News of Thursday, 10th April 2025
વિસાવદરમાં કાલે મુખ્યમંત્રીના આગમન ટાણે જ ઈકોઝોન સહિતના મુદ્દે રૂબરૂ રજૂઆત કરવા સૌને હાજર રહેવા કોંગ્રેસે આહવાન કરતા વહીવટીતંત્ર ચોંકયુ
વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વેની મુખ્યમંત્રીના કાર્યક્રમથી રાજકીય ગરમાવોઃ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનો ગામેગામ સતત ઝંઝાવાતી પ્રવાસ વચ્ચે મતક્ષેત્રમાં ગતિવિધિઓ તેજઃ ભારે ઉત્કંઠા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧૦: વિસાવદરમાં આવતીકાલે મુખ્યમંત્રીના આગમન ટાણે જ ઈકોઝોન સહિતના મુદ્દે રૂબરૂ રજૂઆત કરવા સૌને હાજર રહેવા કોંગ્રેસે આહવાન કરતા વહીવટીતંત્ર સતર્ક બન્યુ છે.
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વેની મુખ્યમંત્રીના કાર્યક્રમથી રાજકીય ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ગામેગામ સતત ઝંઝાવાતી પ્રવાસ ખેડી રહ્યા છે. જેના પરિણામે સમગ્ર વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાં ગતિવિધિઓ તેજ બની છે.
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના જણાવ્યા અનુસાર આવતીકાલ તા.૧૧-૪-૨૦૨૫ શુક્રવારના રોજ વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિવિધ પ્રકલ્પના ઉદ્ધઘાટન અને શિલાન્યાસ માટે પધારવાના હોયતો આ કાર્યક્રમમા પધારવા જાહેર જનતાને ભાવભર્યુ આમંત્રણ છે. કાર્યક્રમ તા.૧૧ શુક્રવાર, સમયઃ સવારે ૯:૩૦ કલાકે, સ્થળઃ શ્રી કેશુભાઇ પટેલ માર્કેટીંગ યાર્ડ, માંડાવડ, તા.વિસાવદર ખાતે કાર્યક્રમનુ આયોજન કરાયુ છે.
દરમિયાન વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડદોરીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મુકી જાહેર કર્યુ છે કે, અતિવળષ્ટિ સહાય જમીનમાપણી રદ તેમજ ઈકોઝોન નાબૂદી જેવા વિસાવદર ભેંસાણ જૂનાગઢના પ્રાણ પ્રશ્નો અંગે વિસાવદર આવતા આપણા મુખ્યમંત્રીને આપણે સૌ સાથે મળીને રજૂઆત કરવા જવા સૌ સાથે પધારો તેવી અપીલ છે.
વસાવદર ખાતે મુખ્યમંત્રીશ્રીના આગમન ટાણે જ કોંગ્રેસે મુખ્યમંત્રી સમક્ષ ઈકોઝોન સહિતના મુદ્દે રજૂઆત કરવા સૌને પધારવા આહવાન કરતા વહીવટીતંત્ર સમયસૂચકતાના આગોતરા આયોજન સંદર્ભે એલર્ટ બન્યુ છે.
કોંગ્રેસે જાહેર કરેલા ઈકોઝોન સહિતના મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી જોડાશે કે, કેમ..? તે અંગે પણ વ્યાપક લોકચર્ચાઓ છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિસાવદર આવી રહ્યા હોય, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો-કાર્યકરો-સમર્થકોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે. (રર.૧૦)
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
