<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આછા વાદળા-પવનના સુસવાટાઃ ગિરનાર રોપ-વે બંધ

મહત્તમ તાપમાનમાં સામાન્‍ય ઘટાડોઃ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્‍યુ

ગોંડલ : ગોંડલમાં બપોરે પેલેસ રોડ પર ગરમીને હિસાબે રોડ ખાલી ખમ દેખાયો છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)
રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચછમાં આછા વાદળા સાથે પવનના સુસવાટા ફુંકાઇ રહ્યા છે. અને ગિરનાર રોપ-વે  પવનના કારણે બંધ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૪.પ, મહત્તમ તાપમાન ૩પ.૮, ભેજનું પ્રમાણ ૮૦ ટકા, પવનની ગતિ ૧૧ કિ. મી. રહી હતી.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ..  જુનાગઢ સહિત સોરઠના વાતાવરણમાં સવારથી પલટો આવતાની સાથે પવન ફુંકાવો પણ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

ગઈ તારીખ ૧લી એપ્રિલથી જૂનાગઢના મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હતો. આખરે ૧૦ દિવસ બાદ ગુરુવારે તાપમાનનો પારો ૩.૫ ડિગ્રી ઘટીને ૩૯.૮ ડિગ્રીએ આવી ગયો હતો. જેના પરિણામે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. ગરમીનું જોર ઘટવાથી જૂનાગઢનું રાત્રે તાપમાન પણ ઘટીને ૨૭.૨ ડિગ્રી થઈ ગયું હતું. જોકે આજે સવારે લઘુતમ તાપમાન ૨૪.૭ ડિગ્રી નોંધાયું હતું.

બીજી તરફ સવારથી વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. અને આ સાથે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૮.૩ કિલોમીટરની થઈ જતાં ઉકળાટ વધ્‍યો હતો જેમાં પરિણામે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.

જુનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત પર પણ ઝંઝાવાતી પવન ફૂંકાતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્‍યાને રાખી સવારથી ગિરનાર રોપ-વે બંધ રાખવામાં આવ્‍યો હતો. જ્‍યારે પવનની ગતિ સામાન્‍ય થયા બાદ રોપ-વે રાબેતા મુજબ કરવામાં આવશે તેમ કંપનીના સૂત્રોએ જણાવ્‍યું હતું.

(1:24 PM IST)