<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

વિસાવદરથી આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીનો કર્યો શંખનાદ : મહાસંમેલનમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિનું એલાન

આ મહાસંમેલન-૨૦૨૭માં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે:ભાજપ આવનારા ૭૦ વર્ષમાં પણ વિસાવદરથી ચૂંટણી જીતી શકશે નહીં: સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે ત્યારે ૯૦૦૦ સીટો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવશે: ગોપાલ રાય: ડબલ એન્જિનની સરકાર નહીં પરંતુ ધક્કા ગાડીની સરકાર છે અને આ સરકારને હવે કાઢવાનો સમય આવી ગયો છે: ગોપાલ ઇટાલીયા:સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પુરી તૈયારીઓ કરીને આપણે ઉમેદવારોની પસંદગી ચાલુ કરી દઈશું: 2017ની ચૂંટણી મહાભારતથી કમ નહીં હોય: ઇસુદાન ગઢવી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર: આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં મહાસંમેલન યોજીને ૨૦૨૭ની ચૂંટણીનો શંખનાદ કર્યો છે. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. 

   આ કાર્યક્રમ દ્વારા આમ આદમી પાર્ટી એ પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી હતી અને વિસાવદરની ચૂંટણી તથા ત્યારબાદ આવનારા કાર્યક્રમો અને અભિયાનોની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાત પડકારોનો સામનો કરી રહ્યું છે. આવા સમયમાં લોકો પૂછી રહ્યા છે કે ભાજપની સામે વિકલ્પ કયો છે? પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં ભાજપ જરૂરી નહીં પરંતુ મજબૂરી છે, અત્યાર સુધી લોકોએ ભાજપને મજબૂરીમાં વોટ આપ્યા છે. પરંતુ હવે બદલાવની શરૂઆત થઈ ગઈ છે અને એટલા માટે જ આજે વિસાવદરની ધરતી પર સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓના લોકો આજે ઉપસ્થિત છે. 

   ગુજરાતમાં એક મિથ્યા હતી કે ગુજરાતમાં લોકો ત્રીજા પક્ષને અપનાવતા નથી પરંતુ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં લોકોએ આમ આદમી પાર્ટીને ૪૧ લાખથી વધુ વોટ આપ્યા ત્યારે નક્કી થઈ ગયું કે લોકો ત્રીજા પક્ષને અપનાવે પણ છે અને ત્રીજો પક્ષ જીતી પણ શકે છે. ગુજરાતના લોકોએ ૪૧ લાખ લોકોએ આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારોને જીતાડીને ધારાસભ્ય બનાવ્યા અને ૩૯ સીટો પર આમ આદમી પાર્ટી બીજા સ્થાન ઉપર રહી. ઘણી જગ્યા પર આપણે ૫૦૦ અને ૧૦૦૦ના માર્જિનથી ત્રીજા નંબરે રહ્યા હતા. આના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષી જીતી શકે છે. આજનું આ સંમેલન ૨૦૨૭માં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે. આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનું અપમાન થઇ રહ્યું છે, મહિલાઓનું અપમાન થઇ રહ્યું છે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે અને તેમનામાં ભયની લાગણી છે, દલિતોનો અપમાન થઇ રહ્યું છે, આદિવાસીઓનું અપમાન થઇ રહ્યું છે, વેપારીઓ પણ બોલતા ડરે છે કારણ કે તેમના વેપાર ધંધા પર સંકટ આવી શકે છે. ભાજપના આ ડરના શાસનને ૩૦ વર્ષ થવા આવ્યા. આપણે જોયું છે કે જ્યારે પણ અન્યાય અને અત્યાચાર વધે છે ત્યારે ગુજરાતે પરિવર્તનની દિશા અપનાવી છે. ગુજરાતમાં અગાઉ કોંગ્રેસની સરકારમાં ૩૦ વર્ષ સુધી લોકોએ અત્યાચાર થયો અને ત્યારબાદ પરિવર્તન લાવીને કોંગ્રેસને સત્તાથી દૂર કરી અને હવે ફરીથી ૩૦ વર્ષ થવા આવ્યા છે, અન્યાય અત્યાચાર અને ડરનો જે ઘડો ભરાયો છે તે ઘડો હવે ફૂટવાનો છે. હવે અત્યાચારી ભાજપ સરકારને ઉખાડીને ફેંકી દેવાનો સમય આવી ગયો છે અને આની શરૂઆત થશે વિસાવદરથી.
આમ આદમી પાર્ટીએ પોતાની રણનીતિ બનાવી દીધી છે અને ત્રણ અલગ અલગ ચરણમાં ૨૦૨૭ સુધી અમારું અભિયાન ચાલશે. હાલ ક્વોટર ફાઇનલની ચૂંટણી છે, સેમી ફાઈનલ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાશે અને ફાઇનલ મેચ આપણે ૨૦૨૭માં વિધાનસભા ચૂંટણીમાં થશે. હું ભાજપને સ્પષ્ટ કહેવા માગું છું કે ભાજપ આવનારા ૭૦ વર્ષમાં પણ વિસાવદરથી ચૂંટણી જીતી શકશે નહીં. કારણ કે વિસાવદરનો ખેડૂત અને વિસાવદરના યુવાનો ક્યારેય પણ ભાજપ સામે ઝુકશે નહીં. આજથી અમે વિસાવદરની ચૂંટણીનો શંખનાદ કરી રહ્યા છીએ. જ્યારથી વિસાવદરની ચૂંટણીનું એલાન થશે, ત્યારથી હું પણ વિસાવદરના ખેડૂતો સાથે આવીને બેસીશ. ત્યારબાદ જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે ત્યારે ૯૦૦૦ સીટો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. ૨૬ લોકસભા ૧૮૨ વિધાનસભામાં અમે પ્રભારીઓને જવાબદારી સોંપી દીધી છે. તમે જોશો કે ફક્ત એક વર્ષમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સમગ્ર ગુજરાતમાં એટલું મજબૂત હશે કે ભાજપ પણ કહેશે કે જો સંગઠન બનાવતા શીખવું હોય તો આમ આદમી પાર્ટી પાસેથી શીખવું પડે. ૧ મે ના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે, આ દિવસથી આપણે અમદાવાદથી એક અભિયાન શરૂ કરીશું. ૧ મે થી ૧૫ જૂન સુધી ગુજરાતના તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં આમ આદમી પાર્ટી જનતા સાથે મળીને પરિવર્તન સભાનું આયોજન કરશે અને સંકલ્પ લેશે કે હવે આપણે સાથે મળીને ગુજરાતમાં બદલાવવા માટે કામ કરવાનું છે. આ ૧ મે ના દિવસે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે ગામડે શહેર શહેરમાં સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરશે અને એ દિવસે ઉપવાસ રાખવામાં આવશે અને સાંજે કોઈ એક વ્યક્તિના ઘરે રઘુપતિ રાઘવ રાજારામની રામધૂન ગાશે અને પોતાના સંકલ્પને દુનિયા સમક્ષ જાહેર કરશે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે. જે પણ કાર્યકર્તા મિત્રો કોઈ પણ સલાહ સૂચના આપવા માંગતા હોય તેઓ એક નંબર પર સંપર્ક કરી શકે છે, નંબર છે 9871215875. આજે વિસાવદરથી આપણે એક બદલાવની યાત્રાની શરૂઆત કરીશું અને ગાંધીનગર સુધી જઈશું. મને પૂરો વિશ્વાસ છે કે આપણે વિસાવદરની ચૂંટણી લડીશું.
આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ વિસાવદરની જનતા સમક્ષ અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જે ધરતી પરથી કેશુબાપા જેવા ખેડૂત નેતા ધારાસભ્ય બન્યા હોય એ ધરતી પરથી પ્રતિનિધિત્વ કરવા માટે મને જે તક મળી છે એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. હાલ હું ગામડે ગામડે ફરી રહ્યો છું અને લોકોની વેદનાઓ જાણી રહ્યો છું. મેં એક ડાયરીમાં લોકોની વેદનાઓ અને લોકોની તકલીફો લખી છે. વિસાવદરની નગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતની આ વિસ્તારની એક સીટને છોડીને બાકી તમામ જગ્યાએ ભાજપ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા સહિત કુલ ૭૬ જેટલા સભ્યો ભાજપમાંથી ચૂંટાયેલા છે અને લોકસભા સુધી ભાજપના નેતા અહીંયાથી ચૂંટાયા છે અને કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે અને આ લોકો ડબલ એન્જિનની સરકારની વાતો કરી રહ્યા છે તેમ છતાં પણ અહીંયાના લોકો માટે અને ખેડૂતો માટે કોઈ કામ થઈ રહ્યા નથી. માટે આ કોઈ ડબલ એન્જિનની સરકાર નહીં પરંતુ ધક્કા ગાડીની સરકાર છે અને આ સરકારને હવે કાઢવાનો સમય આવી ગયો છે. માટે વિસાવદરની આ ધરતીને એક આગેવાનની જરૂરત છે જે આ જગ્યાનું નેતૃત્વ કરી શકે અને આ જગ્યાના લોકો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે બોલી શકે. માટે હું તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે તમે મને એક તક આપશો તો હું ઘણું સારું કામ કરીશ. મેં પોલીસ વિભાગમાં નોકરી કરી, પ્રાંત અધિકારીના ક્લાર્ક તરીકે પણ મેં નોકરી કરી, હું વકીલ પણ છું અને ભાજપે મારા પર અનેક ખોટા કેસો કર્યા અને મને જેલમાં પણ પૂર્યો. મને જાહેર જીવનનો અનુભવ છે, કોર્ટ કચેરીનો અનુભવ છે, પોલીસ સ્ટેશનનો પણ અનુભવ છે અને બીજી કચેરીઓનો પણ અનુભવ છે. માટે જો તમે મને એક તક આપશો તો મારી આવડત અને અનુભવથી આ સમગ્ર વિસ્તારનું નામ ઉજડું કરી દઈશ.
જો ખેડૂતોના મુદ્દે વાત કરીએ તો આખા ગુજરાતમાં જમીન માપણીના નામે ધાંધલી કરવામાં આવી છે. બીજી બાજુ ડબલ એન્જિનની સરકારમાં કોઈ સાંભળવા વાળું નથી. જમીન માપણીની વાંધા અરજીમાં દસ વર્ષ નીકળી ગયા પરંતુ કોઈ બોલવાવાળું નથી. જો હાલ વડીલ પેઢી છે તે ગુજરી જશે તો આવનારી પેઢીને આ લોકો ફાવવા નહીં દે અને ૭/૧૨માં જે ઘાલમેલ થઈ છે તે જમીનને પચાવી પાડવાનું કામ આ ભાજપવાળા કરશે. થોડા સમય પહેલા મુખ્યમંત્રી પણ અહીંયા આવ્યા પરંતુ આ મુદ્દા પર તેઓ એક પણ શબ્દ બોલ્યા નહીં. ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થાય તેવું કામ ભાજપની સરકારે કર્યું છે. ભાજપના લોકોને ઇકોઝોન લાવતા શરમ નથી આવતી. આજથી બે વખત પહેલા પણ જંગલ વધારવાનું કામ કરવામાં આવ્યું અને હવે ત્રીજી વાર આ ઇકોઝોન લઈને આવ્યા છે. માટે જાગવાની જરૂરત છે. ખેડૂતની જમીનોમાં લઈ લીધી છે પરંતુ ભાજપના ગુંડાઓની જમીનને તારવી લેવામાં આવી છે. જો ડબલ એન્જિન હોય કે ૫૦ એન્જિન હોય પરંતુ જો કોઈ ખેડૂત માટે અવાજ ન ઉઠાવે તો એવા કોઈ એન્જિનની આપણને જરૂરત નથી.
હું સમગ્ર વિસાવદરને અને આખા ગુજરાતની આજે વિનંતી કરું છું કે વિસાવદરની ચૂંટણી એક મહાભયંકર યુદ્ધ સમાન છે, આખા ગુજરાતમાં જે બદલાવ ઈચ્છતા હોય, યુવાનોનું ભલું ઇચ્છતા હોય, ખેડૂતોનું ભલું ઇચ્છતા હોય, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતા હોય, ભાજપના ગુંડાઓને પકડવા માગતા હોય, એવા તમામ જ્ઞાતિના તમામ ધર્મના તમામ ગામના તમામ શહેરના લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ચૂંટણીની તારીખ જાહેર થાય પછી સ્વખર્ચે ઘરની ગાડી અને ઘરના ખર્ચે એક મહિના માટે વિસાવદરમાં આવીને મને મદદ કરો, એવી હું તમામ લોકોને વિનંતી કરું છું. ક્રાંતિની શરૂઆત વિસાવદર ભેસાણથી શરૂ થશે એવો સંકલ્પ લીધો છે. ગુજરાતભરમાંથી જે પણ કાર્યકર્તાઓ આવ્યા છે તે સૌને પણ વિનંતી છે કે જ્યારે ચૂંટણી જાહેર થાય અને જ્યારે હું ફોર્મ ભરવા જાઉં ત્યારે ગુજરાતના ઇતિહાસમાં ન થઈ હોય એટલી મોટી રેલી આપણે કાઢીશું અને ફોર્મ ભરવા જઈશું. એક લાખ લોકો ખભેથી ખભો મિલાવીને આપણું ફોર્મ ભરવામાં આવે તેવી હું લાગણી રાખું છું. ગુજરાતના ઇતિહાસમાં અને દેશના ઇતિહાસમાં ન થઈ હોય તેવી ચૂંટણી આપણે કરી બતાવીશું અને સાબિત કરી બતાવીશું કે જો એક નાનો માણસ ધારે, એક ખેડૂતનો દિકરો ધારે તો મોટી મોટી સલ્તનતો પણ ડોલી જાય.
ઇકોઝોન, પાક વીમો પાંચ લાખનું ધિરાણ, જંગલ ખાતાની કનકડત ખેડૂતો યુવાનોની પરિસ્થિતિ આવી તમામ બાબતોને યાદ રાખીને તમારે આમ આદમી પાર્ટીનું બટન દબાવવાનું છે. હું ફરી એક વાર વિસાવદરના લોકો ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે મારો સાથ આપો, મને ટેકો આપો મને આશીર્વાદ આપો. હું તમારા લોકોના ભરોસે બેઠો છું. હું ભાજપ અને કોંગ્રેસના વિસાવદર ભેસાણમાં રહેતા કાર્યકર્તાઓને કહેવા માગું છું કે તમારી પાર્ટીને અહીંના લોકોએ અનેકવાર તક આપી પરંતુ હવે એક તક ખેડૂતના દીકરાને જીતાડવા માટે આવી છે અને જો તમે બધા સાથે મળી જાઓ તો ખેડૂતોની જીત થાય એમ છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે અને જો આ વખતે આ ખમીરવંતી જનતાને ડરાવશે ધમકાવશે તો આખું ગુજરાત વિસાવદરની જનતા સાથે છે એ બતાવવા માટે અમે આજે સૌ અહીંયા ભેગા થયા છીએ. વિસાવદરમાં ગોપાલભાઈનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું ત્યારબાદ તાત્કાલિક મુખ્યમંત્રીએ વિસાવદરમાં આવવું પડ્યું અને ૧૦૦ કરોડના કામ જાહેર કરવા પડ્યા તો વિચારો કે ગોપાલભાઈ જીતી જશે તો સરકારે બીજા કેટલા હજાર કરોડના કામો જાહેર કરવા પડશે. આ તાકાત છે અમારી અને તમારી એકતાની. વિસાવદરમાં આખા અમરેલી ધારી સહિતના વિસ્તારમાં ઇકોઝોન લાવવાની  તૈયારી કરાઈ રહ્યું છે. જંગલ બચાવવાની ચિંતા આપણને છે પરંતુ તે લોકોને જમીનો જોઈએ છે, ખનીજ જોઈએ છે. તો એ લોકોને રોકવાનું કામ આપણે સાથે મળીને કરવું પડશે.
આવનારા એક મહિનામાં ચૂંટણી જાહેર થઈ શકે તેમ છે અને અહીંયાથી આપણે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનું પ્રસ્થાન કરવાનું છે. ૨૦૨૨માં આપણાથી થોડી ઘણી કદાચ ભૂલો થઈ પણ હશે પરંતુ હવે ૨૦૨૭માં આપણાથી એવી ભૂલો નહીં થાય તે રીતની મહેનત આપણી સાથે મળીને કરવાની છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે પણ લડવા માંગે છે, તે આવતીકાલથી જ પોતાની તૈયારીઓ શરૂ કરી દે. સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં પુરી તૈયારીઓ કરીને આપણે ઉમેદવારોની પસંદગી ચાલુ કરી દઈશું. આપણે વિસાવદરની ચૂંટણી જીતીને જે વિજય રથનું પ્રસ્થાન કરીશું, તે રથ ફેબ્રુઆરી ૨૦૨૬માં મહાનગરપાલિકા ચૂંટણીઓ જીતીને ૨૦૨૭ માં ગાંધીનગર પહોંચશે અને આપણે વિધાનસભા ચૂંટણી જીતીને બતાવવી છે. ૨૦૨૭ની ચૂંટણી મહાભારતથી કમ નહીં હોય. હાલ ફક્ત ગોપાલભાઈ ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ ગુજરાતના બાવન લાખ ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે. જો ભાજપની વાતોમાં આવીને જો લોકોએ ભાજપને ચૂંટણી જીતાડી તો ખેડૂતોના ભાવ તો બાજુમાં મૂકી દો પરંતુ લોકોના ઘર પર બુલડોઝર ચલાવશે તે વાતને યાદ રાખજો.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને આપણા અધિકારો છીનવવાવાળા લોકો આપણને પ્રાથમિક સુવિધાઓ પણ આપી શકતા નથી, આજે પણ ખેડૂતો મજદૂરો, યુવાનો,મહિલાઓને આજે પણ આઝાદી મહેસુસ થઈ રહી નથી. એવા સમયમાં એક વ્યક્તિએ આ પ્રશ્ન વ્યવસ્થાને બદલવાનો સંકલ્પ કર્યો એવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગરીબ અને મધ્યમવર્ગમાંથી આવતા લોકોને એક મજબૂત પ્લેટફોર્મ આપ્યું છે અને એ પ્લેટફોર્મ એટલે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી એટલે દિવસ રાત મહેનત કરવાવાળા પ્રમાણિક લોકોની પાર્ટી. આપણા માટે ગર્વની બાબત છે કે જ્યારે આપણે પહેલી વખત  ૨૦૨૨માં ચૂંટણી લડ્યા ત્યારે ગુજરાતના લોકો ૪૧ લાખ જેટલા વોટ આપીને એક સંદેશો આપ્યો અને અને પાંચ ધારાસભ્યો ચૂંટાયા. જો આપણે વધુ મજબૂતીથી કામ કરીશું સંગઠન બનાવીશું અને ઘરે ઘરે પહોંચીશું તો હાલ જે લોકો આપણી સામે બેઠા છે તેમાંથી જ અનેક લોકો ચૂંટાઈને વિધાનસભામાં જશે અને આપણી સાથે મળીને સરકાર બનાવીશું.
ધારાસભ્ય ચૈતર વસાવાએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં ખેડૂતોના મુદ્દે, વિદ્યાર્થીઓના મુદ્દે, મહિલાઓના મુદ્દે, દલિતોના મુદ્દે, આદિવાસીઓના મુદ્દે, વિકાસના મુદ્દે, વ્યવસ્થાના મુદ્દે વિધાનસભામાં ખૂબ જ તાકાતથી રજૂઆત કરીએ છીએ, અવાજ ઉઠાવતા રહીએ છીએ અને અમારી જનતા માટે કામ કરતા હોઈએ છીએ, તો વિસાવદરની જનતાને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે એકવાર ગોપાલભાઈને વિસાવદરની વિધાનસભા ચૂંટણીમાં વિજય બનાવી દો ત્યારબાદ અમે લોકો ભાજપની તાનાશાહી સામે લડવા માટે તૈયાર છીએ. આજે આખા ગુજરાતમાં દૂરૂપયોગ કરીને લોકોને દબાવવાની વાત ચાલતી હોય છે, ખેડૂતોની રિ-સર્વેના નામે જમીનો પચાવી પાડવાની વાત ચાલે છે, મગફળી કૌભાંડ અને ડાંગર કૌભાંડની વાત ચાલે છે, નકલી કચેરી, નકલી અદાલતો અને નકલી ias ips ઓફિસરોની વાત હોય, આવા અનેક મુદ્દાઓ પર અમે ચાર ધારાસભ્યો સરકાર સામે ઝૂક્યા વગર અવાજ ઉઠાવીએ છીએ. તો જો હવે ગોપાલભાઈને વિધાનસભામાં પહોંચાડી દઈશું તો આપણે ભાજપને પણ તેની અસલિયત બતાવી દઈશું.
આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢની ભૂમિને ક્રાંતિની ભૂમિ કહી શકાય, વિસાવદરના મતદારોએ ગુજરાતની પરિવર્તનની દિશા આપવાનું કામ કર્યું છે. જે લોકો પોતાની પાર્ટીને દુનિયાની સૌથી મોટી પાર્ટી માને છે તે લોકોને તેમની ઔકાત બતાવવાનું કામ વિસાવદરના લોકોએ કર્યું છે. અમે સાંભળ્યું છે કે ભાજપ એવા ઉમેદવારને લાવવા માંગે છે જેની પાસે પૈસાનો પાવર છે, મસલ પાવર છે  એવા લોકોને સંદેશો આપવા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ. આજે ગુજરાતના ખેડૂતો, ગુજરાતની મહિલાઓ, ગુજરાતના યુવાનો અને ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા શિક્ષકો અને યુવાનોની નજર આજે વિસાવદર પર છે. માટે આ ચૂંટણી ભૂતકાળની ચુંટણીઓ સમાન નથી. આજે જેના પર ગુજરાતના યુવાનોની નજર છે અને જેને લોકો આદર્શ સમજે છે એવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયાને અમે વિસાવદરના મતદારોના ખોળે મુકવા માટે અમે આવ્યા છીએ. તો હવે ગોપાલભાઈ ઇટાલીયા અને આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી વિસાવદરના લોકોની છે.

(11:32 PM IST)