તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Thursday, 10th April 2025
લો બોલો :ભાવનગર કોર્ટ પરિસરમાં નશાખોરે ધમાલ મચાવી :બેદરકારી બદલ ત્રણ મહિલા સહિત ચાર પોલીસકર્મી સસ્પેન્ડ
વકીલોના સંગઠને ઉગ્ર રજૂઆત કર્યા બાદ કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ

ભાવનગર કોર્ટના પરિસરમાં એક વ્યક્તિએ નશાની હાલતમાં આવીને ભારે ધમાલ અને હોબાળો મચાવ્યો હતો, જે ઘટનાને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને કાર્યવાહી કરી હતી. વકીલોના સંગઠને ઉગ્ર રજૂઆત કર્યા બાદ કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના મામલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ ત્રણ મહિલા સહિત ચાર પોલીસ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઘટનાની માહિતી અનુસાર, ગત સોમવારે ભાવનગર કોર્ટ પરિસરમાં કિશોરસિંહ ઉર્ફે ઋત્વિક રાજેન્દ્રસિંહ ગોહિલ નામનો એક વ્યક્તિ નશાની હાલતમાં મુદ્દત માટે હતો. તેણે કોર્ટમાં પ્રવેશ કરીને કોર્ટના કમ્પાઉન્ડમાં ભારે ધાંધલ-ધમાલ મચાવી હતી. એટલું જ નહીં, તેણે ચેમ્બરના દરવાજા પર લાતો મારી હતી અને મુદ્દત આપવા માંગણી કરી હતી. આ દરમિયાન, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ધમાલ મચાવનાર શખ્સને પકડી લીધો હતો. તેની વિરુદ્ધ નશો કરેલી હાલતમાં હોવાનો પ્રોહી. એક્ટનો ગુનો દાખલ કર્યો હતો.
આ ઘટના બન્યા બાદ, ભાવનગર બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ પરિસરમાં પોલીસની સુરક્ષામાં મોટી ખામીઓ હોવાનો આરોપ લગાવ્યો હતો અને તાત્કાલિક કોર્ટ સંકુલમાં વધુ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા અંશુલ જૈને સમગ્ર ઘટનાની તપાસ ડીવાયએસપી આર.આર સિંઘાલને સોંપી હતી. તપાસની આ કાર્યવાહી વચ્ચે, રેન્જ આઈજી ગૌતમ પરમાર, કાર્યકારી એએસપી અંશુલ જૈન અને ડીવાયએસપી સિંઘાલે કોર્ટની અચાનક મુલાકાત લીધી હતી અને કોર્ટ સંકુલની સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું.
ત્રણ દિવસ પહેલાં કોર્ટ પરિસરમાં એક નશાખોરે હોબાળો મચાવ્યો હતો, તે ઘટનામાં ફરજમાં બેદરકારી દાખવવા બદલકાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હેડ કર્વાટરના મહિલા પોલીસ કોન્સ્ટેબલ જલ્પાબેન બાલાભાઈ પડયા, જાગૃતિબેન ભગવાનભાઈ જાની, ઉમલાબેન સોનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ વલ્લભભાઈ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગેનો આદેશ જારી કરવામાં આવતા પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
