાત્રો પૈકી ૨૨૬ ને પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ, જ્યારે પ્રવેશ પરીક્ષા આપનાર ૩૨૫ પૈકી ૧૪૫ ઉત્તીર્ણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : કાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે પીએચડી પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કા એટલે કે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ 2025 માટે કુલ 627 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાંથી 226 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નિયમો મુજબ પ્રવેશ પ્રક્રિયાથી મુક્તિ મળી હતી, જ્યારે 401 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવાની હતી. આ પરીક્ષા 6 એપ્રિલ 2025 ના રોજ કચ્છ યુનિવર્સિટી ના ડી બ્લોકમાં સવારે 11:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાઈ હતી.
કચ્છ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, પીએચડી પ્રવેશ પરીક્ષામાં કુલ 401 વિદ્યાર્થીઓમાંથી 325 વિદ્યાર્થીઓએ 20 વિષયોમાં પરીક્ષા આપી.
પરીક્ષાનું સંચાલન કચ્છ યુનિવર્સિટીની પરીક્ષાનિયામક અને ઇન્ચાર્જ કુલસચિવ ડૉ. તેજલ શેઠના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, પરીક્ષાનું આયોજન શાંતિ અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
પ્રશ્ન પેપરની આન્સર કી અને પ્રોવિઝનલ રીઝલ્ટ કચ્છ યુનિવર્સિટીની વેબસાઈટ પર પરીક્ષા પૂર્ણ થયાના ચાર કલાકની અંદર જ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને તેમના દ્વારા ભરાયેલ OMR સીટો ની કોપી તેમના ઈમેલ પર મોકલવામાં આવી હતી.
પ્રકાશિત થયેલા પ્રોવિઝનલ રીઝલ્ટ મુજબ, કુલ 325 વિદ્યાર્થીઓમાંથી 145 વિદ્યાર્થીઓ પીએચડી પ્રવેશ પરીક્ષામાં પાસ થયા, એટલે કે 44.6% સફળતા રેટ રહી.
પ્રોવિઝનલ રીઝલ્ટની જાહેરાત બાદ, યુનિવર્સિટી દ્વારા 9 એપ્રિલ 2025 સુધી વિદ્યાર્થીઓને પ્રશ્ન પેપર, આન્સર કી અને પરિણામમાં કોઈ પ્રશ્ન હોય તો રજૂઆત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી એ ખાતરી આપી છે કે વિદ્યાર્થીઓની જેન્યુન રજૂઆતને ધ્યાનથી પહોંચીવળીને, નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ, પીએચડી પ્રવેશ પરીક્ષા 2025 નું ફાઇનલ રીઝલ્ટ જાહેર થશે, અને તે પછી, પીએચડીની આગળની પ્રવેશ પ્રક્રિયા જેવી કે પર્સનલ ઇન્ટરવ્યૂ અને આરએસી પ્રેઝન્ટેશન, જે તે વિષયના વિભાગો દ્વારા યોજાશે.
મે 2025 સુધી, મેરીટ લિસ્ટ અને આરએસીમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પીએચડી માટે પ્રવેશ આપવામાં આવશે.
કચ્છ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિભાગના વડા ડૉ. ગૌરવ ચૌહાણ એ જણાવ્યું હતું કે પીએચડી પ્રવેશ પરીક્ષા 2025 નું પરિણામ છેલ્લા વર્ષોની તુલનામાં વધુ શ્રેષ્ઠ છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પરીક્ષામાં માત્ર કચ્છજ નહીં, પરંતુ ગુજરાત અને ભારતભરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જે આ કચ્છ યુનિવર્સિટીની રાષ્ટ્રીય પ્રતિષ્ઠાને દર્શાવે છે. આ શ્રેય કચ્છ યુનિવર્સિટીના પીએચડી ગાઈડ્સને જાય છે, જેમણે ઉચ્ચતમ સ્તરીય રિસર્ચ કાર્ય કરવામાં મદદરૂપ થવામાં યોગદાન આપ્યું છે.
ડૉ. ચૌહાણે ઉમેર્યું કે, જ્યારે વધુ વિદ્યાર્થીઓ કચ્છ યુનિવર્સિટીમાં પીએચડી અભ્યાસ શરૂ કરશે, ત્યારે તેનો સીધો ફાયદો કચ્છ યુનિવર્સિટીના રિસર્ચ, ઈનોવેશન અને ડેવલોપમેન્ટ ક્ષેત્રે મળશે. આથી, યુનિવર્સિટીને નેક, એનઆઈઆરએફ અને જીએસઆઇઆરએફ જેવા વિવિધ મૂલ્યાંકનોમાં લાભ થશે અને સારા ગ્રેડ પ્રાપ્ત થશે.
આ ઉપરાંત, પીએચડી અભ્યાસમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ શિષ્યવૃત્તિઓ અને ફેલોશીપ માટે અરજી કરી શકશે, અને યૂનિવર્સિટીમાં વધુ રિસર્ચ સકોલર અને ફંડ આવે તેવી શક્યતા રહેશે.
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલે સફળતાપૂર્વક પીએચડી પ્રવેશ પ્રક્રિયા આયોજિત કરવા માટે ડૉ. તેજલ શેઠ તથા તેઓ સાથે જોડાયેલ આ પીએચડી પ્રવેશ પરીક્ષા ની કામગીરી કરનાર સંપૂર્ણ ટીમ, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિભાગને પરીક્ષાની કામગીરી બદલ અને ખાસ કરીને પીએચડી પ્રવેશ પરીક્ષામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને સહયોગ આપવા બદલ અભિનંદન આપ્યા, તેમજ પરીક્ષામાં પાસ થયેલા અને પરીક્ષામાંથી મુક્તિ પામેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી. તેમણે પીએચડીની આગળની પ્રક્રિયાની શ્રેષ્ઠ કામગીરી માટે પ્રેરણા આપી, અને કચ્છ વિસ્તાર તથા ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે આશીર્વાદ પાઠવ્યા.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
